ડો. સમૃદ્ધિ રામાણી દ્વારા : ભુજ,
તા. 8 : જીવનમાં સફળતા
ક્યારેય સરળતાથી નથી મળતી. તેના પાછળ વર્ષોની અથાગ મહેનત, નિષ્ફળતાઓ અને સંઘર્ષો છૂપાયેલા હોય છે,
પરંતુ આત્મવિશ્વાસથી દરેક મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતાના શિખરે
પહોંચે છે. આવી જ એક પ્રેરણાદાયી સંઘર્ષકથા છે જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે
કાર્યરત અવનીબેન રાવલની. લગ્ન બાદ પરિવાર, માતૃત્વ અને કારકિર્દી
વચ્ચે સંતુલન રાખી સપનાંઓની ઉડાન ભરનારા અવનીબેન આજે અનેક મહિલાઓનાં જીવનમાં અજવાળાં
પાથરે છે. - તમે તમારું
સપનું કેવી રીતે સાકાર કર્યું ? : હું એસવાયમાં હતી ત્યારે મારાં લગ્ન થયેલાં, ત્યારબાદ મેં માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક (એમએસડબલ્યુ)નું
ભણતર ચાલુ રાખ્યું અને સાથેસાથે સ્પર્ધાત્મક સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારીઓ કરતી
હતી. મારું સૌપ્રથમ પોસ્ટિંગ વર્ષ 2017માં દહેજ પ્રતિબંધક અધિકારી તરીકે મોરબીમાં થયું. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ
ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસર તરીકે ત્રણ વર્ષ અને હવે છેલ્લાં સાત વર્ષથી જિલ્લા મહિલા
અને બાળ અધિકારી તરીકે કાર્યરત છું. વર્ગ- 1 ઓફિસર તરીકે કચ્છ, રાજકોટ બાદ ફરી મારું પોસ્ટિંગ કચ્છમાં
થયું છે. - સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારીમાં કયા પડકારો આવ્યા ? : પરીક્ષાની
તૈયારી સમયે જ મારા પતિને કેન્સર થયાની જાણ થઈ હતી. ઘર, પતિ, બાળકની જવાબદારી
અને પરીક્ષાની તૈયારી સાથે નોકરી કરવી ખૂબ જ કઠિન હતી. તે સમયે મારું માંડવીમાં પોસ્ટિંગ
હતું. સવારથી સાંજ નોકરી કરતી. મારી પુત્રી નાની હતી, તેથી તેને
પણ સાથે લઈ જતી. રસ્તામાં મોબાઈલમાં વીડિયો સાંભળી પરીક્ષાની તૈયારી કરતી. નોકરી દરમ્યાન
જ્યારે સમય મળે ત્યારે વાંચું. દિવસમાં માત્ર અઢી કલાક જ સૂતી. - સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાં કઈ
રીતે મનોબળ જાળવ્યું ? : આ માટે હું કચ્છમિત્રને આભારી છું. એમાં
એક લેખ આવેલો, જેમાં મેલેરિયા શાખામાં
લેબ ટેકનિશિયન તરીકે કાર્યરત તૃપ્તિબેનની વાત હતી. તેમના માતા-પિતા દિવ્યાંગ હતા. છતાં
તેઓ જીપીએસસી પરીક્ષા પાસ કરી ડેપ્યુટી કલેક્ટર થયા. તેમનાં જીવને મને પ્રેરણા આપી
અને હું તેમને મળી અને માર્ગદર્શન મેળવ્યું અને મેં પણ આગળ વધવાનો નિશ્ચય કર્યો. - મહિલા સશક્તિકરણની દિશામાં
તકો હાંસલ કરવા શું કરવું ? : ટેક્નોલોજીનો
સદ્ઉપયોગ કરવો. આસપાસના નકારાત્મક લોકો તથા વાતાવરણથી દૂર રહી આત્મવિશ્વાસ અને અડગ
નિશ્ચય સાથે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને જે બનવા માગો છો તેનું ચિત્ર મનમાં
તૈયાર કરવું. તમે માનશો નહીં, મેં પણ
વિવિધ 250થી 300 સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી, જેમાં કયારેક માત્ર નજીવા માર્કસનાં અંતરથી
પાસ ન થઈ, પરંતુ હાર માન્યા વિના સતત પ્રયત્નો ચાલુ રાખ્યા ને
આખરે પરીક્ષા પાસ કરી. આખા રાજ્યમાંથી માત્ર 14 જણને લેવાના હતા. ગુજરાતમાં
પ્રથમ આવી અને ઈન્ટરવ્યૂમાં પણ શોર્ટલિસ્ટ થઈ હતી. એટલે સંઘર્ષ બાદ જ સફળતા મળશે.- વિકાસની દૃષ્ટિએ કચ્છથી ભારત
તરફ તમારો દૃષ્ટિકોણ શું છે ? : વર્ષ 2001માં ભૂકંપમાં કચ્છ પડી ભાંગ્યું હતું. તે સમયે મહિલાઓમાં શિક્ષણનું
પ્રમાણ પણ ઓછું હતું, પરંતુ હવે
ટેક્નોલોજીના વિકાસથી કચ્છ આગળ આવ્યું છે. મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે.
