ભુજ, તા.16 : ભુજમાં ટીનસિટી ગ્રાઉન્ડ નજીક
મોડેલ સબ રજિસ્ટ્રાર કચેરીનું નવું મકાન બનીને તૈયાર થઈ જતા દિવાળી પહેલા નવી કચેરીમાં
દસ્તાવેજની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલે ભુજની ગ્રામ્ય
મામલતદાર કચેરીમાં કાર્યરત સબરજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલે છે.
જો કે, હવે કચેરીનું પોતાનું અલાયદું મકાન બનીને તૈયાર
થઈ ગયું છે, જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં દિવ્યાંગો માટે રેમ્પ સ્લોપ,
સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1ની ચેમ્બર, સબ રજિસ્ટ્રાર
ગ્રેડ-2ની ચેમ્બર, અરજદારો માટે વિશાળ જગ્યા, ઈ-સ્ટેમ્પિંગ માટે સુવિધા, પ્રથમ માળ પર રેકર્ડ રૂમ,
કચેરીના પ્રાંગણમાં વાહન પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરાઈ છે. સૂત્રોમાંથી
મળતી માહિતી મુજબ હવે કચેરીમાં જી-સ્વાનનું જોડાણ બાકી છે, જે
જોડાણ મળ્યા બાદ આગામી દિવાળી પહેલા નવી કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ થઈ
જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.