• મંગળવાર, 17 માર્ચ, 2026

મોટા-ખાવડાના ત્રણ વર્ષ પૂર્વેના હત્યાકેસમાં બે સગા ભાઈને આજીવન કેદની સજા

ભુજ, તા. 16 : બહેન સાથે આડા સંબંધની શંકામાં મોટા  (ખાવડા)ના બંને ભાઈએ છરીના ઘા મારી યુવાનની હત્યા નીપજાવવાના ત્રણ વર્ષ જૂના કેસમાં આરોપી સહોદર એવા અસલમ અભેરાજ સમા અને અલ્તાફ અભેરાજ સમાને આજીવન કેદની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો અદાલતે આપ્યો છે. આ ચકચારી હત્યા અંગેની ફરિયાદની વિગતો મુજબ મૃતક સોયબ ઓસ્માણ સમાના દાદા હુસેન સિધિક સમાનો મોબાઈલ બે-ત્રણ દિવસથી ગુમ હોતાં આ મોબાઈલ કોની પાસે છે, તેની ખાતરી કરવા સોયબે તા. 24/5/2023ના મોબાઈલમાં ફોન કરતાં આરોપી અસલમ અને અલ્તાફની બહેન પાસેના મોબાઈલમાં રિંગ વાગતાં બંને આરોપી ભાઈએ મોબાઈલ ચકાસતાં સોયબના મોબાઈલ પરથી ફોન આવ્યો હોવાનું દેખાતાં સોયબ સાથે તેની બહેનના આડા સંબંધ હોવાની શંકા જતાં બંનેએ સોયબના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. અસલમે સોયબને પકડી રાખી અને અલ્તાફે છરીના ઘા પેટ અને છાતીમાં મારી  હત્યા નીપજાવી હતી. ખાવડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીને કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિયાની અદાલતમાં ચાલી જતાં 45 દસ્તાવેજી પુરાવા અને 25 સાક્ષી તપાસી આરોપીઓ અસલમ અને અલ્તાફને તક્સીરવાન ઠેરવી 104 પાનાના ચુકાદામાં બંનેને આજીવન કેદ તથા દરેક આરોપીને પાંચ-પાંચ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરી અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ આર.એસ. ગઢવી, વી.જી. ચૌધરી, શિવમ બી. સોલંકી, વિશ્વા એન. પરમારે હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી હતી.

Panchang

dd