રાપર, તા. 1 : તાલુકાના ચિત્રોડના સામુહીક
આરોગ્ય કેન્દ્રમાં પ્રજાકીય પ્રતિનિધિઓ દ્વારા કરાયેલી તપાસમાંએકસપાયરી દવાઓ મળી આવી હતી.
આ મામલે જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. આ મામલે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો
છે. આ અંગે મળતી વિગતો મુજબ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની સુચનાથી રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ઢીલા ,ગાગોદરના જિલ્લા પંચાયત સભ્ય સુરેશ
મકવાણાએ ચિત્રોડની પી.એચ.સીમાં ઓચીંતી તપાસ
હાથ ધરી હતી. જનપ્રતિનિધિઓની સજાગતાના કારણે આરોગ્ય કેન્દ્રમાં મોટી બેદરકારી સામે
આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલાએ જણાવ્યું હતું કે આ બાબતની ફરિયાદ જિલ્લા
આરોગ્ય અધિકારી ઉપરાંત છેક ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી મીતેશ
ભંડેરીએ પત્રકાર પરિષદ યોજી આ સંદર્ભે જણાવ્યું હતું કે ચિત્રોડ પી.એચ.સીમાં એકસપાયરી દવાઓ અંગે જિલ્લા
કક્ષાની તપાસ ટીમ મોકલવામાં આવી છે. આ ઉપરાંત કચ્છના તમામ આરોગ્ય કેન્દ્રમાં દવાઓનો
જથ્થો અને તેની એકસપાયરી અંગે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. દવાઓનો કેટલો સ્ટોક છે અને કેટલી એકસપાયરી દવાઓ
છે તે અંગેનો વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે. જો કોઈની પણ બેદરકારી સાબીત થશે તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. અત્યાર સુધી
એકસપાયરી દવાઓના કારણે કોઈ દર્દીને નુકશાન
થયું હોય તેવો કોઈ કેસ સામે આવ્યો ન હોવાનું
ઉમેર્યું હતું. તેમણે દવાઓ લેતા પહેલા તેની એકસપાયરી તારીખ તપાસી લેવા લોકોને અપીલ કરી છે.