• સોમવાર, 22 જુલાઈ, 2024

મેરીટાઈમ માસ્ટરપીસ મુંદરા !

- સંજય પી. ઠાકર

દરિયાકિનારાના વિસ્તારમાં હવા-પાણી સારા હોવાથી મુંદરાને કચ્છનું પેરિસ ગણવામાં આવે છે. તાલુકાની આબોહવા ખુશનુમા છે. આ વિસ્તાર અગાઉ `કંઠી' (કે `કાંઠી') પરગણા તરીકે ઓળખાતો, હવે ર001ના ભૂકંપ પછી તે ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી ચૂકયો છે અને મુંદરા અદાણી બંદર દેશનું અવ્વલ દરજ્જાનું ખાનગી બંદર તરીકે સ્થાન પામી ચૂક્યું છે. તાલુકામાં સ્થપાયેલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ), પાવર પ્લાન્ટ્સ અને શો પાઇપ ઉદ્યોગ જૂથોએ ઔદ્યોગિક ગતિવિધિ તેજ બનાવી દીધી છે. આ ભોમકા દાનવીરો અને શ્રેષ્ઠીવર્યોની શાખ પૂરે છે, જગડુશા દાતાર આ પટના જ સંતાન. સમાજના હામિ એવા સખાવતી મહાજનોમાં શેઠ જગડુશાથી દામજીભાઈ એંકરવાલા સુધી યાદી લંબાય તેમ છે. જવાબદાર રાજ્યતંત્રની કચ્છની લડતના પ્રણેતા અને કચ્છી પ્રજાકીય પરિષદના અગ્રણી નેતા જેઓ પછીથી મુંબઈના મેયર પણ થયેલા તે યુસુફ મહેરઅલીનું વતન મુંદરા તા.નું ભદ્રેશ્વર છે. ફિલ્મ-સંગીત ક્ષેત્રે સુપ્રસિદ્ધ મૂળ કુન્દ્રોડી ગામના પદ્મશ્રી કલ્યાણજી-આણંદજી શાહે આ ભૂમિને રળિયાત કરી છે, તો વિખ્યાત નોબતવાદક સુલેમાન જુમ્માએ પેરિસના એફિલ ટાવર સુધી નગારાંનો નાદ પહોંચાડયો છે. ગૌરવ પુરસ્કાર મેળવનારાં લોકગાયિકા ધનબાઈ કારા અને કલા-કારીગરી ક્ષેત્રે રાષ્ટ્રીય સન્માન મેળવનારા દાઉદ ખત્રી અને તેજીબેન મકવાણા મુંદરાની મિરાત છે. ટી.એમ. શેઠ, રણછોડભાઈ નાથા અને કેશવજી નથુ સેલર જેવા લોકસેવકોની અહીં સુવાસ છે. ડો. જયંત ખત્રી, દુલેરાય કારાણી, બકુલેશ, અશોક હર્ષ અને પ્રીતમલાલ કવિ જેવા કલમસ્વામીઓની આ ભૂમિ છે. લધા દામજી, જેરામ શિવજી અને ઈબજી શિવજી જેવા સાહસિક વ્યાપારી મહારથીઓનું વારસ મુંદરા નગર છે, તો દામજીભાઈ એંકરવાલા (કુન્દ્રોડી), લાલજી સુમાર (સમાઘોઘા), ટોકરશી કાપડિયા (પત્રી) અને મણિલાલ લ. વોરા (મુંદરા) જેવા સખી દાતાઓનો આ પુણ્ય પંથક છે. ભારતના ઉત્કર્ષમાં પ્રભાવક ભૂમિકા ભજવનારા મહાનુભાવોને પ્રતિષ્ઠિત `પ્રવાસી ભારતીય સન્માન' એનાયત કરાય છે. આ ગૌરવભર્યું સન્માન ર01રમાં ઓમાન સ્થિત કિરણભાઈ નવીનચંદ્ર આશર (મુંદરા)ને એનાયત કરાયું છે. મુંદરા કચ્છના દરિયાકિનારે આવેલું છે. દક્ષિણ-પૂર્વે કચ્છનો અખાત છે, પૂર્વે અંજાર તાલુકો છે, પશ્ચિમે માંડવી તાલુકો અને ઉત્તરે ભુજ તાલુકો છે. તાલુકાની રચના સંવત 1878 (ઈ.