• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

અંજારમાં ધીમીધારે એક ઈંચ વરસાદથી ઠંડક

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 1 : અંજાર શહેર અને તાલુકામાં શનિવારે દિવસભર ધીમીધારે એક ઈંચ જેટલો વરસાદ પડતાં ગરમી  અને ઉકળાટ વચ્ચે  વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.  સરકારી આંકડા મુજબ અગાઉ નોંધાયેલા 64 એમ.એમ. વરસાદ બાદ શનિવારે વધુ 21 એમ.એમ.વરસાદ પડયો હતો. અંજારમાં સિઝનનો કુલ વરસાદ 85 મિલીમીટર સાથે  3.5 ઇંચ  પડી ચૂક્યો છે. સાંજના સમયે સમાચાર લખાય છે, ત્યાર સુધી ધીમેધારે વરસાદ  વરસતો રહ્યો હતો, જેના કારણે આગામી કલાકોમાં વરસાદના આંકડામાં વધુ વધારો થશે. તાલુકાના સતાપર, લાખાપર, ખેડોઈ, આંબાપર, લોહારિયા, સિનુગ્રા, ચંદિયા, નાગલપર સહિતના ખેતીપ્રધાન વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંતોષકારક વરસાદ વરસતાં ખેડૂતોમાં સારા પાકની નવી આશા જાગી છે. વાવેતર કરેલા પાક માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી નીવડશે તેવુ ખેડૂતોનું માનવું  છે. બીજીબાજુ શહેરમાં  વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નગરપાલિકા દ્વારા  સ્વચ્છતા મુદ્દે નોંધપાત્ર કામગીરી ન કરાતી હોવાના  આક્ષેપ વચ્ચે  રોગચાળો ફેલાવવાની ભીતિ  સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.  શહેરના અમુક નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, પાણી ભરાવાની સ્થિતિ ગંભીર ન બનતાં સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી. વરસાદથી  અંજારના સવાસર નાકા તળાવમાં નવાં નીરની  ધીમે ધીમે આવક શરૂ  થઈ હતી, જેને જોતાં  આગામી દિવસોમાં વધુ વરસાદની અપેક્ષા  સાથે સવાસર નાકા તળાવ સતત ત્રીજા વર્ષે ઓગને તેવી આશા શહેરીજનો સેવી રહ્યા  છે. એકંદરે ધીમીધારે પડેલા વરસાદથી ખેડૂતોમાં આશા સાથે આનંદની લાગણી પ્રસરી હતી. 

Panchang

dd