નીટના પેપર લીક પ્રકરણથી રચાયેલી કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ
આ મામલે કેન્દ્રના શિક્ષણમંત્રીપદેથી ધર્મેન્દ્ર
પ્રધાનનાં રાજીનામાંની માંગ સરકાર પાસે પરાણે મનાવીને વિજય મેળવ્યો છે, પણ આ દરમ્યાન રાજધાની દિલ્હીના જંતરમંતર પર
યુવાનોની તીવ્ર બનેલી લાગણીઓ અને તેની સામે પોલીસે લીધેલાં પગલાંની હવે ચોમેર ચર્ચા
છે. એક તરફ સીજેપીએ દેખાવકારો સામેના પોલીસ
કેસ આટોપી લેવા અને તેમના દેખાવો દરમ્યાન બળપ્રયોગ કરનાર પોલીસ જવાનો - અધિકારીઓની
સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. સંસદમાં આ મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે હવે સર્વોચ્ચ
અદાલતે પોલીસ પગલાંની સ્વતંત્ર તપાસની હિમાયત કરી છે. સાથોસાથ સગીર વિદ્યાર્થીઓ અને
કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોય તેવા અન્ય દેખાવકારોને રાહત આપવાની સૂચના આપી છે. આખા દેશનું
ધ્યાન આકર્ષિત કરનાર સીજેપી હવે પોલીસની કાર્યવાહીમાં પોતાના કાર્યકરો ભોગ બન્યાનું
જણાવીને જવાબદારો સામે પગલાં લેવા દબાણ ઊભું કરી રહી છે ત્યારે આખા પ્રકરણમાં હવે નવું
પરિમાણ ઉમેરાયું છે. દેખાવો દરમ્યાન હુમલાનો ભોગ બનેલા પોલીસના પરિવારજનોએ જવાબદારો
સામે પગલાં લેવા સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં છે. દિલ્હી પોલીસ સૂત્રો તરફથી
સાંપડેલી એક વિગત એવી પણ છે કે, સંસદ તરફ કૂચમાં અને દેખાવોમાં
અપરાધીક રેકોર્ડ ધરાવતા તત્ત્વો ભળી ગયા હતા અને તેમણે હુમલા-ભાંગફોડ, અરાજકતા ફેલાવવા જેવા કૃત્યો આચર્યા હતા. સુપ્રીમ કોર્ટની ચિંતા એ અનુસંધાને
હોવાનું સમજાય છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા હિંસક દેખાવકારોને રાહત ન અપાવાની સર્વોચ્ચ
અદાલતની સૂચના તેમને ગળે ઊતરી નથી. સીજેપીએ પોલીસ પર હુમલો કરનાર ગુનાહિત ઈતિહાસ ધરાવતા
દેખાવકારોને જવા ન દેવા સામે વાંધો ઉઠાવ્યો છે.
સીજેપીએ તમામ દેખાવકારો સામે કેસ પાછા ખેંચવાનો હઠાગ્રહ રાખ્યો છે. સીજેપીએ
પોતાના દેખાવો અને ધરણાં શાંતિપૂર્ણ હોવાનું જણાવ્યા પછી સીજેપીએ સર્વોચ્ચ અદાલતની
સૂચના સામે વાંધો ઉઠાવવો યોગ્ય નથી. હવે તો ચોંકાવનારી હકીકતો અને આંકડા સામે આવી રહ્યા
છે જેમાં આ યુવાનો વચ્ચે 2,873 દેખાવકાર ગુનાહિત ભૂતકાળ કે વર્તમાન ધરાવતા હતા. આમાંથી લગભગ 900 એવા હતા જેમની સામે હત્યા,
લૂંટ અને દુષ્કર્મ જેવા આરોપ લાગેલા છે. માત્ર દેખાવ કરનાર યુવાનોને દોષમુક્ત કરી દેવાની
વાત વ્યાજબી છે, પણ ભૂતકાળમાં ખરડાયેલા લોકોને પોલીસ કેસમાંથી
રાહત આપવાની સીજેપીની જીદ ખરા અર્થમાં અરાજક્તાને સીધાં સમર્થન સમાન છે. જંતરમંતરના હિંસક દેખાવોની સ્વતંત્ર તપાસના સર્વોચ્ચ
અદાલતના આદેશને આવકારવો જોઇએ. દૂધનું દૂધ, પાણીનું પાણી થઇ જશે.
બાકી સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે, એને કેમ કોઇ સૂચન આપી શકે
?