સ. 19રર)માં થઈ છે. મુંદરા એ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં શેઠ આર.ડી. એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત તાલીમી કોલેજો બી. એડ., પીટીસી અને પ્રીપીટીસી તથા આર્ટ્સ-કોમર્સ કોલેજ આવેલી છે. મુંદરા નગરની સ્થાપના સંવત 1696માં થઈ હોવાનું નોંધાયું છે. મુંદરાની વસ્તી ર011ની ગણતરી મુજબ ર0,338 છે. તાલુકાની કુલ વસ્તી 1,પ3,ર19 છે, જેમાં પુરુષ 89,871, જ્યારે ત્રી 63,348 છે. અ.જા. વસ્તી ર0,311, જ્યારે અ. જ. જા. વસ્તી 1,979 છે. મુંદરા તાલુકાના 60 ગામ છે અને એક શહેર મુંદરા છે. આ તાલુકો 888 ચો. કિ.મી. વિસ્તાર ધરાવે છે. પાંચ હજારથી વધુ વસ્તીવાળા ગામોમાં ભુજપુર, ટુન્ડા, સમાઘોઘા, નાના કપાયા, ઝરપરા અને બારોઈનો સમાવેશ થાય છે. મુંદરા-બારોઈ નગરપાલિકાની રચના રપ ઓગસ્ટ ર0ર0ના થઈ છે. મુંદરામાં શાહ મુરાદ (શાહ બુખારી )ની દરગાહ તથા મનમોહનરાયજીનું મંદિર જાણીતા શ્રદ્ધાસ્થાનકો છે. જૈનોની નાની પંચતીર્થીના શિલ્પ, સમૃદ્ધ જિનાલયો નગરમાં અને ભુજપુરમાં આવેલા છે. ભદ્રેશ્વર-વસઈ અને વાંકી જૈન તીર્થ તરીકે આસ્થા કેન્દ્રો છે. ભદ્રેશ્વર ખાતેની સાત મજલાવાળી સેલોર વાવ (દુદા વાવ) જોવાલાયક છે. ભદ્રેશ્વર પાસેના ચોખંડા (નાળેશ્વર મહાદેવ મંદિર), વાઘુરાનું ફૂલેશ્વર મંદિર, પ્રાગપર ચાર રસ્તા પાસેનું આશાપુરા મંદિર અને આહિંસાધામ, લુણી અને રતાડિયાના ગણેશ મંદિર જાણીતા છે. મુંદરા પાસેની ચીચીવાડી (સરકારી ફળ ઉછેર કેન્દ્ર) વખણાય છે.તાલુકામાં ઓસવાળ તથા ગુર્જર જૈન, લોહાણા, ચારણ, ક્ષત્રિય રાજપૂત, મુસલમાનો, બ્રાહ્મણ, આહીર અને મહેશ્વરી મેઘવાળની વસ્તી મુખ્ય છે. આફ્રિકા જઈ ધંધા જમાવી શાખ ઊભી કરનારામાં મુંદરાના ભાટિયા અને ખોજા ખાસ હતા. બાંધણી-બાટિક અને ઊની નામદા જેવી કારીગરીમાં તો મુંદરા તાલુકાનું નામ છે. ભુજપુરના લસણિયા ગાંઠિયા અને ભુજપુર-પત્રીના અથાણાં અને પાપડની કચ્છ બહાર પણ માંગ છે. આ તાલુકામાં ડુંગરો નથી. ઉત્તરે ધોળા ડુંગરની ધારનો ઢોળ છે. નદીઓમાં ભુજ તા.માંથી આવતી સાકરા, ભૂખી, ફોટ, નાગમતી નદીઓ અખાતમાં ભળે છે. આ વિસ્તારની જમીન કાળી અને ગોરાળુ છે. પાણી સારા છે, પણ ક્ષારનું આક્રમણ અને ઔદ્યોગિકીકરણે ખેતીને ભારે જફા પહોંચાડી છે. બાગાયતી ખેતી વખણાય છે. ખેત ઉત્પાદનમાં કપાસ, બાજરો, જાર, ઘઉં, મગ, મઠ, નાગલી, જુવાર, ચણા, શેરડી વિ. મુખ્ય છે. આંબા, કેળા, ચીકુ, બિજોરા, મોસંબી વિ. પણ થાય છે. ખારેક અને નાળિયેર માટે ધ્રબ-ઝરપરા પ્રખ્યાત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang