ગાંધીધામ, તા. 1 : ગાંધીધામ સંકુલમાં 24 કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં જ જોડિયા શહેરોના
વિકાસની પોલ ખુલ્લી ગઈ છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે શુક્રવારની રાત્રિના વરસાદ શરૂ
થયો હતો, જે શનિવાર
સાંજ સુધી ધીમીધારે પડયો હતો. વાતાવરણમાં ઠંડક
પ્રસરી છે, પરંતુ આ ધીમીધારે પડેલા બે ઇંચ વરસાદમાં અનેક વિસ્તારોમાં
પાણી ભરાતાં લોકો અને વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. શુક્રવારે રાત્રે
લગભગ દોઢ કલાક દરમ્યાન એક ઇંચની આસપાસ વરસાદ પડયો હતો. ત્યારપછી ધીમી ધારે માત્ર એક
ઇંચ વરસાદ જ પડયો છે, પરંતુ શુક્રવારે રાત્રે પડેલા વરસાદમાં
ભારતનગર, સુંદરપુરી, ગણેશનગર તથા ખોડિયાર
નગર સેક્ટર વિસ્તાર અને શહેરના સાઉથ અને નોર્થ તેમજ મામલતદાર કચેરીની આસપાસના વિસ્તાર
ઉપરાંત લીલાશાહ, આદિપુરમાં રામબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં
વરસાદી પાણી ભરાયાં હતાં. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું
સમાધાન કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. અધિકારીઓ અને એન્જિનીયરોની ફોજ ઓફિસમાં
જ બેઠી રહેતી હોવાથી જમીનની સમસ્યાથી આઉટ સોર્સિંગથી ભરતી કરેલા એન્જિનીયરો અવગત નથી.
ઘણા એન્જિનીયરોને વિસ્તારની પણ ખબર નથી. અધૂરાં કામો અને પાણી નિકાલની વ્યવસ્થાના
અભાવે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઠેર ઠેર ખોદકામ કરાયું
હોવાથી સમસ્યાઓ વધી છે, નવા બનાવવામાં આવેલા માર્ગોમાં ગંભીર
બેદરકારી દાખવવામાં આવી રહી છે તેની ઉપર પણ પાણી ભરાય છે, અનેક
જગ્યાએ સમસ્યાઓ ઊભી થઈ છે. ઈજનેરોની બેદરકારી છતાં જવાબદારો દ્વારા કોઈ પગલાં ભરવામાં
ન આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. 24 કલાક દરમિયાન બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક
આવી છે. લોકોએ વરસાદનો આનંદ પણ માણ્યો હતો, પરંતુ સમસ્યાઓનો પણ સામનો કરવો
પડયો હતો. મામલતદાર કચેરીના ચોપડા ઉપર સિઝનનો કુલ 135 એમ.એમ. વરસાદ નોંધાયો છે. - જૂની કોર્ટના સાત કરોડના રોડમાં સમસ્યા યથાવત્ : ક્રોમા સેન્ટરથી અપનાનગર ચાર રસ્તા સુધીના માર્ગ
ઉપર વરસાદ સાથે અનેક જગ્યાએ પેવર બેસી ગયા છે, તો પોલીસ સ્ટેશન પછી ઘણી જગ્યાએ ડામરના રોડ ઉપર પાણી ભરાયેલું
રહે છે. વરસાદી નાળું પાણી નિકાલ માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ
ક્રોમાની સામેના ભાગે રોડ ઉપર પાણી ભરાયેલું રહે છે. અધિકારીઓના માનીતા કોન્ટ્રાક્ટર
હોવાના કારણે પગલાં ભરાતાં ન હોવાના આક્ષેપ જાણકારો કરી રહ્યા છે .- સુંદરપુરી
માર્ગમાં ભરચોમાસે પાથરેલો ડામર જવાબ દઈ ગયો : સરકારી નિયમ મુજબ 15 જૂન પછી ડામરનાં કોઈ પણ કામ થઇ શકે નહીં, પરંતુ ગાંધીધામ અપવાદ છે. અહીં
ભરચોમાસે ડામરના માર્ગો બનાવવાની મોસમ ખીલી ઊઠી હતી. પરિણામે હિરાલાલ પારેખ સર્કલથી સુંદરપુરી પાણીના
ટાંકા સુધીમાં પાથરાયેલો ડામર રોડ અનેક જગ્યાએ
બેસી ગયો છે. અને એકથી બે જગ્યા ઉપર નાના એવા
ભુવા પણ પડી ગયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.