મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 1 : વાદળછાયા વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે ઝરમરિયા
છાંટા રૂપે 24 કલાકમાં
એક ઇંચ વરસાદ પડયો હતો. અલબત્ત કચ્છમાં સૌથી વધારે રાપર અને પછી ભચાઉમાં વરસાદ પડયો
હોવાથી મોસમનો કુલ વરસાદ 182 એમએમ વરસાદ નોંધાયો છે. આ સાથે જ સરકારી ચોપડે
ભચાઉ તાલુકાને અછતમાંથી મુક્તિ મળી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અલબત્ત આ વરસાદના
કારણે ખેડૂતો માટે ગ્રામ્ય પંથકમાં સોનારૂપી નીર પડયા છે. ખેતમજૂરો માટે કામ નીકળ્યું
છે. ખેત ઓજાર બનાવતા લોહાર વેપારીઓને ઓજારોના વેચાણ થકી વેપાર થઈ રહ્યો છે. વરસાદ પાડવાની સાથે રોજગારીની તકો ઊભી થઇ છે. ખેત
ઓજાર,
બિયારણ અને કેટલીક દવાઓની દુકાનમાં ઘરાકી નીકળી છે. વરસાદ પડતાં ખેડૂતોની
સાથે વેપારીઓએ પણ રાહત અનુભવી છે. નેર કાડોલ પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો હોવામાં અહેવાલો
સાંપડયા હતા. આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. તેને
લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં છે. હાલના સમયે વરસાદી માહોલમાં અને ધીમી ધારે વરસાદ
પડી રહ્યો હોવાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધીમી ધારનો
વરસાદ ખેતી માટે અત્યંત જરૂરી છે. હાલના સમયે વાવણીનો સમય છે, ત્યારે ધોધમાર વરસાદના બદલે ધીમી ધારનો વરસાદ ખેતપેદાશો માટે પણ ઉપયોગી સાબિત
થશે તેવું ધરતીપુત્રો આનંદ સાથે જણાવી રહ્યા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદી
માહોલનો લોકો આનંદ માણી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં વાતાવરણમાં આવેલા બદલાવના કારણે
વાયરલ ઇન્ફેક્શન અને તાવના મામલા સામે આવી રહ્યા છે. નવી ભચાઉના લોકોને વરસાદમાં શહેરમાં
આવવા માટે માત્ર એક ફાટક માર્ગે છે. અંડર ગ્રાઉન્ડ
વીજ વાયર પાથરવા માટે ખાડા ખોદાયેલા હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. નવી મોટી
ચીરઈ મીઠા, ફેક્ટરી અને ખેતી આધારિત છે. અહીં પોણા ઇંચ જેવો વરસાદ
પડયો હોવાનું સરપંચ હરદેવાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. સામખિયાળી તળાવમાં નવા નીર સાથે ધીમી ધારે આગાહીથી વિપરીત વરસાદ વરસ્યો
હોવાનું સરપંચ જગદીશભાઈ અંબારામ મઢવીએ જણાવ્યું હતું. નેર, કડોલ, બંધડી ગામમાં વરસાદ થકી સીમ ગાજતી થઈ હોવાનું કડોલના પચાણભાઈ રબારીએ કહ્યું હતું. ચોપડવાથી રણધીરભાઇ ધમાભાઈએ હાઈવે પટ્ટીમાં
વરસાદ બાદ વાતાવરણ સ્વચ્છ બન્યું હોવાનું જણાવ્યું
હતું. મનફરાના તળાવમાં નવા નીર આવ્યા હોવાનું સરપંચ હમીર ખાનાભાઈના પુત્રે જણાવ્યું
હતું. આમલિયારાથી પરાક્રમાસિંહ જાડેજાએ ધીમો પણ ઉપયોગી વરસાદ પડયો હોવાનું તેમજ વોંધ ગામના સરપંચ રામજીભાઈ ચૌધરીએ ગામ અને સીમમાં સારો વરસાદ ખેતીમાં
કામ આવે એવો પડયાનું જણાવ્યું હતું. લાકડિયા
ગામથી બળુભા સોલંકીએ અને કડોલથી ખીમાભાઈ જીવાભાઈ આહીરે સારો વરસાદ થયાનું જણાવ્યું
હતું.