• સોમવાર, 09 માર્ચ, 2026

મારામારીના અલગ અલગ બે કેસમાં વળતર ચૂકવવા રાપર કોર્ટનો હુકમ

રાપર/ભુજ, તા. 8 : વાગડના રાપર તાલુકામાં બનેલા અલગ અલગ બે મારામારીના ગુનામાં આરોપીઓને તકસીરવાન ઠેરવી ઈજા પામનારાઓને વળતર ચૂકવવા રાપર કોર્ટે હુકમ કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 11-4-2015ના કાનમેર ગામના ચોકમાં ડાયાભાઈ હરિભાઈ ગોહિલ (મૂળ પલાંસવા, હાલે મેવાસા) જાહેરમાં ગાળો બોલતો હોઈ ફરિયાદી જામાભાઈ જગાભાઈ રબારી (રહે. કાનમેર)એ ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈને ફરિયાદી સાથે ઝપાઝપી કરીને પોતાની પાસે રહેલી છરી ફરિયાદીના પેટના ભાગે મારી ઇજા પહોંચાડી હતી.  પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુ. મેજિ. ફ.ક. એ.એમ. પાટડિયાની કોર્ટમાં ચાલ્યો હતો, આરોપીને  તકસીરવાન ઠરાવી ઈજા પામનારને વળતર પેટે રૂપિયા 20,000 ચૂકવવા હુકમ કર્યો હતો. હુમલાનો  અન્ય બનાવ  બાદરગઢ (તા. રાપર) ગામે બન્યો હતો.  આરોપીઓ ગામના મોતી બેચરા ભરવાડ, કલા ભગુ ભરવાડ અને ગણેશ ખીમા ભરવાડ તેમની ગાયો લઈ ખેતરમાં ચરવા મૂકી હતી, જેથી ફરિયાદીએ ના પાડતાં ત્રણેય જણે ઉશ્કેરાઈ જઈને મોતી બેચરા ભરવાડે તેના હાથમાં રહેલી લાકડી ફરિયાદીના પગમાં મારી હતી.  કેસ રાપરની કોર્ટમાં ચાલી ગયો હતો. ન્યાયાધીશે આરોપીઓને  તકસીરવાન ઠેરવી ઈજા પામનારને વળતર પેટે રૂપિયા 15,000 ચૂકવવા હુકમ કર્યો હતો. બંને કેસમાં સરકાર તરફે એ.પી.પી. વી.કે. હઠીલાએ ઉપસ્થિત રહી દલીલો કરી હતી. - દસ્તાવેજ રદ થવા તથા કાયમી મનાઇ હુકમના દાવા નામંજૂર : માંડવી તાલુકાના હાલાપર સાભરાઇના રેવન્યુ સ.નં. 33 પૈકી-2 તથા 34વાળી ખેતીની જમીન સંબંધે કુંભાર હાજી હુશેન હાજી સુમાર, ગોસર મનીષકુમાર મણિલાલ વિ. 3 જણ વિરુદ્ધ માંડવીની સિવિલ કોર્ટમાં કાયમી મનાઇ હુકમ તથા દસ્તાવેજો રદ કરવા સંબંધેના દાવા દાખલ કરાયા હતા. દાવાઓ માંડવીના સિવિલ જજ સ્વાતિ ખત્રીની કોર્ટમાં ચાલી જતાં વાદીના બન્ને દાવા નામંજૂર કરતો ચુકાદો આપયો હતો. આ કામે પ્રતિવાદી વતી વરિષ્ઠ ધારાશાત્રી સુલેમાન એ. રાયમા હાજર રહ્યા હતા. - છેતરપિંડીના ગુનામાં આગોતરા નામંજૂર : આ કેસની ટૂંક વિગત મુજબ ફરિયાદી પ્રશાંત નટવરદાન ગઢવી પાસેથી આરોપી નરેશ ખીમજી ભાનુશાલીએ મિત્રતાને નાતે ધંધાકીય વેપાર અર્થે ઓનલાઇન અને  રોકડા રૂપિયા તથા બે કાર અને વિવિધ મોબાઇલ ઝોન એમ કુલે રૂા. 17,34,000 જેટલી રકમ લઇ ટુકડે-ટુકડે રૂા. 4,32,000 પરત આપીને રકમ રૂા. 13,02,000માંથી ચેક તેમજ બેન્કની એનઇએફટીની બનાવટી રસીદો મોકલી વિશ્વાસઘાત-છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપી નરેશ ભાનુશાલીએ આગોતરા જામીન અરજી કરતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. સરકાર તરફે અધિક સરકારી વકીલ ડી.જે. ઠક્કર તથા મૂળ ફરિયાદીના વકીલ બી.એસ. ગોરડિયાએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd