અમદાવાદ, 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : હાલમાં
રાજ્યમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ,
શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ
જેવી સિસ્ટમ સક્રિય હોવાના કારણે બીજી અૉગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી
અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી,
ડાંગ, નવસારી, વલસાડ,
દમણમાં, દાદરા અને નગરહવેલી તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર
અને બોટાદ જિલ્લાઓમાં અને બીજી ઓગસ્ટે અમદાવાદ અને આણંદ તેમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં
એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને
બોટાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 6 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન
વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સર્જાયેલું ડિપ્રેશન હાલ પશ્ચિમ-ઉત્તર
પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. જો કે, આ સિસ્ટમની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે. દરમિયાનમાં ગીર સોમનાથ જિલ્લાના
વેરાવળ બંદર પર મધ્યમ વરસાદ અને દરિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન
વિભાગ દ્વારા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવતા બંદર તંત્રે સાવચેતીના ભાગરૂપે
આ નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ
કરવામાં આવી છે. રાજ્યમાં ત્વરિત પ્રતિસાદ
સુનિશ્ચિત કરવા માટે એનડીઆરએફની 17 ટીમો અને
એસડીઆરએફની 33 ટીમો, એમ કુલ 50 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત
કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી
છે.