• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

અબડાસામાં સીમાડા ભીંજાતાં ખેડૂતો-માલધારીઓ ખુશ

કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 1 : અબડાસા તાલુકામાં શનિવારની વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કરતાં આખું આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને તાલુકાભરમાં અડધાથી એક ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાતાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલુકાના મુખ્ય મથક નલિયામાં વહેલી સવારથી જ ઝાપટું પડયા બાદ દિવસભર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો, જેનાં કારણે માર્ગો ભીના બન્યા હતા. જો કે, આ ધીમીધારનો, પણ કાચાં સોનાં જેવો વરસાદ સીમાડાઓમાં ઘાસચારો ઉગાડવામાં મદદરૂપ થશે તેવી આશાએ અબોલ પશુઓના પાલક એવા માલધારી  જગતમાં ભારે હરખ જોવા મળી રહ્યો છે.  કોઠારા વિસ્તારના પ્રતિનિધિ મનોજ સોનીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં કોઠારા તેમજ વાંકુ, કનકપર અને વિંઝાણ સહિતનાં ગામોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને દિવસભર હળવાં ઝાપટાં સ્વરૂપે અડધાથી એક ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. બીજી તરફ, દરિયાઈ પટ્ટીનાં ગામોમાં પણ  વરસાદી માહોલ રહ્યો હતો. સુથરીના સરપંચ રહીમ મંધરાના જણાવ્યા મુજબ, કાંઠાળ પંથકમાં દિવસ દરમિયાન ઝરમર ઝાપટાં પડતાં માર્ગો તરબતર થયા હતા. અહીંના રાપરગઢ, પિંગલેશ્વર અને જખૌ વિસ્તારમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. આ વરસાદથી સીમાડામાં નવું ઘાસ ઊગી નીકળશે જે પશુધન માટે આશીર્વાદરૂપ બનશે. ગરડા પંથકના વાયોર, વાગોઠ, અકરી અને સાંઘીપુરમ સહિતનાં ગામોમાં પણ સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. રાતાતળાવ, મોથાળા, નરેડી, ચિયાસર અને ખારુઆ પંથકમાં પણ મેઘરાજાએ અડધાથી એક ઇંચ જેટલી હેલી વરસાવતાં ધરતીપુત્રો અને માલધારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. સમગ્ર અબડાસા તાલુકાના 100થી વધુ ગામોમાં શનિવારે સૂર્યનારાયણનાં દર્શન દુર્લભ બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી પંથકમાં હજુ પણ સારા વરસાદની આશા સેવવામાં આવી રહી છે. બીજીબાજુ જે ખેડૂતોએ પહેલા વરસાદમાં વાવણી કરી લીધી છે, તેઓ માટે આ પાણી ઉપયોગી બન્યું છે. 

Panchang

dd