• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

પાવરપટ્ટીના ડેમોમાં પાલરપાણીની આવક

નિરોણા (પાવરપટ્ટી), તા. 1 : આજે વહેલી સવારથી પાવરપટ્ટી પંથકમાં બેથી અઢી ઈંચી જેટલો વરસાદ થતાં લોકોમાં આનંદથી લાગણી છવાઈ હતી. વિસ્તારના પૂર્વે સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે ધીણોધર ડુંગર વચ્ચેના વિસ્તારમાં બેથી અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો. સમગ્ર વિસ્તાર એક સરખા વરસાદને લઈ લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. દિવસ દરમ્યાન પડેલા વરસાદને કારણે ગામની ગલીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. અહીંથી પૂર્વે લોરિયા, ઝુરા, સુમરાસર (શેખ), જતવાંઢ, પાલનપુર સહિતના વિસ્તારમાં એક સરખો વરસાદ પડયો હતો, તો પશ્ચિમે બિબ્બર, ખારડિયા, ચંદ્રનગર, ગોધિયાર, વંગ, ડાડોર સુધી પણ વાવણીલાયક વરસાદ થયો હોવાનું જાણવા મળેલ છે. થોડા દિવસ અગાઉ પંથકમાં એકથી દોઢ ઈંચ વરસાદ થયા પછી લોકો વાવણીનાં કામમાં અચકાતા હતા. આજે થયેલા વરસાદને લઈ લોકો વાવણી માટે આશાવાદી બન્યા છે. દરમ્યાન આ પંથકના લોકોની જીવાદોરી ગણાતા રુદ્રમાતા, કાયલા, નિરોણા અને ભૂખી ડેમોમાં પણ પાલરપાણીની આવક શરૂ થઈ છે. પંથકના ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચેક વર્ષને લઈ પંથકમાં એરંડાનાં ભારે ઉત્પાદનને ધ્યાનમાં રાખી આ સાલે પણ મોટાભાગના લોકો દિવેલાના પાકના વાવેતર માટે મન મનાવી લીધું છે. 

Panchang

dd