નવી
દિલ્હી, તા.
1 : જંતરમંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલન
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ વિશે છાત્રોની અભદ્ર ટિપ્પણી અને અપશબ્દોના
વીડિયો પણ વાયરલ થયા હતા. આવા જ એક કિસ્સામાં રુચિકા સિંહ નામની એક 1પ વર્ષીય છોકરી સામે એફઆઈઆર પણ દાખલ થઈ હતી, જેમાં આજે રુચિકાએ બીજો એક
વીડિયો જારી કરીને પોતાની હરકત બદલ દેશવાસીઓની માફી પણ માગી છે. બીજીબાજુ વડાપ્રધાન
મોદીએ ગઈ મોડી રાત્રે વધુ એક વીડિયો સંદેશ જારી કરીને આવી અભદ્ર ભાષા અને અપશબ્દો ભાંડનારા
યુવક-યુવતીઓ માટે ક્ષમાભાવ પ્રગટ કર્યો હતો અને કહ્યું હતું કે, તોફાની અને ગુમરાહ બાળકોની અભદ્ર ભાષા દુર્ભાગ્યપૂર્ણ હતી, પણ હું તેમને માફી આપવા માગું છું. જો કે, વડાપ્રધાન
મોદીના આ સંદેશા બાદ અપશબ્દો મુદ્દે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષોએ પલટવાર કરતાં
કહ્યું હતું કે, વડાપ્રધાને માફી આપવાને બદલે માફી માગવી જોઈએ. મોદીએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ વીડિયો સંદેશમાં ગાળો
ભાંડનારા યુવકોને માફ કરવાની વાત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય
ગૃહમંત્રી પી.ચિદમ્બરમે આજે મોદી ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે મોદીને સવાલ કર્યો
હતો કે, શું તેમણે સોશિયલ મીડિયા ઉપર સરકારની આલોચના કરતા લોકો
સામે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતા ભાજપના ટ્રોલર્સને પણ માફી આપી દીધી છે?
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મોદીએ દેખાવકારો
પર ગોળીબાર બદલ માફી માગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, છાત્રોને તમારી માફીની જરૂર નથી. માફી તો તમારે માગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે,
મોદીએ પોતાના વીડિયો સંદેશામાં કહ્યું હતું કે, જંતરમંતર ઉપર પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાઓએ બેહદ વાંધાજનક ભાષા વાપરી હતી.
તેમને અને તેમનાં દિવંગત માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ થઈ હતી, જે કંઈ પણ થયું એ દુનિયાએ જોયું હતું. કેટલાક તોફાની બાળકોએ અભદ્ર ભાષા વાપરી
અને તે સભ્ય સમાજને અનુરૂપ નહોતું. તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતું. બાળપણ અને યુવાવસ્થામાં
ભૂલ થઈ જાય છે અને એ સમયે જ તેમને શીખવાનો અવસર પણ હોય છે. આપણી દીકરીનાં મોઢે આવી
ભાષા સાંસ્કૃતિક રીતે હચમચાવનારી છે, હવે સમય આવી ગયો છે તેમને યોગ્ય દિશા બતાવવાનો. આવા યુવાનોને સજા
આપવી કે અદાલતના ધક્કા ખવડાવવા કોઈ સમાધાન નથી. હું તેમને માફ કરવા માગું છું. ક્યારેક
જીભ દાંત વચ્ચે આવી જાય, તો આપણે કંઈ દાંત તોડી નથી નાખતા કારણ
કે દાંત આપણા છે અને એવી જ રીતે આ બાળકો પણ આપણા જ છે. તેમને રસ્તો બતાવવો આપણુ કર્તવ્ય
છે. દરમિયાન જેની સામે અપશબ્દો ભાંડવા સબબ
એફઆઈઆર દાખલ થઈ હતી એ રુચિકાનો આજે વધુ એક વીડિયો વાયરલ થઈ ગયો હતો, જેમાં તે પોતાની ભૂલ બદલ માફી માગતી દેખાઈ રહી છે. તે હાથ જોડીને કહે છે કે,
જંતરમંતર ઉપર અનેક જૂથમાં લોકો વડાપ્રધાનને ગાળો આપતા હતા અને તેમણે
જ મને પણ ઉશ્કેરી હતી અને દોરવાઈને મેં પણ અપશબ્દો કહ્યા હતા. મેં જે કંઈ પણ કર્યું
તે માફી લાયક નથી, પણ હું દેશવાસીઓની માફી માગું છું. હું શર્મિંદા
છું અને નજર પણ ઉઠાવી નથી શકતી. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હશે.