નવી દિલ્હી, તા. 31 : સંસદનું ચોમાસુ
સત્ર સતત કોઈ ને કોઈ મુદ્દે ચર્ચામાં રહ્યું છે,
પરંતુ આજે સંસદ પરિસરમાં એક એવો રાજકીય અને અનોખો નજારો જોવા મળ્યો,
જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બિહારના પૂર્ણિયાથી અપક્ષ
સાંસદ પપ્પુ યાદવ પૂજારીના વેશમાં જમીન પર બેઠેલા જોવા મળ્યા હતા.ઐ તેમની પાસે એક દાનપાત્ર
રાખેલું હતું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમાં વિધિવત રીતે રૂપિયા નાખતા નજરે પડ્યા
હતા. વિપક્ષે અયોધ્યામાં રામમંદિરનાં દાનની ચોરી અને સંસદમાંથી ગૃહમંત્રી અમિત શાહની
ગેરહાજરીને લઈને આ કટાક્ષપૂર્ણ `શોર્ટ પ્લે' (નાટક) રજૂ કર્યું હતું. વિપક્ષી સાંસદોના આ અનોખા વિરોધ પ્રદર્શનની કથા ખૂબ
જ રસપ્રદ અને વ્યંગાત્મક હતી. સાંસદ પપ્પુ યાદવ પૂજારીનો વેશ ધારણ કરીને દાનપાત્ર સાથે
જમીન પર બેસી ગયા હતા. રાહુલ ગાંધીએ આગળ વધીને દાનપાત્રમાં દાન આપ્યું, જેના પછી પૂજારી બનેલા પપ્પુ યાદવે અયોધ્યાના સાંસદના ચરણ સ્પર્શ કર્યા હતા.
ચરણ સ્પર્શ કર્યા પછી તુરંત જ પૂજારી બનેલા પપ્પુ યાદવ દાનપાત્ર લઈને અચાનક ત્યાંથી
ભાગી છૂટ્યા હતા. વિપક્ષના જણાવ્યા અનુસાર, આ પ્રતીકાત્મક નાટક
દ્વારા તેઓ અયોધ્યા રામમંદિરનાં દાનમાં થયેલી નાણાકીય અનિયમિતતાઓ અને દાન ચોરીના મુદ્દે
સરકારને ઘેરી રહ્યા હતા. આ રાજકીય નાટક દરમિયાન પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગે, પ્રિયંકા ગાંધી વાડરા અને ઇન્ડિયા ગઠબંધનના તમામ મોટા નેતાઓ
હાથમાં પોસ્ટર્સ લઈને ઊભા હતા. આ પોસ્ટર્સ પર મોટા અક્ષરે લખેલું હતું કે, `ગૃહમંત્રી અમિત શાહ સંસદમાંથી ગાયબ કેમ
છે?' વિપક્ષનો આક્ષેપ છે કે, દેશના આટલા મહત્ત્વના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે, પરંતુ ગૃહમંત્રી ગૃહમાંથી ગેરહાજર છે. સાંસદ પપ્પુ યાદવનું આ કોઈ પહેલું અનોખું
વિરોધ પ્રદર્શન નથી. આ પહેલાં પણ તેઓ પોતાના અલગ-અલગ અવતારોથી રાજકીય ગલિયારામાં ચર્ચામાં
રહી ચૂક્યા છે. અગાઉ તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં સંસદ ભવન બહાર
શરીર પર પટ્ટીઓ બાંધીને ઈજાગ્રસ્ત અને લાઠીચાર્જ પીડિતનો વેશ ધારણ કરીને વિરોધ નોંધાવ્યો
હતો.