• ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2026

રસોઈ ગેસના નવા જોડાણો પર બ્રેકથી 10 હજાર પરિવાર પર આફત

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 16 : એક બાજુ લાકડા કાપવાની મનાઈ છે અને કેરોસીન વિતરણ પણ બંધ છે. તેની વચ્ચે ઘર વપરાશના રસોઈ ગેસના નવા જોડાણ આપવા પર પણ બ્રેક લગાડી દેવામાં આવતાં ઘરમાં રસોઈ બનાવવા જોડાણ લેવા માગતા અંદાજે 10 હજાર પરિવાર ઉપર મોટી આફત સમાન હોવાની ફરિયાદો ઊઠી છે. બીજી બાજુ કચ્છનું પુરવઠા તંત્ર સુસ્ત છે અને પાઈપલાઈનના ગેસ જોડાણો વધે તે માટે સિલિન્ડરવાળા કનેકશન બંધ છે તેવો તદ્દન ખોટો બચાવ કર્યો હતો. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ વણસી તેની અસર ભારત સુધી થઈ હતી અને રસોઈ ગેસથી માંડી સી.એન.જી., પેટ્રોલ, ડીઝલની પણ અછત થઈ હતી. આ માહોલના પગલે રાંધણગેસ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધ શરૂ થયા હતા જે હજુ પણ નિયંત્રણ હટયાં નથી. - નવાં જોડાણ નહીં : પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છમાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં અત્યારે નવા રાંધણગેસના નવા જોડાણ આપવા પર પ્રતિબંધ છે. ઈચ્છુક ગ્રાહકો ગેસ એજન્સીઓની ઓફિસોમાં ધક્કા ખાય છે, પણ કનેક્શન મળતા નથી. - ગ્રાહકો ક્યાં જશે : કેટલાક ઈચ્છુક ગ્રાહકોએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, લાકડા કાપવા પર મનાઈ કરવામાં આવે છે. કેરોસીન બંધ છે ને હવે રાંધણગેસનું સિલિન્ડર પણ મળતું નથી, તો રસોઈ કેમ કરવી. થોડા સમય પહેલાં ગામડામાંથી રોજીરોટીની તલાશમાં ભુજ શહેરમાં આવેલા એક રબારી પરિવારની પણ હાલત કંઈક આવી જ છે. ઘરકામ કરતા મહિલાઓ જ્યાં-ત્યાંથી સિલિન્ડરની વ્યવસ્થા કરે છે, પરંતુ નવું જોડાણ મળતું નથી, તો હવે કાયમી કેમ ચાલે તેવો સવાલ વ્યક્ત કર્યો હતો. - આખા કચ્છમાં પી.એન.જી. નથી : કચ્છમાં રસોઈ ગેસના જોડાણો આપવાની આઈ.ઓ.સી., ભારત અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આ ત્રણ ગેસ એજન્સી મારફતે સિલિન્ડર અને નવા જોડાણ આપવાની વ્યવસ્થા છે, પરંતુ અત્યારે આ ત્રણેય એજન્સીને મનાઈ કરવામાં આવી છે. કચ્છની વાત કરીએ તો પાઈપલાઈન વાટે અપાતા રસોઈ ગેસની વ્યવસ્થા ભુજ, માધાપર અને મુંદરામાં છે. ભુજમાં પણ હજુ અનેક વિસ્તારો સુધી ગેસની પાઈપલાઈન પહોંચી નથી. તો ગામડાઓમાં ક્યારે મળશે એ તો ઈશ્વર જાણે, આવું જણાવાયું હતું. - અનેકની માગણીઓ : ખાસ કરીને શહેરોમાં બહારથી બદલીને આવતા ખાનગી કે સરકારી કર્મચારી પરિવારો ગેસના જોડાણ વગર પરેશાની વેઠે છે, તો ક્યાંક એક જ પરિવારમાં રહેતા ભાઈઓ અલગ થાય તો તેઓને ગેસ લેવો હોય તો મળી શકશે નહીં, નવા કનેકશન માટે ક્યાંક લેખિત તો ક્યાંક મૌખિક માગણીઓ આવે છે. - 10 હજાર માંગ : મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં 43 રાંધણગેસની ત્રણ કંપનીની એજન્સી છે. આ તમામ પાસે નવા જોડાણની માંગ આવે છે. જિલ્લા પુરવઠા વિભાગ પાસે તો કોઈ વિગતો નહોતી, પરંતુ એજન્સીઓવાળાએ અંગત રીતે કહ્યું કે, અંદાજે 10 હજારથી વધારે માગણી પેન્ડિંગ છે. - 4 લાખ જોડાણ : અત્યારે રસોઈ ગેસના સિલિન્ડરવાળા ગેસ કનેક્શન કરેલા છે. આ બાબતે સત્તાવાર રીતે મળેલી માહિતી પ્રમાણે કચ્છમાં ચાર લાખ કનેકશન છે. બાકીના 21 હજાર પાઈપલાઈન વાટે જોડાયેલા છે. - પુરવઠા વિભાગ સુસ્ત : જિલ્લા પુરવઠા વિભાગની આ વિષયમાં જવાબદારી થતી હોય છે. એટલે પુરવઠા અધિકારી વિવેક બારહટનો સંપર્ક સાધતાં તેમણે એક તબક્કે તો એવો જવાબ આપ્યો કે, પાઈપલાઈનના જોડાણ વધે એટલે સિલિન્ડર પ્રથા બંધ છે, પણ તેઓ આ બાબતે અજાણ છે કે પાઈપ વાટે માત્ર ભુજ, માધાપર અને મુંદરામાં જ રાંધણગેસ અપાય છે. બાકીના વિસ્તારોમાં પાઈપલાઈન પહોંચી જ નથી! પાઈપલાઈન નથી પહોંચી એ પ્રશ્ન કરાતાં તેમણે કહ્યું કે, હાલ પૂરતા 10 કિ.ગ્રા.વાળા સિલિન્ડર અપાય છે, પરંતુ દરવખતે ગ્રાહકોને એજન્સી પાસે રૂબરૂ લેવા જવું પડે, ગામડામાં તો 25 કિ.મી. દૂર એજન્સીમાં ગ્રાહકો કેમ જાય એ એક મોટો સવાલ છે. - શું કહે છે નોડેલ અધિકારી : કચ્છની તમામ ગેસ એજન્સીઓના નોડેલ ઓફિસર મનોજ લખાવાણીનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપ્યું હતું કે, હાલમાં નવા જોડાણ આપવાનું કામ બંધ છે અને માત્ર કચ્છમાં નહીં આખા ભારતમાં બંધ છે. - ક્યાંક દુરુપયોગ : યુદ્ધની અછતના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હોવાથી અમુક લોકો વધારાના જોડાણ લઈને પાછલા બારણે ઘરેલુ ગેસ સિલિન્ડર કોમર્શિયલવાળાને વાપરવા આપે છે અને અત્યારે 25 દિવસે સિલિન્ડરનું બુકિંગ થાય છે. એટલે આ પ્રકારે થતા દુરુપયોગને રાખવા સંભવત: બ્રેક લગાવવામાં આવ્યો છે. અલબત્ત સાચા અરજદારો આ નિર્ણયમાં અટવાઈ ગયા હોવાની રાવ ઊઠી હતી. બીજી બાજુ ઉજ્જવલાવાળા નવા જોડાણ પણ અપાતા નથી એવા સાવ ગરીબ પરિવારો પણ પરેશન બની ગયા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd