ભુજ, તા. 1 : આયાત-નિકાસના પગલે મુંદરા- ગાંધીધામ ધોરીમાર્ગ પર કન્ટેનરો ધમધમતા રહે છે.
આવા કન્ટેનરોમાંથી ચાલકો અને અન્યોની મિલીભગતથી માલ સેરવવા અને ચોરીના બનાવો દિવસાદિવસ
વધી રહ્યા છે, ત્યારે પ્રાગપર પોલીસે રતાડિયા સીમ પાસેથી આ રીતે જ કન્ટેનરમાંથી ભંગારની ચોરી
રંગેહાથ ઝડપી પાડી હતી. 31મીની
મધ્ય રાત્રે પ્રાગપર પોલીસ પેટ્રેલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, રતડિયા સીમમાં મહાદેવ હોટલ
પર કન્ટેનરના ચાલક સાથે મળી કન્ટેનરમાંથી લોખંડની ચોરી કરી બોલેરો પીકઅપમાં ભરી રહ્યા
છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા બોલેરો પીકઅપ નં. જીજે-39-ટીએ-1684ને ઝડપી તેનું નામ-ઠામ પૂછતાં ગણપતરામ કરનારામ ચૌધરી (જાટ) (રહે. રતાડિયા
સીમ મૂળ બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો અને ટ્રક-કન્ટેનર નં. જીજે-12-ડબલ્યુ-8873નો ચાલક પોલીસને જોઇ નાસી છૂટયો હતો. પોલીસે
ઝડપાયેલા ગણપતરામની પૂછતાછ કરતા નાસી છૂટેલા કન્ટેનરના ડ્રાઇવર રાહુલ બિહારી કન્ટેનરમાંથી
ભંગાર કાઢી પીકઅપમાં ભરતો હતો. સ્થળ પર બાજુમાં પડેલા ત્રણ બાચકા લવિંગના મળતાં તે
અંગે પૂછતાં અગાઉના કન્ટેનરમાંથી ઉતારી ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આમ આશરે 150 કિલો લવિંગ કિં. રૂા. 1,50,000 તથા મોબાઇલ ફોન, ભંગાર ભરેલી બોલેરો પીકઅપ તથા
ટ્રક-કન્ટેનર એમ કુલ રૂા. 18,32,200નો મુદ્દામાલ પ્રાગપર પોલીસે કબજે લઇ ઝડપાયેલા ગણપતરામ
તથા નાસેલા રાહુલ તેમજ તપાસમાં જે નીકળે તેની
વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી
છે. આ કામગીરીમાં પ્રાગપરના પી.આઇ. એ.કે. ભરવાડના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગોપાલભાઇ
ડી. મહેશ્વરી, રવજીભાઇ જી. બરાડિયા, હે.કો. ઇશ્વરકુમાર સી. ચૌધરી,
ગિરીશકુમાર એ. ચૌધરી, રાજ આર. જેસર, કોન્સ. લાલજી આર. આલ, સામત એસ. ગિલવા, ડ્રાઇવર હે.કો. કલ્પેશસિંહ કે. જાડેજા, કોન્સ. કલ્પેશભાઇ
જે. પરમાર જોડાયા હતા.