• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ઝરમરિયા સ્વરૂપે માંડવીને ભીંજવતો ધરતીનો ધણી

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : માંડવી, તા. 1 : અષાઢનાં આખરી ચરણમાં તરસાવી તરસાવીને આજે બીજાં ચરણની પધરામણીમાં મેઘરાજાએ માહોલની જમાવટ સંગાથે હાજરી પૂરાવતાં શહેર, પંથકમાં અડધા ઈંચ જેટલા અમીછાંટણા કરતાં તૃષામાં વિહવળ વર્ગમાં અધિરાઈ બેવડાઈ છે. ઝરમરિયા સ્વરૂપે ધરતીને ભીંજવતા ધરતીના ધણીએ પાણીના અતિ મર્યાદિત નિકાલનાં પરિણામે ઠેર-ઠેર પાણીના ખાબોચિયા સર્જાયા હોવાના ઉધામા સામે આવ્યા હતા. આ લખાય છે ત્યારે આજે સાંજ લગી 12 મિ.મી.ના ઈજાફા સાથે મોસમનો એકંદર આંકડો 66 મિ.મી. ઉપર અંકિત થયો હોવાનું જાણવા મળ્યું હતું. - શહેર-પંથકમાં અડધો ઈંચ : ગત મોડીરાતે, વહેલી સવારે અરમાનો સાકાર થાય તેવી અદાએ શાંત સ્વરૂપે વરુણદેવ તરસ્યા મુલકની `ધા' સાંભળી હળવાં ઝાપટાં અને ઝરમર અદાએ બપોર સુધીમાં 10 મિ.મી.  અને તે પછી પણ ઝીણી ફુવાર વડે બે મિ.મી.નો ઈજાફો કરાવ્યો હોવાનું કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર સલાટે કહ્યું હતું. વરસાદી પાણીના પર્યાપ્ત અને તાર્કિક નિકાલમાં અડચણોનાં પરિણામે આઝાદ ચોક, ગૌરવ પથ પર સ્નાનઘાટ, ચૂનીલાલ મહેતા ઉદ્યાન, નલિયા રોડ, સંસ્કારનગર પાસે ખાબોચિયા ભરાતાં રાહદારીઓ અને નાનાં વાહનો માટે હાડમારી લમણે લખાઈ હતી. શહેર અને પંથકના મસ્કા, નાગલપર, ઢીંઢ, દુર્ગાપુર પંથકમાં પણ એવો જ માહોલ - વર્તારો જાણવા મળ્યો હતો. - ભુજ પટ્ટીનાં ગામડાંઓ : મળેલી વિગતો પ્રમાણે ભુજ તરફ વધુ જોરને લીધે મિરજાપરથી દહીંસરા, ધુણઈ, પુનડી, નાના-મોટા આસંબિયા, જખણિયા, કોડાયપુલ સુધી પ્રમાણમાં સારો વરસાદ થઈ રહ્યો છે. બિદડાથી સૈયદ હાજી ગુલામ મુસ્તફાએ કહ્યું હતું કે, સવારે પાણી વહી નીકળ્યાં પછી ઝીણે-ઝીણો જારી છે. જે વરસી રહ્યા છે તે સોનું છે. બિદડા, નાની ખાખર, તલવાણા, ભાડિયા, પીપરી, ફરાદી પંથકમાં અમીછાંટણા રૂપે અડધા ઈંચ આસપાસ હાજરી રહી છે. રતડિયાથી વિક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, માહોલ અંધારિયો અને ઝરમર હાજરીની આવ-જા જારી રહી છે. ધરતી પલળે છે એટલે ખેતી માટે આશીર્વાદ રૂપ અડધો ઈંચ લગભગ રતડિયા, હમલા, મંજલ, પ્યાકા, ગાંધીગ્રામ, રાજડા વિસ્તારમાં ધરતીને ધાવણ મળ્યું છે. ધરવ થાય તો ભયો ભયો. ઉત્તર-પશ્ચિમે શુકન શહેરથી આથમણે શિરવા, મેરાઉ, ગોધરા, કિસાનપુર, લાયજા વગેરે વિસ્તારમાં વાવેતરને જીવતદાન મળ્યું અને અડધા ઈંચની મહેર થઈ. આંતરડાં ભૂખી હોય ત્યારે આવી પધરમાણી થોડી `ઝલ' કહેવાય એમ ગોધરાથી શબ્બીર હાજી સલીમ ચાકીએ કહ્યુંy હતું. ડોણ પાટિયાથી ખીમજીભાઈ ધનજી કેરાઈએ જણાવ્યું હતું કે, ખેતરોમાં પાણી નથી ભરાયાં અને પાણી જમીનમાં ઊતરી જતાં હોવાથી જમીન સુધરે અને મોલને ફાયદો થાય એવી મેહર થઈ છે. વનવગડે ઘાસચારો થાય, ઝીણો માલ રાહત અનુભવે એવું છે. ભૂખ મોટી છે. નદીનાળાં છલકાય, ચેકડેમો ભરાય એવા વરસાદની વાટ જોવાય છે. ડોણ, ભાડઈ, રાયણ, દુર્ગાપુર, રતનપર વગેરે પંથકમાં વાવણીને વહાલ કરાયું છે. ગુંદિયાળીથી ભગવાનજીભાઈ બોડાએ જણાવ્યું કે, 70 ટકા વાવણી થઈ છે. તેને જીવતદાન મળ્યું છે અને જે બાકી છે ત્યાં મેઘરાજાએ નોતરું આપ્યું છે. જીવ અદ્ધર થઈ ગયા હતા, તેમાં શ્વાસ હેઠો થતાં હાલ પૂરતી રાહત થઈ છે. પાયમાલ પશુધનનો પ્રાણપ્રશ્ન હળવો થયો છે. નદી-નાળાં વહે તેની તાલાવેલી છે. બાડાથી પ્રિ. રસેશભાઈ રાવલે આપેલી વિગતો પ્રમાણે બાડા, જનકપુર, ભીંસરા, માપર વિસ્તારમાં ઝરમર, ફરફર - ફુવારા સ્વરૂપે વાવણીને બળ મળે તેવા અમીછાંટણા થયા છે. આકાશ ગોરંભાયેલું રહ્યું છે. આ દરમ્યાન ભુજ તરફથી આવતા વર્તુળોએ રસ્તાનાં ગામોમાં પ્રમાણમાં સારો-જોરદાર વરસાદ અનુભવ્યો હોવાનું કહ્યંy હતું. દહીંસરા, ધુણઈ, પુનડી, આસંબિયા, જખણિયા વિસ્તારમાં મેઘરાજાએ મોજથી ધરતીને વહાલ કર્યું હતું. સમગ્ર રીતે ખેતી માટે આશીર્વાદરૂપ વરુણદેવ વરસ્યા છે અને માહોલ બરકરાર રાખ્યો છે. અરમાનો બરકરાર રાખ્યા છે. ગઢશીશા પંથકમાં વાવણીલાયક  પશુપાલન આધારિત સમગ્ર ગઢશીશા વિસ્તારમાં વાવણીલાયક અંદાજિત એક ઇંચ વરસાદ નોંધાતાં લોકોમાં થોડીક રાહતની આશ જાગી છે.વહેલી સવારથી જ સતત ધીમીધારે આ પંથકના રાજપર, વિરાણી, આશરાણી, ફિલોણ, દુજાપર, વડવા કાંયા, દેવપર, દનણા, જેસરવાંઢ, રત્નાપર , મઉં, પોલડિયા, મકડા, કોટડી મહાદેવપુરી, વરઝડી, ઘોડાલખ, શેરડી, હમલા - મંજલ, નાની - મોટી ભાડઈ, ધોકડા, નાના - મોટા રતડિયા વિગેરે ગામોમાં એકથી વધુ વરસાદના વાવડ પ્રાપ્ત બન્યા છે, જેનાં કારણે અમુક જગ્યાએ વાવણીની પણ તૈયારીઓ આરંભી દેવાઈ છે, તો શનિવારે સાંજના ભાગમાં ગઢશીશામાં સતત ધીમીધારે વરસાદ શરૂ રહેતાં ગામમાં લોકોની ચહલપહલ ઓછી જોવા મળી હતી અને વાતાવરણ હજી પણ વરસાદી રહેતાં લોકોની આશા પણ જીવંત બની છે, એમ અમારા પ્રતિનિધિ જિજ્ઞેશ આચાર્યએ જણાવ્યું હતું. ત્રગડી, નાના ભાડિયા, ગુંદિયાળી તેમજ બાગ આ વિસ્તારમાં સવારે 6 વાગ્યાની આસપાસ ઝાપટું પડયું હતું. ત્યારબાદ ઝીણા ઝીણા છાંટા આખો દિવસ ચાલુ રહ્યા હતા. ઊભા મોલને ટેકો તેમજ ઢોર-ઢાંખરને ફાયદો થશે એમ લાંગાય હાજી અબ્દુલભાઈએ જણાવ્યું હતું. 

Panchang

dd