મુંદરા, તા. 8 : `જે કામ કમળનું ફૂલ નક્કી કરે
છે એ પૂર્ણ કરે જ છે, વ્યક્તિ બદલે,
પણ વ્યવસ્થા એ જ રહે. કોઈ પાયાવિધિ કરે તો કોઈ લોકાર્પણ કરે. કમળનું
આ ચક્ર છે, જે ભાજપની મૂળભૂત તાકાત છે. `એમ માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય
અનિરુદ્ધભાઈ દવેએ મુંદરામાં ઘરોઘર નર્મદાનું જળ પહોંચાડતી અમૃત 2.0 હેઠળ `નલ સે જલ
યોજના'નું લોકાર્પણ કર્યા બાદ અહીંનાં શાસ્ત્રી મેદાન
ખાતે આયોજિત સમારોહમાં ત્રિવિધ પ્રસંગે મુખ્ય અતિથિ પદેથી જણાવ્યું હતું. શહેરના ચીચીવાડી
નજીક નિર્માણ પામેલા 11 એમએલડીની
ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિબિન કાપી ઉદ્ઘાટન કર્યા બાદ શાસ્ત્રી મેદાનમાં
આયોજિત 10 દિવસીય સ્વદેશી મેળાને ખુલ્લો
મૂકવા સાથે મુંદરા-બારોઈ નગરપાલિકાનાં નવા ભવનનું અને વોર્ડ નં. એકથી સાતમાં સીસીરોડનું
ખાતમુહૂર્ત કર્યા બાદ યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી દવેએ વધુમાં
કહ્યું કે, ખાસ કરીને વરસાદ સમયે પાણી
ભરાવા, બારોઈના રસ્તા નિર્માણમાં મુશ્કેલીઓ વગેરે સમસ્યા આવી,
પણ ધીરજ જરૂરી છે. પ્રથમ નગરપતિ
કિશોરાસિંહ પરમારે પાયાવિધિ કરી અને વર્તમાન અધ્યક્ષા રચનાબેન જોષીએ લોકાર્પણ કર્યું,
હવે હર ઘર નર્મદા જળ પહોંચ્યું. હજુ મુંદરામાં રિવરફ્રન્ટ, નદી નવસર્જન સહિત અનેક વ્યવસ્થાઓ ઊભી કરવાની જ છે. નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન પ્રણવ જોષીએ ઇજનેરો,
સ્ટાફ સહિત સમગ્ર સુધરાઈ ટીમનો આભાર માનતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનાં માર્ગદર્શન અને સહકારમાં હવે વિકસિત મુંદરાના સંકલ્પમાં
સૌએ સાથે મળીને આગળ વધવાનું છે. ચીફ ઓફિસર વૈભવ વ્યાસે સ્વદેશી મેળા પાછળના મેક ઇન
ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનો ખ્યાલ આપતાં ઉમેર્યું કે, 40 સ્ટોલ ઉપરાંત મેદાનમાં બાળકોને
ફન ઝોન માટે પ્રયાસ થઈ રહ્યા છે. હજુયે કોઈને સ્ટોલની ઈચ્છા હશે, તો ગોઠવવા પ્રયાસ કરાશે. મુંદરા નગરપાલિકા કચેરીનું
નવું બિલ્ડિંગ શ્રેષ્ઠ બને તથા અન્ય સુવિધાઓ વિકસાવવા કટિબદ્ધ છીએ.
પૂર્વ નગરપતિ કિશોરાસિંહ પરમારે સ્થાનિક ઉત્પાદકો, નાના
ઉદ્યોગકારો, કારીગરોને પ્રોત્સાહન આપવા મેળાનો મહત્તમ લાભ લેવા
શહેરીજનોને અપીલ કરી હતી. મુંદરા શહેર ભાજપ
પ્રમુખ અરાવિંદ પટેલે હર ઘર નર્મદા, રસ્તાનાં નિર્માણ જેવા કામોમાં
ધારાસભ્ય શ્રી દવેના પ્રયાસોને બિરદાવતાં કહ્યું કે, તેનાથી મુંદરાવાસીઓના
મોટા આશીર્વાદ મળશે. ગત પાંચ વર્ષમાં બંને નગરપતિ, નગરસેવકો દ્વારા
લોકપ્રશ્નોના ઉકેલમાં પુરુષાર્થ માટે આભાર સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે,
આવનારા પાંચ વર્ષોમાં ભાજપ આવશે અને બાકી વિકાસ કામોમાં ક્યાંય કચાશ
પણ નહીં રહેવા દેવાય. આ પહેલાં ધ્રુવરાજસિંહ ચુડાસમાએ સ્વાગત વક્તવ્યમાં કહ્યું કે,
ભાજપનાં શાસનમાં પાણી, ગટર, રોડ જેવાં કામોનાં આપેલાં વચનો પૂર્ણ કર્યાં છે અને
બાકી પણ પૂર્ણ કરાશે જ. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્ર ગઢવી, ન.પા. કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા
ધર્મેન્દ્રાસિંહ ઝાલા, પાણી સમિતિ ચેરમેન અલ્પાબા ચુડાસમા,
શહેર ભાજપ મહામંત્રીઓ હિરેન સાવલા, ગૌરાંગ ત્રિવેદી, નગરસેવકો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો
શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કરતા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ
પ્રણવ જોશીએ દરેક શહેરીજનોને નર્મદાનું નવું
જોડાણ લઈ લેવા અપીલ કરી હતી.