હવે કચ્છ દરેક બાબતે પ્રથમ હરોળમાં આવ્યું છે. તાજેતરમાં જ મહિલા વિકાસ પુરસ્કારમાં
કચ્છના એનજીઓની પણ પસંદગી થઇ હતી. - તમારો કચ્છમાં કાર્ય અનુભવ કેવો રહ્યો : સુખદ અને
પડકારરૂપ. અમારો વિભાગ મહિલા બાળ વિકાસ વિભાગમાં આવે છે, જે મહિલાલક્ષી યોજનાકીય અને કાયદાકીય કાર્ય
કરે છે. કચ્છ જિલ્લો ખૂબ વિશાળ છે, તેથી ગામડાંઓ સુધી માહિતી
પહોંચાડવી પડકારરૂપ છે. ગામના અગ્રણીઓને સાથે રાખી મહિલાઓને માહિતગાર કરવી પડે છે.
લોકોનો સાથ-સહકાર સારો મળે છે. - પરિવાર તથા વ્યવસાયનું સંતુલન કેમ જાળવવું ? : નોકરી-વ્યવસાય
કરતી મહિલાએ સ્વચ્છંદી ન બનવું, પરિવાર
તથા કામ વચ્ચે સંતુલન રાખવું, આ માટે સર્જાતા નાના-મોટા પ્રશ્નોના
ઉકેલ માટે સમજણપૂર્વક સાથે બેસી વાતચીતથી સુખદ સમાધાન લાવવું. પરિવારે પણ સમજણપૂર્વક
સાથ-સહકાર આપી કાર્યની જવાબદારીઓ વહેંચવી જોઇએ. - પુરુષ પ્રધાન માનસિકતા વચ્ચે
કામ કરવામાં કેવા પડકારો આવ્યા ? : મહિલા તરીકે
હંમેશાં કામ થકી પોતાને સાબિત કરવું પડે છે. કોઇ પણ કામમાં પાછીપાની કર્યા વગર હંમેશાં
સારું પરિણામ આપવું પડે છે. મારા પિતા સરપંચ હોવાથી મને જાણ હતી કે, મહિલાઓ પુરુષ સરપંચ પાસે સમસ્યા લઇ જવામાં ક્ષોભ
અનુભવે છે, તેથી અમે કુકમા, કુનરિયા,
અંગિયા, વાડાસર તથા મસ્કામાં બાલિકા પંચાયતની પ્રયોગાત્મક
શરૂઆત કરી હતી, જેમાં 10થી 21 વર્ષની બાલિકા, તરુણી કે યુવતીઓ ચૂંટણી બાદ સરપંચ, ઉપસરપંચ સહિતના હોદ્દાઓ સંભાળતી હતી. આ પ્રયોગાત્મક બાલિકા પંચાયતોને સફળતા
મળી, જેની નોંધ સ્મૃતિ ઇરાનીએ લીધી અને ભારતભરમાં આવી પંચાયતો
શરૂ કરવા જણાવ્યું હતું. ગુજરાતમાં ત્યારબાદ બાલિકા પંચાયતો શરૂ થઇ. આજે કચ્છની બાલિકા
પંચાયતો મોડેલ તરીકે ઊભરી છે. દેશમાં વિવિધ સ્થળોથી અગ્રણીઓ અહીંની બાલિકા પંચાયતોની
મુલાકાત લઇ પ્રેરણા લે છે. આમ, કામ થકી જ પુરુષ પ્રધાન સમાજમાં
મહિલાઓ મોખરે આવે છે.