• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

અષાઢે કચ્છડે વરસ્યો મીં... ભુજમાં ત્રણ, રાપરમાં પોણા ત્રણ ઇંચ

ભુજ, તા. 1 : બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમે કચ્છની અત્યાર સુધી સૂકી રહેલી ધરાની મેઘતૃષ્ણા સંતોષી અષાઢમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ વરસાવી અડધોથી ત્રણ ઇંચ જેટલું પાણી પાડયું હતું. આગામી બે દિવસ વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાપર, ભુજ, મુંદરા અને નખત્રાણામાં બેથી ત્રણ ઇંચ, અંજાર, માંડવી, ગાંધીધામ, ભચાઉમાં ઝાપટાંથી લઇ એક ઇંચ, તો અબડાસામાં ઝાપટાં રૂપે વરસાદે પોતાની મેઘકૃપા વરસાવી હતી. - એકમાત્ર લખપત તાલુકો કોરો રહ્યો હતો : વહેલી સવારે ભુજ સહિત પશ્ચિમ કચ્છમાં સારા વરસાદી ઝાપટાં બાદ મોડી સાંજ પછી રાપરમાં ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો. સાર્વત્રિક વરસાદનાં પગલે મધ્યમ સિંચાઇનો ફતેહગઢ ડેમ ઓવરફ્લો થયો હતો. મધ્યમ અને નાની સિંચાઇના અન્ય ડેમોમાં  નવાં પાણીની આવક થઇ હતી. કોઇ પણ જાતના તોફાન વગર શાંત ધારે વરસાદ વરસતાં ખેતીપાકો માટે આ મેઘકૃપા કાચાં સોનાં સમાન સાબિત થશે તેવો મત કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હજુય વરસાદ વરસવાની આગાહી જોતાં કચ્છમાં અત્યાર સુધી જોવા  મળેલી વરસાદની ઘટ પૂરાઇ જાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. - ભુજને મોજ કરાવતા મેઘરાજા : ઠેર ઠેર જળ ભરાવ : જિલ્લા મથક ભુજની મેઘતૃષ્ણા અંતે ભાગ્યવિધાતા મેઘરાજાએ સંતોષી હોય તેમ ભારેથી અતિભારે વરસાદનાં જારી કરાયેલાં ઓરેન્જ એલર્ટ વચ્ચે વહેલી પરોઢથી કયારેક ધોધમાર તો કયારેક હળવાં-ભારે ઝાપટાંરૂપી મહેર વરસાવી સૂકી ધરામાં ભીનાશ ફેલાવી હતી. સવારે પોણા પાંચથી શરૂ થયેલો વરસાદ સાંજ સુધી જારી રહ્યો હતો. સત્તાવાર રીતે ભુજમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો જે વર્તમાન ચોમાસાંનો સૌથી વધુ હતો. ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. આંખો આંજી નાખતા વીજળીના ચમકારા અને ગાજવીજની સાથે ઠંડા પવનની પાંખે વરસેલી મેઘકૃપાએ હૈયાંને પુલકિત કર્યા હતા. ઉપરવાસમાં વરસેલા સારા વરસાદનાં પગલે શહેરનાં શણગાર સમા હમીરસર તળાવમાં પાણી ઠાલવતા મોટા બંધમાં નવાં જળ આવવા શરૂ થતાં ભુજવાસીઓ આ નજારાને માણવા ઊમટી પડયા હતા. સાર્વત્રિક મેઘકૃપાનાં પગલે જ્યુબિલી ગ્રાઉન્ડ, બસ સ્ટેશન રોડ, વોકળા ફળિયાં, વાણિયાવાડ, ત્રિમંદિર પાસેના માર્ગ, અનમ રિંગરોડ, ભુજ-માંડવી હાઈ-વે, મંગલમ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં થયેલા જળભરાવે વાહનચાલકો અને રાહદારીઓ માટે થોડી હાલાકી સર્જી, પણ ભુજવાસીઓએ આ અષાઢી મેઘકૃપાને મન ભરીને માણી હતી. વહેલી સવારથી સર્જાયેલી વરસાદની સ્થિતિનાં પગલે મોટા ભાગની શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી હતી. પ્રમાણમાં મધ્યમ ગણી શકાય તેવા વરસાદમાં બસ સ્ટેશન પાસેનો માર્ગ બેટમાં ફેરવાયો હતો. ત્રિમંદિર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેના માર્ગે ભરાયેલાં પાણીથી રિંગરોડનાં નવીનીકરણનાં કામ સામે અણિયાળા સવાલ ઊઠયા છે. અઢી ઈંચ વરસાદમાં નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીનું પાણી મપાઈ ગયાનો ગણગણાટ લોકોમાં થતો જોવા મળ્યો હતો. શહેરનાં પરાં સમાન માધાપરમાં પણ સવારથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જૂનાવાસમાં આવેલ સ્વામિનારાયણ કોલોની સહિતના સોસાયટી વિસ્તારમાં નાની તળાવડી ભરાઈ હોય તેવાં દૃશ્યો સર્જાયેલાં