મુંદરા, તા. 1 : મેઘરાજાની ચાતક નજરે રાહ જોતાં કચ્છમાં બીજો રાઉન્ડ
શરૂ થયો અને મુંદરા શહેર અને તાલુકાભરમાં લગભગ પોણોથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો
છે, જે ખેડૂતો માટે માગ્યા મીં જેવો છે.
મુંદરામાં પણ શનિવારે પરોઢથી શાનદાર બીજો રાઉન્ડ શરૂ થયો હતો. શનિવારે સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 10 વાગ્યા સુધીમાં 18 મિ.મી. એટલે કે લગભગ પોણો ઇંચ પડી ગયો હતો અને બાદમાં સવારે 10 થી સાંજે 8 વાગ્યા
સુધીમાં વધુ 59 મિ.મી. પડયો હતો. આ મોસમના અગાઉના 56 મિ.મી.ને ગણતાં મોસમનો આ લખાય છે ત્યાં સુધીનો કુલ
વરસાદ 145 મિ.મી.
થયો છે. આગાહી અને બે દિવસથી ગોરંભાયેલાં વાતાવરણથી જાગેલી આશા આજે શનિવારે મેઘરાજાનાં
આગમનથી પૂર્ણ થઈ હતી. એ જ રીતે તાલુકા વિસ્તારમાં પણ આ લખાય છે, ત્યાં સુધી પોણોથી ત્રણ ઈંચ વરસાદ
પડી ચૂક્યો છે. ખેડૂતો હજુ વધુ વરસાદની અપેક્ષા સાથે સ્વીકારે છે કે, વાવણીલાયક વરસાદ થઈ ચૂક્યો છે એટલે પશુધનને રાહત થશે. મુંદરા શહેરની સ્થિતિના
મળતા અહેવાલ મુજબ પાવાપુરીવાળા રસ્તે મુશ્કેલીઓ
સર્જાઈ હતી, જેમાં થોડા દિવસ પહેલાં જ સમારકામ કરાયું છે. આ માર્ગ પર ફરી ખાડા થઈ ગયા છે. આ ઉપરાંત ખારવા ચોકમાં એક નાનકડો ભૂવો
પડવા સિવાય કોઈ મોટી સમસ્યાના અહેવાલ નથી. - ભદ્રેશ્વર- સમાઘોઘામાં બેથી ત્રણ ઈંચ : ભદ્રેશ્વર પંથકથી મળતા અહેવાલ મુજબ શુક્રવારે રાત્રે
12 વાગ્યાથી શનિવારે સાંજ સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. સમાઘોઘાથી પૂર્વ સરપંચ
મહાવીરાસિંહ જાડેજાએ જણાવ્યું કે, શનિવારે સમાઘોઘા અને આસપાસનાં ગામોમાં સવારે 5ાંચ વાગ્યાથી ધીમીધારે શાંતિથી વરસાદ ચાલુ છે. સીમાડામાં
ઘાસ અને રામમોલ માટે વરસાદ ખૂબ ફાયદાકારક છે. આજના દિવસમાં અંદાજે બે ઈંચ જેવો વરસાદ
નોંધાયો છે. ડેમ પર 48 મિલીમીટર નોંધાયો
છે. વરસાદ ધીમીધારે હોવાથી ડેમની આવકમાં કોઈ ખાસ વધારો થયો નથી, પણ વરસાદ બહુ જ સારો, સીમાડામાં ઘાસ
અને રામમોલ માટે ફાયદાકારક છે. - `હણે ચોપા છૂટી વેંધા.' : પશુપાલકો
માટે પણ વરદાન સમાન છે. એક પશુપાલકે કચ્છીમાં કહ્યું કે, `હણે
ચોપા છૂટી વેંધા.' મતલબ હવે પશુઓની ચિંતા નથી. - વવાર
પંથકમાં પોણો ઈંચ : તાલુકાનાં વવાર, પાવડિયારા, વડાલા,
મોખા વિસ્તારમાં શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી અંદાજિત અડધોથી પોણો
ઈંચ જેટલો વરસાદ પડયો હતો. પ્રતિનિધિ માણેક ગઢવીએ જણાવ્યું કે, શનિવારના વરસાદનો ઝરમરિયો માહોલ દિવસભર રહ્યો હતો. વચ્ચે વચ્ચે તેજ ઝાંપટુ
પણ હાજરી પુરાવી જતું હતું. ખેડૂતો તેમજ માલધારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. બાબિયાથી
યુવરાજાસિંહ વાઘેલાએ દોઢ ઈંચ વરસાદના વાવડ આપ્યા હતા. આ સિવાય પ્રાગપર, બરાયા, બોચા, આસપાસમાં સારો એવો વરસાદ નોંધાયો
છે. સરપંચ મુકેશ શેઠિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બેથી
અઢી ઇંચ જેવો શાંત અને ખેડૂતોને લાભદાયી વરસાદ થયો છે. મંગરાથી પૂર્વ સરપંચ ચંદુભા
જાડેજાએ કહ્યું હતું કે, આસપાસના વિસ્તારમાં કાચા સોના જેવો વરસાદ થયો છે. કાલે રાતથી લગભગ અઢીથી ત્રણ
ઇંચ જેટલું પાણી પડયું છે. મગફળી, કપાસને ફાયદો થશે. ધ્રબથી પૂર્વ
તલાટી હુસેનભાઇ તુર્કે કહ્યું હતું કે, સવા બેથી અઢી ઇંચનો મોતી
જેવો વરસાદ છે. સીમમાં ઘાસ ફૂટી નીકળ્યાં હતાં, ત્યાં ધીમી ધારનો
વરસાદ એ `માગ્યા મીં ' જેવો છે.