• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

અદાણી મુંદરા પોર્ટ કસ્ટમ્સ કાર્ગો ક્લીયરન્સમાં દેશમાં સૌથી ઝડપી

મુંદરા, તા. 31 : અદાણીનું મુંદરા પોર્ટ ફરી એકવાર ભારતનું સૌથી કાર્યક્ષમ વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી) દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ટાઇમ રિલીઝ સ્ટડી (એનટીઆરએસ) 2026માં અદાણી મુંદરા પોર્ટ દેશનાં તમામ અગ્રણી બંદરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારું પોર્ટ બન્યું છે. દેશના અગ્રણી સમુદ્રી બંદરો, એર કાર્ગો કોમ્પ્લેક્સ, રેલવે ઇનલેન્ડ કન્ટેનર ડેપો (આઈસીડી) અને ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ્સમાં કાર્ગો ક્લીયરન્સની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરતી આ અભ્યાસ રિપોર્ટમાં મુંદરા બંદરે આયાતી કાર્ગોનું સૌથી ઝડપી કસ્ટમ્સ ક્લીયરન્સ હાંસલ કર્યું હોવાનું નોંધાયું છે. એનટીઆરએસઅનુસાર, મુંદરા બંદરે આયાતી કાર્ગો માટેનો સરેરાશ રિલીઝ સમય, વર્ષ 2025ના 55 કલાક 34 મિનિટમાંથી ઘટી વર્ષ 2026માં માત્ર 32 કલાક 27 મિનિટ કર્યો છે. એટલે કે એક વર્ષમાં 41.6 ટકા જેટલો નોંધપાત્ર સુધારો નોંધાયો છે. આ સિદ્ધિ સાથે મુંદરા બંદરે નેશનલ ટ્રેડ ફેસિલિટેશન એક્શન પ્લાન દ્વારા નક્કી કરાયેલા 48 કલાકની અંદર કસ્ટમ્સ ક્લીયરન્સનાં લક્ષ્યાંકને સરળતાથી હાંસલ કર્યો છે અને દેશના તમામ અગ્રણી બંદરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, કસ્ટમ્સ કાર્ગો ક્લીયરન્સમાં ભારતનાં સૌથી ઝડપી અગ્રણી પોર્ટ તરીકેની ઓળખ પ્રાપ્ત કરવી અદાણી મુંદરા પોર્ટ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ મુંદરા કસ્ટમ્સ, લોજિસ્ટિક્સ પાર્ટનર્સ અને સમગ્ર ટ્રેડ ઇકોસિસ્ટમ વચ્ચેનાં મજબૂત સંકલનનું પરિણામ છે. આ સિદ્ધિ માટે અમે સીબીઆઈસી, મુંદરા કસ્ટમ્સ કમિશનર  નીતિન સૈનીના નેતૃત્વ હેઠળની ટીમ તેમજ  તમામ હિતધારકોના સહયોગ બદલ આભારી છીએ.' ઓથોરાઇઝ્ડ ઇકોનોમિક ઓપરેટર (એઈઓ) કાર્યક્રમ હેઠળ વિશ્વસનીય વેપારીઓ માટે પણ મુંદરા બંદરે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. એઈઓ- ડીપીડી મોડેલ દ્વારા આયાતી માલનો સરેરાશ રિલીઝ સમય માત્ર 15 કલાક 18 મિનિટ રહ્યો હતો, જે દેશનાં તમામ અગ્રણી બંદરોમાં સૌથી ઝડપી છે. મુંદરા કસ્ટમ્સ કમિશનર નીતિન સૈનીના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમે સંકલિત પ્રયાસો દ્વારા દેશમાં કાર્ગો ક્લીયરન્સ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. એનટીઆરએસ  2026નાં પરિણામો ફરી એકવાર સાબિત કરે છે કે, મુંદરા પોર્ટ વૈશ્વિક સ્તરની પોર્ટ સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર છે અને ભારતને વૈશ્વિક વેપાર તથા મેન્યુફેક્ચારિંગ માટે પસંદગીનું કેન્દ્ર બનાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. - ક્લીયરન્સ સમયમાં મુંદરા દેશના તમામ અગ્રણી બંદરોમાં સર્વોચ્ચ : અભ્યાસમાં  જણાવાયું છે કે, મુંદરા પોર્ટ પર પ્રક્રિયા થયેલા 78.39 ટકા બિલ ઓફ એન્ટ્રીએ એનટીએફએપીના નિર્ધારિત સમયમર્યાદામાં ક્લીયરન્સ પૂર્ણ કર્યું હતું, જે દેશનાં તમામ અગ્રણી બંદરોમાં સર્વોચ્ચ અનુપાલન છે. રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ પોર્ટ ડિલિવરી (ડીપીડી) વ્યવસ્થા હેઠળ મુંદરા પોર્ટ પર આયાતી માલનો સરેરાશ ક્લીયરન્સ સમય માત્ર 24 કલાક 30 મિનિટ રહ્યો હતો, જ્યારે કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન (સીએફએસ) મારફતે આવતાં કાર્ગો માટે આ સમય 34 કલાક 52 મિનિટ રહ્યો હતો. અગ્રણી સમુદ્રી બંદરોમાં મુંદરાનો સરેરાશ કાર્ગો ક્લીયરન્સ સમય 32 કલાક 27 મિનિટ રહ્યો છે, જ્યારે મુંબઈના નવાશેવા પોર્ટમાં 65 કલાક 52 મિનિટ, ચેન્નાઈ પોર્ટમાં 85 કલાક 59 મિનિટ અને કોલકાતા પોર્ટમાં 155 કલાક નવ મિનિટનો સમય નોંધાયો હતો. - આઈસીડી - એરકાર્ગોનાં પ્રમાણમાં પણ મુંદરા પોર્ટનું પ્રદર્શન સારું : રેલવે કાર્ગો સંભાળતા ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં લુધિયાણામાં સરેરાશ 58 કલાક, જ્યારે તુઘલકાબાદમાં 85 કલાક 45 મિનિટ અને વ્હાઇટફિલ્ડમાં 85 કલાક 28 મિનિટનો સમય નોંધાયો હતો. એર કાર્ગો કોમ્પ્લેક્સની સરખામણીમાં પણ મુંદરા પોર્ટનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. અમદાવાદ એર કાર્ગોમાં સરેરાશ 35 કલાક 41 મિનિટ, બેંગલુરુમાં 42 કલાક 59 મિનિટ,ચેન્નાઈમાં 36 કલાક, દિલ્હીમાં 36 કલાક એક મિનિટ, હૈદરાબાદમાં 45 કલાક આઠ મિનિટ અને મુંબઈમાં 43 કલાક 24 મિનિટનો સમય નોંધાયો હતો. 

Panchang

dd