નવી દિલ્હી, તા. 8 : ઈરાનમાં વધુ
ઘાતક હુમલા કરવાની અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અમેરિકા અને ઈઝરાયલની
સેનાએ આ જંગમાં પહેલીવાર ઈરાનનાં ઈંધણ ભંડારો અને રિફાઈનરીઓને નિશાન બનાવીને હુમલો
કર્યો હતો. બીજીબાજુ પાડોશી દેશોમાંથી હુમલો ન થાય ત્યાં સુધી હુમલો નહીં કરવાનું જાહેર
કરનાર ઈરાને પણ આજે પોતાનાં આ વેણ પાળ્યા નહોતાં અને આજે બહેરીનમાં કેશ્મ ટાપુ ઉપરનાં
જળ શુદ્ધીકરણ મથકમાં જોરદાર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ હુમલો કરીને
પાણી માટે તરસતા પ્રદેશમાં ઈરાને હવે ચીલો ચાતર્યો છે. ઇરાને યુએઇમાં કુલ 16 બેલેસ્ટિક મિસાઇલ અને 117 ડ્રોન હુમલા કર્યા હતા. અમેરિકા
અને ઇઝરાયેલ વચ્ચે એક ગુપ્ત સમજૂતી થઇ છે, જે મુજબ અમેરિકાની સ્પેશિયલ ફોર્સ ઇરાનમાં ઘૂસી શકે છે. બીજીબાજુ ઈરાનનાં ધાર્મિક
માળખાએ દેશનાં આગામી સર્વોચ્ચ નેતા(સુપ્રીમ લીડર) માટે સર્વાનુમત સાધી લીધો હોવાનું
પણ જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવે છે કે, આયાતોલ્લાહ અલી
ખોમેનીએ સૂચવેલા માર્ગે જ તેમનાં અનુગામીની પસંદગી કરવામાં આવી છે. ઈરાનનાં રાષ્ટ્રપતિ
મસૂદ પેઝેશ્કીયને પાડોશી દેશોની માફી માગીને વધુ હુમલા નહીં કરવાની જાહેરાત કર્યાના
બીજા જ દિવસે આજે ઈરાને કુવૈત, સાઉદી અરેબિયા અને યુએઈમાં ધાબો
બોલાવ્યો હતો. બીજીબાજુ લેબનોનમાં ઈઝરાયલે બૈરુતની એક હોટેલ ઉપર હવાઈ હુમલો કર્યો હતો
અને તેમાં 4 લોકોનાં મૃત્યુ
થયાં હતાં. દરમિયાન ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનાં સચિવ અલી લારિજાનીએ
દાવો કર્યો હતો કે, આ યુદ્ધમાં
અમેરિકાનાં સેંકડો સૈનિકોને ઈરાની દળોએ બંદી બનાવી લીધા છે. જે સચ્ચાઈને અમેરિકા છૂપાવી
રહ્યું છે. લારજાનીએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં આવો ખળભળાટ મચાવતો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, અમેરિકા આવા યુદ્ધ કેદીઓ મરાયા હોવાની
વાતો ફેલાવી રહ્યું છે. આ યુદ્ધમાં પહેલીવાર ઈરાનમાં તેહરાનનાં ઓઈલ ભંડારો ઉપર હુમલો
કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂએ આશ્ચર્યજનક
હુમલા કરવાની ધમકી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈઝરાયલ અને અમેરિકા કહે છે
કે, ઈરાનમાં શાસનને અસ્થિર કરીને સત્તાપરિવર્તન આણવાનો તેમનો
ઈરાદો છે.