એડિલેડ, તા.11: પ્લેયર ઓફ ધ મેચ ગ્લેન મેક્સવેલની 120 રનની આતશી ઇનિંગ્સની મદદથી બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 34 રને શાનદાર વિજય થયો છે. આથી ત્રણ મેચની શ્રેણી કાંગારુ ટીમે 2-0થી કબજે કરી છે. મેકસવેલે પપ દડામાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાથી 120 રન કરીને રનનું રમખાણ સર્જ્યું હતું. તેણે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં પાંચમી સદી કરીને આ ફોર્મેટમાં સૌથી વધુ સદી કરનાર ભારતીય કપ્તાન રોહિત શર્માની બરાબરી કરી છે. આ ઉપરાંત તેણે સૌથી ઝડપે પ ટી-20 ઇન્ટરનેશનલ સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના 4 વિકેટે 241 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 20 ઓવરમાં 9 વિકેટે 207 રન થયા હતા. મેક્સવેલે ચોથા નંબર પર આવીને 120 રન ફટકાર્યા હતા આ પહેલા ભારતના સૂર્યકુમારે ચોથા નંબર પર ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2022માં 117 રનની ઇનિગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આજની મેચમાં વોર્નરે 22 રન કર્યા હતા જ્યારે સ્ટોઇનિસે 2 ચોગ્ગા-2 છગ્ગાથી 31 રનની ઝડપી ઇનિંગ રમી હતી. હોલ્ડરને બે વિકેટ મળી હતી. વિન્ડિઝ તરફથી કપ્તાન રોવમેન પોવેલે 36 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી 63, આંદ્રે રસેલે 16 દડામાં 4 ચોગ્ગા-2 છગ્ગાથી 37 અને જેસન હોલ્ડરે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે 3 વિકેટ લીધી હતી.