• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

માધાપરમાં સસ્તી એરટિકિટની લાલચમાં એનઆરઆઈ સાથે 1.93 લાખની ઠગાઈ

ભુજ, તા. 1 : માધાપરમાં તાન્ઝાનિયા (આફ્રિકા)થી ભાણેજીના લગ્નમાં આવેલા એનઆરઆઈ યુવક ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા હતા. સસ્તી એરટિકિટ અને ડિસ્કાઉન્ટની લાલચ આપી અજાણ્યા ઠગે યુવકના બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ  રૂા. 1.93 લાખની ઓનલાઈન  છેતરપિંડી આચરી હતી. આ મામલે યુવકની બહેને માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ માધાપરના મૂળ નિવાસી અને 18 વર્ષથી તાન્ઝાનિયામાં રહેતા ભરતભાઈ કરશનભાઈ વરસાણી ગત નવેમ્બર 2025માં ભાણેજીના લગ્ન પ્રસંગે વતન આવ્યા હતા. પરત તાન્ઝાનિયા જવા માટે તેઓ મોબાઈલમાં સસ્તી એરટિકિટ મેળવવા સર્ચ કરી રહ્યા હતા, તે દરમિયાન 13 ડિસેમ્બર-2025ના તેમના વોટ્સએપ પર એક અજાણ્યો વીડિયો કોલ આવ્યો હતો અને એક એપ્લિકેશન ડાઉનલોડ કરતાં જ ઠગે તેમના મોબાઈલ ફોનનો તમામ એક્સેસ કરવા જણાવ્યું હતું. ભરતભાઈએ એપ ડાઉનલોડ કરતાં તમામ એક્સેસ મેળવી લઇને તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી 95,000 અને બેંક ઓફ બરોડાના ખાતામાંથી 98,900 ઉપાડી લેવાયા હતા. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઈન 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી, પરંતુ નાણાં પરત ન મળતાં અને  ભરતભાઈ વિદેશ પરત ફર્યા હોવાથી તેમની બહેન મંજુલાબેન વાઘજિયાણીએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd