ભુજ, તા. 8 : ગઇકાલે રાતે તાલુકાના કોટડા
પાસે બોલેરો પિકઅપ રોડ ઊતરી જતાં તેમાં સવાર અંજારનો 18 વર્ષીય યુવક રાજેશ વાલજી દેવીપૂજક
પડી જતાં ગંભીર ઇજાનાં પગલે તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ગત તા. 6/3ના ખાવડાના આર.ઇ. પાર્કમાં
સ્કોર્પિયો ગાડી ઊંધી વળી જતાં 23 વર્ષીય ચાલક
વિક્રમસિંહ રતતનસિંહ રાઠોડ (રહે. હાલે આર.ઇ. પાર્ક,
મૂળ સાતા જિ. બાડમેર, રાજસ્થાન)નું માથાંના ભાગે
ગંભીર ઇજાનાં લીધે મૃત્યુ થયું હતું. ગઇકાલે રાતે નવ વાગ્યાના અરસામાં બોલેરો પિકઅપ
જી.જે.-12- બી. એક્સ.-2548વાળીમાં પાંચ લોકો અંજાર જતા
હતા, ત્યારે કોટડા પાસે આ ગાડી રોડથી નીચે ઊતરી જતાં
તેમાં બેઠેલ રાજેશ નીચે પડી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ રાજેશને સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો મૃતક રાજેશના પિતા
વાલજીભાઇએ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી હતી. પદ્ધર પોલીસને જાણ કરાઇ છે. બીજી
તરફ ગત તા. 6/3ના સવારે
11.30 વાગ્યે મૂળ રાજસ્થાનના હાલે
આર.ઇ. પાર્કમાં રહેતો યુવાન વિક્રમસિંહ રાઠોડ સ્કોર્પિયો ગાડી નં. જી.જે.- 12 - સી.ડી. - 8610વાળી ચલાવીને જતો હતો, ત્યારે આર.ઇ. પાર્કમાં આ ગાડી ઊંધી વળી જતાં
તેને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી, આથી તેને ખાવડાની
સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો ખાવડા પોલીસ મથકે
જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.