ગાંધીધામ / ભુજ, તા. 8 : આદિપુરના
રાજનગર વિસ્તારમાં ઘરનાં આંગણામાં રમતાં-રમતાં પાણીના ટાંકામાં પડી જતાં સની રાજુસિંઘ
કેવટ (ઉ.વ. 4) નામના બાળકે જીવ ખોતાં કરુણાંતિકા
સર્જાઇ હતી. બીજીતરફ આજે ભુજમાં 21 વર્ષીય યુવક
તપેન્દ્રકુમાર રાવતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આદિપુરમાં ગઇકાલે સવારે આ કરુણ
બનાવ બન્યો હતો. રાજનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર સની કુંવટ નામનું બાળક પોતાના
ઘરે હતું. રમતાં-રમતાં બાળક અચાનક ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં પડી ગયું હતું.
થોડીવાર બાદ તેની જાણ થતાં તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે આ બાળકને મૃત
જાહેર કર્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ હતી. આ ઉપરાંત ભુજના ભારતનગરમાં રહેતા
એવા પરપ્રાંતીય યુવાન તપેન્દ્રકુમાર રાવતે આજે બપોરે બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે
કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યા હતા. એ-ડિવિઝન પોલીસ મથકે વિગતો જાહેર કરાતાં પોલીસે અકસ્માત
મોતનો ગુનો દાખલ કર્યો હતો.