• સોમવાર, 09 માર્ચ, 2026

ગાંધીધામ કાસેઝના વધુ વિકાસ માટે વધુ જમીનની માંગ

ગાંધીધામ, તા. 8 : અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રના 62મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે કાસેઝના વધુ વિકાસ, નિકાસ અર્થે વધુ જમીનની ફાળવણીની વાતને ડી.પી.એ. અને જિલ્લા પ્રશાસને સમર્થન આપી હકારાત્મકતા દર્શાવી હતી. વધુ જમીનના કારણે કચ્છનું ગ્રોથ એન્જિન એવું કાસેઝ વધુ ઊંચાઇ સર કરશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. કાસેઝના 62મા સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં ડી.પી.એ.ના ચેરમેન સુશીલકુમાર સિંઘે ભારત વૈશ્વિક પાવરહાઉસ, મહાસત્તા બનવા જઇ રહ્યું છે, તે માટે કાસેઝ વગેરે પરિબળો મહત્ત્વનું ભાગ ભજવી રહ્યાં છે. કાસેઝમાં  વધુ માળખાંકીય સુવિધાઓ વિકસાવવા જમીનની માંગ કરાઇ છે, જેના માટે અમે તૈયાર હોવાનું શ્રી સિંઘે જણાવ્યું હતું. કાસેઝે ગયાં વર્ષે પણ સીમાચિહ્નરૂપ વિકાસ અને નિકાસ કર્યા છે. તે બદલ તંત્ર અને પેઢીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. યહી સમય હૈ સહી સમય હૈ કહી જમીન ફાળવણી માટે તેમણે હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પોતે કચ્છના એસ.ડી.એમ. હતા ત્યારે કચ્છ જોવા નીકળ્યા હોવાની વાત કરી હતી અને દેશના સાત રાજ્યો કરતાં તેમજ વિશ્વના 53 નાના દેશો કરતાં પણ કચ્છ વિસ્તારની દૃષ્ટિએ મોટું હોવાની વાત કરી હતી. કચ્છમાં પુષ્કળ તક છે. કાસેઝ જિલ્લાનું ગ્રોથ એન્જિન છે. ઉદ્યોગોના વિકાસ સાથે અહીં પર્યાવરણસ્વચ્છતાનું ધ્યાન રખાય છે તે બદલ તેમણે તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. કાસેઝના સ્થાપના દિવસે જમીન ફાળવી આપવાનો વાયદો કાસેઝ માટે મોટી ભેટ હોવાનું તેમણે કહ્યું હતું. કાસેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટિલે કાસેઝના વધુ વિકાસ માટે અમે ડી.પી.એ., જિલ્લા કલેક્ટર સમક્ષ વધુ જમીનની માંગ કરી છે. અહીં બે બંદરગાહો નજીક હોવાથી વિકાસની વધુ સંભાવના તેમણે વ્યકત કરી હતી. કાસેઝના કામમાં પારદર્શકતા લાવવા કમર કસવામાં આવી છે. વીજળી, પાણી બધું ઉદ્યોગોને સરળતાથી મળી રહે તે માટે વધુ પ્રયાસો જારી છે. કસ્ટમ ક્લીયરન્સની કામગીરી પણ સતત ચાલુ જ રહે છે. તેમણે ઉદ્યોગકારોને વધુમાં વધુ નિકાસ કરવા અપીલ કરી હતી. કાસેઝમાં અત્યારે 35,000 લોકોને રોજગારી મળે છે તે 70 હજાર કરવાની તેમજ જાન્યુઆરી 2026 સુધીમાં નિકાસ રૂા. 8366 કરોડની છે તેને 15,000 કરોડ લઇ જવાની નેમ તેમણે વ્યકત કરી હતી. આ વેળાએ કાસેઝના પ્રમુખ પારસ જૈને વિવિધ શ્રેણીમાં વિજેતા બનેલા ઉદ્યોગકારો અને આવતીકાલે વિશ્વ મહિલા દિવસની મહિલાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જુદા જુદા ઉત્પાદનોનો શ્રેષ્ઠ નિકાસ પુરસ્કાર 12 કંપની, શ્રેષ્ઠ સ્વચ્છતા પુરસ્કાર ચાર ઉદ્યોગ, શ્રેષ્ઠ એસ.ઇ.ઝેડ. પુરસ્કાર ત્રણ કંપનીને એનાયત કરવામાં આવ્યા હતા. 

Panchang

dd