• બુધવાર, 11 માર્ચ, 2026

મોટેરામાં દિવાળી જેવો માહોલ

અમદાવાદ, તા. 8 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગનો રંગ સમગ્ર શહેર પર છવાયો હતો. શહેરમાં સવારથી જ જાણે દિવાળી જેવો માહોલ હોય તેવો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. મોદી સ્ટેડિયમની બહાર જાણે મહાકુંભ હોય તેમ માનવ મહેરામણ ઉમટ્યો હતો. ટિકિટો માટે છેલ્લી ઘડી સુધી પડાપડી જોવા મળી હતી. કાળા બજારીયાઓએ પણ ક્રિકેટપ્રેમીઓને લૂંટવામાં કોઈ કસર બાકી રાખી નહતી. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ વર્ષ બાદ આઈસીસી ટૂર્નામેન્ટની મહત્વપૂર્ણ ફાઈનલ મેચ યોજાઈ રહી હોવાથી શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હાઈપ્રોફાઈલ ફાઈનલ જંગ હોવાથી સ્ટેડિયમની સુરક્ષામાં 2500-3000 પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઈપીઓની અવર જવર શરૂ થઈ ગઈ હતી. મેચ જોવા માટે મુંબઈ અને દિલ્હીથી વિશેષ ટ્રેન અને ફ્લાઈટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એરપોર્ટ પર સંખ્યાબંધ ચાર્ટર ફ્લાઈટ્સનો ધમધમાટ પણ જોવા મળ્યો હતો. બપોરથી શહેરના બધા રસ્તાઓ પર સુનકાર ભાસી રહ્યો હતો. લોકોનું એક જ લક્ષ્ય મોટેરા વિસ્તારમાં આવેલું વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં પહોંચવાનું જણાતું હતું. સિટી બસ, બીઆરટીએસ બસ, મેટ્રો અને ખાનગી વાહનો મારફતે લોકો મેચ શરૂ થવાની ચાર-પાંચ કલાક પહેલા જ સ્ટેડિયમ પર પહોંચ્યા હતા.   

Panchang

dd