• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

કચ્છમાં વરસાદી ઘટ એક જ દિવસમાં ઘટી 34 ટકાએ પહોંચી

ભુજ, તા. 16 : બંગાળની ખાડીમાં  સર્જાયેલ સિસ્ટમની અસર તળે કચ્છમાં સાર્વત્રિક મેઘકૃપા વરસતાં અછતનું તોળાતું સંકટ હાલ તુરંત થોડા ઘણા અંશે હળવું થયું છે. પાણી-ઘાસચારાનો પ્રશ્ન થોડો હળવો બનવા સાથે સૂકાભઠ્ઠ પડેલા નદીનાળા જીવંત થયા છે. બે દિવસની મેઘકૃપાના કારણે કચ્છમાં 62 ટકાએ પહોંચેલી વરસાદની ઘટ નોંધપાત્ર રીતે ઘટીને 34 ટકાએ પહોંચી છે. અગાઉમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લામાં કચ્છ ચોથા સ્થાને હતું. હવે વરસાદી ઘટના મામલે ચોથાથી છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. ચોમાસાની વિદાય પહેલાં હજુ જો એકાદ સારો વરસાદી રાઉન્ડ આવે તો આ ઘટ પણ ઘણાખરા અંશે હળવી થઇ શકે તેમ છે. કચ્છમાં સામાન્ય રીતે અત્યાર સુધી 389 મિ.મી. એટલે કે સાડા પંદર ઇંચ વરસાદ વરસવો જોઇએ, તેના બદલે હવામાન વિભાગમાંથી મળેલા આંકડા અનુસાર 257 મિ.મી. વરસાદ પડયો છે. એટલે કે વરસાદની 34 ટકા ઘટ જોવા મળી રહી છે. જિલ્લામાં સોમવારની રાત્રિ દરમિયાન સિઝનનો 27 ટકા વરસાદ પડી જતાં સરેરાશ વરસાદ ઊંચકાઇને 56 ટકાના આંકે પહોંચી ગયો છે. 10 પૈકીના સાત તાલુકામાં સરેરાશ વરસાદનો આંકડો 50 ટકાથી ઉપર પહોંચ્યો છે. દેર આયે દુરસ્ત આયેની જેમ મેઘરાજાએ ભાદરવાના આરંભે મહેર વરસાવતાં ચોમાસું બેસ્યાના ત્રણ મહિના બાદ જેટલો વરસાદ વરસ્યો તેટલો વરસાદ આ રાઉન્ડના બે દિવસની મેઘકૃપા દરમિયાન વરસી ગયો છે. રાજ્યમાં હાલ વરસાદની સૌથી વધુ 78 ટકાની ઘટ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. એ બાદ પોરબંદર જિલ્લામાં 66, જામનગર જિલ્લામાં 50, દાહોદ જિલ્લામાં 42 અને અરવલ્લી જિલ્લામાં 41 ટકા જેટલી વરસાદી ઘટ છે. 34 ટકાની ઘટ સાથે કચ્છ અને જૂનાગઢ સંયુક્ત રીતે ઘટના મુદ્દે રાજ્યમાં છઠ્ઠા નંબરે છે. છેલ્લા છ વર્ષથી સરેરાશ કરતાં વધુ વરસાદ મેળવતા કચ્છમાં આ વર્ષે વરસેલો વરસાદ ચોક્કસથી ઓછો છે પણ બે દિવસની મેઘવર્ષા બાદ વરસાદનું ચિત્ર થોડા ઘણા અંશે સુધર્યું છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસાંની સત્તાવાર વિદાય પૂર્વે જો માહોલ અનુકૂળ રહ્યો તો એકાદ વરસાદી રાઉન્ડ હજુ આવી શકે છે. ભાદરવામાં વરસેલી મેઘકૃપાના કારણે 2018 જેવી સર્જાનારી સ્થિતિ હાલ તુરંત સર્જાય તેવી સંભાવના ખૂબ ઓછી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd