• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

ભુજ-ખાવડા રાષ્ટ્રીય ધોરીમાર્ગે પુલનો ભાગ તૂટયો

નિરોણા/ભીરંડિયારા, તા. 28 : ભુજથી ખાવડા જતા અત્યંત મહત્ત્વાકાંક્ષી રોડની એક વર્ષ પહેલાં રૂા. 268 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી પૂર્ણ તો થઇ છે, ત્યારે અત્યાર સુધી ઊઠેલી ભ્રષ્ટાચારની ફરિયાદો સાચી પડી હતી. કેમ કે, વેકરિયા પાસે નિર્માણ પામેલા પુલમાં મોટા ગાબડાં પડતાં રીતસર ભ્રષ્ટાચાર પાધરો થતાં ચોંકી ઉઠેલા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇ પટેલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તથા કલેક્ટરનું ધ્યાન દોરી બાબતને ગંભીર ગણાવી હતી. રોડ અને પુલમાં વાપરવામાં આવેલી સામગ્રી બાબતે સીબીઆઇ કે એન.આઇ.એ. જેવી એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઊઠી હતી. ઇન્ડિયાબ્રિજ અને ધર્મશાળા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 341ના નવીનીકરણની કામગીરી 12 માસ પૂર્વે જ પૂર્ણ કરવામાં આવી છે. ખુલ્લા અફાટ રણને ચીરીને નીકળતા આ ધોરીમાર્ગમાં અનેક ઠેકાણે રોડને જમીનની સપાટીથી ઊંચાઇ વધારી મોટા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રોડ અને પુલની કામગીરીમાં નબળી ગુણવત્તાવાળી સામગ્રી વપરાતી હોવાનું વિસ્તારના કેટલાક અગ્રણીઓ દ્વારા ફરિયાદો પણ ઊઠી હતી, પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કોઇ પણ ફરિયાદ સાંભળવામાં ન આવ્યા પછી સમગ્ર રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હજી એ રોડ બન્યાને બાર માસનો જ સમયગાળો માંડ પૂરો?થયો છે. ત્યાં વાવાઝોડાં વચ્ચે થયેલા ભારે વરસાદને લઇ સમગ્ર રોડમાં ઠેર-ઠેર ગાબડાં સર્જાતાં વાહનવ્યવહાર માટે ભારે મુશ્કેલી ઊભી થઇ છે. તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી નમકનું ઉત્પાદન કરતા કેટલાક એકમો દ્વારા તોતિંગ વાહનોમાં ઓવરલોડિંગ પરિવહનનાં કારણે આ રસ્તો વધુ જર્જરિત બન્યો છે, તેની વચ્ચે આજે સવારે લોરિયાથી 14 કિ.મી. આગળ વેકરિયા રણ નજીક રોડ વચ્ચે નિર્માણ મોટા પુલની એકબાજુ  મોટા ગાબડાં પડતાં રોડ પર અમુક સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ કલાકો બાદ પુલની નુકસાનીવાળી સાઇડને  બંધ કરી બાજુમાંથી વાહનો પસાર કરવામાં આવતાં વાહનવ્યવહાર શરૂ થયો હતો. ખાવડા રોડ પર પુલ તૂટયો હોવાની ખબર પંથકમાં વાયુવેગે પ્રસરી હતી. ભરબપોરે ક્ષતિગ્રસ્ત પુલનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પુલ વચ્ચે વાહન અવરોધક સામગ્રી ઊભી કરતા કેટલાક સ્થાનિકે મજૂરો કામમાં જોતરાયેલા જણાયા હતા. ખાવડા તરફ જતા પુલની ડાબીબાજુ વચ્ચો વચ્ચ મોટા ભાગમાં લોખંડી સળિયામાંથી સિમેન્ટ-કાંકરીની સામગ્રી તૂટી પુલની છત નીચે ભરાયેલાં પાણીમાં પડેલી નજરે ચડી હતી. ગાબડાંમાં સિમેન્ટ-કાંકરી અને રેતીની ગુણવત્તા ખૂબ જ નબળી જણાઇ હતી. એટલું જ નહીં પુલ ઉપરથી પસાર થતા ભારેખમ વાહનોને લઇ આખા પુલમાં ધ્રુજારી થતી જણાઇ હતી. વાહન પસાર થતી વેળાએ પુલમાંથી થતી ધ્રુજારીને લઇ કામ કરી રહેલા કામદારો પણ કામ છોડી ભાગતા જોવા મળ્યા હતા. દરમ્યાન ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી પટેલને પુલને નુકસાની થઇ હોવાની જાણ થતાં તેઓ પણ ચોંકી ઊઠયા હતા. તેમણે તુરંત કલેક્ટર અમિત અરોરાનું ધ્યાન દોરી પગલાં લેવાં જણાવ્યું હતું. રાષ્ટ્રીય ધોરીમાર્ગના કાર્યપાલક ઇજનેર શ્રી વિશાવડિયાને ફોન કરી નારાજગી સાથે જણાવ્યું કે, એક જ વર્ષમાં આવું થાય કેમ ? 50-60 વર્ષ પહેલાં પણ પુલ બન્યા છે, હજુ ઊભા છે. આ પુલમાં કેટલી નબળી કામગીરી કરવામાં આવી કે એક જ વર્ષમાં તૂટવા લાગ્યો છે. અત્યારે જોખમી હોવાથી સ્લેબમાં?ખામી હોય તો નવેસરથી કરવા ત્યાં સુધી ડાયવર્ઝન કાઢવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગના અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, અનિશ ઇન્ફા.  દ્વારા કામગીરી કરવામાં આવી છે અને તેમની જવાદારી છે. સ્લેબની ચકાસણી કરવામાં આવશે. ખામી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે, તો બન્ની-પચ્છમ અધિકાર મંડળના પ્રમુખ કાસમ નોડેએ આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં સામેલ અધિકારીઓની તપાસ કરવા કલેક્ટરને પત્ર લખી માગણી કરી હતી. એકબાજુ રુદ્રાણી પુલ બંધ છે ને હવે વેકરિયા પાસે પુલ જોખમી બન્યો છે, તો ખાવડા ઉપરાંત સરહદે જવાનો સંપર્ક તૂટી શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો.

સુરક્ષાની દૃષ્ટિએ પણ પુલમાં જાણે મોટી સેંદ

ભુજ, તા. 28 : ભુજથી ખાવડા અને ખાવડા પછી ઇન્ડિયા બ્રિજ સહિત સરહદને  જોડતો આ એક મહત્ત્વનો અને સંવેદનશીલ માર્ગ છે, તેમાં જો આવા તકલાદી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોય તો સુરક્ષાની દૃષ્ટિએ અતિ જોખમી હોવાનું જાણકારોએ કહ્યું હતું. પાકિસ્તાન સાથે જોડાયેલી કચ્છ સીમાએ  ચોકી પહેરો ભરતા સીમા સુરક્ષા દળના જવાનોનો કાફલો ભુજ-ખાવડા માર્ગેથી જ અવર-જવર કરે છે. સુરક્ષાની દૃષ્ટિએ જ રસ્તો સુધારવામાં આવ્યો છે, એટલે જ તેની જવાબદારી રાષ્ટ્રીય ધોરીમાર્ગને સોંપવામાં આવી છે. ખાસ કરીને  ચોમાસા દરમ્યાન વેકરિયાનાં રણ, ભીરંડિયારા સુધી ભારે વરસાદનાં  પાણી માર્ગની બંને બાજુ ભરાઇ જતાં અને ક્યારેક તો રસ્તા પર ચડી આવતાં હોવાથી રસ્તો પાણીનાં કારણે દેખાતો બંધ થઇ જતો હતો. આવા કારણોસર તેને ઊંચો કરી જ્યાં પાણી વધારે ભરાય છે ત્યાં  ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા?છે અને જ્યારથી રસ્તાની પહોળાઇ અને ઊંચાઇ વધારવાનું કામ શરૂ થયું ત્યારથી  ભ્રષ્ટાચારની બૂમ ઊઠી હતી તે આજે સાચી પડી છે. અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા સરહદને જોડતા એકમાત્ર આ મારગનો પુલ જોખમી હોય તો  ક્યારેક સુરક્ષાની  દૃષ્ટિએ  મોટી સેંદ સાબિત થઇ શકે છે તેવું જાણવા મળ્યું હતું.

 

Janmadin Vishesh Purti

Panchang