ભુજ, તા. 8 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
કચ્છ યુનિવર્સિટીમાં ઈતિહાસ વિભાગ અને અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે 7 માર્ચ 2026ના `સરદાર વલ્લભભાઈ
પટેલનું આત્મનિર્ભર ભારત, સામાજિક ન્યાય,
જાતિગત સમાનતા અને ખેડૂતોના અધિકારો માટેનું વિઝન' વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન યુનિવર્સિટી કોર્ટ હોલમાં કરવામાં
આવ્યું હતું. આ સેમિનાર રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા) દ્વારા કમ્પોનન્ટ 11 : ફેકલ્ટી ઈપ્રુવમેન્ટ યોજનાનાં
સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે રાજ્ય સરકારના
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારના
પ્રેરણાસ્ત્રોત તરીકે ઉચ્ચ શિક્ષણ કમિશનર અને રૂસાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપ
રાણા (આઈ.એ.એસ.) તેમજ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ રહ્યા હતા. મહેમાનોએ
દીપ પ્રાગટય કરી સેમિનારને ખુલ્લો મુક્યો હતો. ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ છાંગાએ
મહેમાનોને શાબ્દિક આવકાર આપી સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ
ગ્લોબલ યુનિવર્સિટી, અમદાવાદના
પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. સુભાષભાઈ બ્રહ્મભટ્ટે પોતાનાં વક્તવ્યમાં સરદાર પટેલનું ભારતની
આઝાદીમાં યોગદાનની સાથે સાથે ઈતિહાસનું અજ્ઞાત પાનું પોસ્ટમેન સત્યાગ્રહમાં સરદારનું
પ્રદાન વિષય પર પ્રકાશ પાડયો હતો. આ અવસરે ઇતિહાસ વિભાગના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનાં
સંશોધનને આધારે તૈયાર થયેલ સ્થાનિક ઇતિહાસ અને ગ્રામીણ સંસ્કૃતિને ઉજાગર કરતાં પુસ્તક
`ભુજ તાલુકાની સાંસ્કૃતિક વિવિધતા'નું વિમોચન પણ રાજ્યમંત્રી અને મંચસ્થ મહેમાનોના
હાથે કરાયું હતું. સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ
સરદાર પટેલનું ભારતના એકીકરણમાં પ્રદાન જણાવી કાશ્મીરનાં એકીકરણમાં સરદાર પટેલને દૂર
રાખવાથી રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ ઉદ્ભવેલી સમસ્યા વિશે ધ્યાન દોર્યું હતું. ઉપરાંત
સરદાર પટેલના કચ્છ રાજ્ય અને મહારાઓ સાથેનાં સંબધોનો ઉલ્લેખ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે અમૂલ ડેરી
તેમજ વલ્લભ વિદ્યાનગરના વિકાસમાં સરદાર પટેલની ભૂમિકા વિશે છણાવટ કરી હતી. આ સેમિનાર
માટે ઈતિહાસ વિભાગને અભિનંદન પાઠવી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવતા વિવિધ પ્રકલ્પોથી
માહિતગાર કર્યા હતા. આભારવિધિ કુલસચિવ ડો.
અનિલ ગોરે કરી હતી. પ્રિન્સી ગોસ્વામીએ સંચાલન કર્યું હતું. સેમિનારના બીજા સત્રમાં
સરદાર પટેલ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. વસંતભાઈ પટેલે સરદાર
પટેલનાં બાળપણની વાતો, વિઠ્ઠલભાઈ સાથે તેમના સંબંધો, દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના ઉત્કર્ષમાં સરદારનું યોગદાન, શિક્ષકો અને શિક્ષણ વ્યવસ્થા વિશે તેમના વિચારો અને તેમની કચ્છયાત્રાની જાણકારી
આપી હતી. ત્યારબાદ બીજા વક્તા ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ ગુજરાત પ્રાંતના મહામંત્રી
હસમુખભાઈ જોશીએ સામ્રાજ્યવાદી ઈતિહાસલેખનની નિંદા કરી સરદાર પટેલનું ભારતીય ચિંતન રજૂ
કર્યું હતું. ઉદયપુર રાજસ્થાનના પ્રતાપ ગૌરવ કેન્દ્રના રિસર્ચ ડાયરેક્ટર ડો. વિવેક
ભટનાગરે મેવાડ અને સરદાર પટેલના સંબંધો, માઉન્ટ બેટન અને સરદારના
સંબંધો તેમજ સોમનાથ મંદિર અને સરદારનું યોગદાન વિશે રજૂઆત કરી હતી. દ્વિતીય અને તૃતીય
સત્રનું સંચાલન વિદ્યાર્થિની કુજલ જોશીએ અને આભારવિધિ અધ્યાપક ધ્રુહી ગોરે કરી હતી.
સેમિનારમાં રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી 170 શોધાર્થીએ પોતાનાં સંશોધન પેપરો
રજૂ કર્યાં હતાં. સેમિનારના માર્ગદર્શક તરીકે રૂસાના સ્ટેટ નોડલ ઓફિસર ડો. યોગેશ યાદવ
તેમજ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર, સંયોજક તરીકે ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડો. નંદલાલ છાંગા રહ્યા હતા. વિભાગના
અધ્યાપક ડો. પવનકુમાર ભાનાણી તેમજ માંડવી કોલેજના અધ્યાપક વિપુલ મિસ્ત્રીએ વ્યવસ્થા
સંભાળી હતી.