ગાંધીધામ, તા. 8 : સામખિયાળીના બસ સ્ટેન્ડમાંથી
પોલીસે મુંબઇના એક વૃદ્ધને પકડી પાડી તેમની પાસેથી રૂા. 8360નો દારૂ જપ્ત કર્યો હતો. સામખિયાળી
નવા બસ સ્ટેન્ડમાં સુટકેશ લઇને ઊભેલા સફેદ વાળવાળા શખ્સ પાસે દારૂ હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી સાંતાક્રુઝ મુંબઇના દેવજી વેરશી નિશર (ઓસવાળ)ને
પકડી પાડી સુટકેશમાંથી કિંગફિશર બિયરના 38 ટીન જપ્ત કરાયા હતા. આરોપી પાસેથી બાન્દ્રા ટર્મિનસ-સામખિયાળી
ટ્રેનની ટિકિટ વગેરે પણ જપ્ત કરાયા હતા. મુંબઇની વાઇન શોપમાંથી રતનશી ગાલાના કહેવાથી
બિયર લઇ અને ભાવનગરના શિવભદ્રસિંહ રઘુવીરસિંહ જાડેજાને આપવાના હતા, જેના માટે એક ખેપના રૂા. 4000 મળવાના હતા. હાથમાં ન આવેલા
શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.