જોવા મળ્યાં હતાં. વરસાદની સ્થિતિને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા વિવિધ સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કુકમાથી કલ્પેશ પરમારના અહેવાલ મુજબ વહેલી સવારથી વરસાદી માહોલ જળવાયેલો રહ્યો હતો. વહેલી સવારે વરસાદી ઝાપટું પડયું હતું, બાદમાં 10 વાગ્યા આસપાસનાં વરસાદી ઝાપટાંએ પાણી વહાવ્યાં હતાં, બપોરે પણ એક વખત વરસાદ પડયા બાદ મોટેભાગે ઝરમરિયા છાંટા પડવાનું ચાલું રહ્યું હતું. ખેડૂત દામજીભાઈ મહેશ્વરીએ કહ્યું કે, ધીમીધારના વરસાદથી શાકભાજી, તલ, મગફળી, બાગાયતી પાકોને ફાયદો થશે. એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. - પચ્છમમાં હળવાં-ભારે ઝાપટાં : ખાવડાથી હીરાલાલ રાજદેના અહેવાલ અનુસાર બપોરે એકથી દોઢ સુધી અડધા કલાકમાં ખાવડા ખાતે 15 એમ.એમ. વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર તરફનાં ગામડાં કુરન, ધ્રોબાણા અને કાળા ડુંગર પર માત્ર ઝાપટાં રૂપે વરસાદથી પાણી વહી નીકળ્યાં હતાં. પાસી વિસ્તાર તરીકે જાણીતા ખારી, ગોડપર, અંધૌ, દદ્ધર, સોયલા વગેરે ગામોમાં પોણા ઈંચ જેટલો તેમજ પૂર્વ તરફનાં ગામડાં તુગા, જુણા, જામકુનરિયા વિગેરે ગામોમાં પણ પોણો ઈંચ જેટલો વરસાદ થયાના સમાચાર છે. સાંજે ફરી પાછો ખાવડામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.  દહીંસરા પંથકમાં વાવણીલાયક આ વિસ્તારમાં ગઈ રાત 10 વાગ્યાથી હેત વરસાવતાં મેઘરાજાએ આજ સવારથી સાંજ સુધી બે ઈંચ વરસાદ વરસાવતાં ખેડૂતોએ વાવણીલાયક વરસાદ ગણાવી ખુશી વ્યક્ત કરી હતી. ચુનડીથી સહદેવસિંહ જાડેજા, સરલીથી હસમુખભાઈ ઉપાધ્યાય, રામપરથી શાંતિલાલભાઈ ભંડેરી, પુનડીથી સુલ્તાનસિંહ જાડેજાએ દોઢથી બે ઈંચ વરસાદ પડયાના સમાચાર આપ્યા હતા. ચુનડી, પુનડી, ધુણઈ, સરલી, રામપર, ગોડપર, મેઘપર, ખત્રીતળાવ, ભુજ તરફ વરસાદ ચાલુ રહ્યો હતો. શુક્રવારની રાતથી શનિવારની રાત્રિના 24 કલાકના ગાળામાં કચ્છના નવ તાલુકામાં વરસાદની હાજરી જોવા મળી હતી. રાપરમાં સાંજના અરસામાં તોફાની વરસાદ વરસ્યો, તો પચ્છમ -ખાવડામાં પણ બેથી ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. મુંદરામાં સવા બે, નખત્રાણામાં પોણા બે, અંજાર-ગાંધીધામમાં એક-એક, તો ભચાઉ, માંડવીમાં અડધો - પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વરસાદનાં પગલે અનેક ગ્રામ્ય તળાવ તેમજ જળાશયોમાં નવાં નીરની આવક થઇ હતી. - કોટડા (ચ.) સહિતનાં ગામોમાં ધોધમાર : લેર, સૂતેશ્વર મહાદેવ, વડવા, હરૂડી, રેહા, હાજાપર, બંદરા, સણોસરા, વરલી, થરાવડા, ઝુમખા, જાંબુડી, ચકાર પંથકમાં ગત રાત્રિથી સતત વરસાદ વરસ્યો હતો. ચારથી પાંચ ઇંચ વરસી ચૂકેલો વરસાદ હજી સતત ચાલુ જ છે, તેવું કોટડા (ચ.)થી ફકીરમામદ ચાકીના અહેવાલમાં જણાવાયું હતું. કપાસ, મગફળી, એરંડાના પાકો માટે જાણે ઓક્સિજન મળી રહ્યું છે, તો બાગાયતી પાકોને પણ લાભકારી કુદરતી વરસાદનું પાણી વૃક્ષોને ઉત્તેજન આપી રહ્યું છે. - બન્નીના ગામડામાં સોના જેવી મહેર : બન્ની વિસ્તારના 49 ગામડામાં ગતરાત્રિથી ચાલતા વરસાદે આજ બપોરથી જોર પકડતાં બેથી અઢી ઈંચ વરસાદ પડી જતાં સમગ્ર વિસ્તારના માલધારી લોકો ખુશહાલ બન્યા છે. થોડાક સમયથી તીવ્ર ઘાસચારાની તંગીને લીધે સમગ્ર બન્ની વિસ્તાર પશુધન ઘાસ વિના મોતના મુખમાં ધકેલાઈ રહ્યું હતું. આ વરસાદથી રાહત મળી હતી. - પચ્છમના ગામોમાં સાંજે ધોધમાર : સુમરાસરથી મુસા સુમરાના અહેવાલ મુજબ પાંચેક વગ્યા બાદ ધોધમાર વરસાદ પડતાં નદી-નાળાઓમાં નવા નીર ભરપૂર આવ્યા હતા અને કાળા ડુંગર તેમજ ઉતરાદા બોર્ડર વિસ્તારના રણ પટ્ટામાં પણ વરસાદના વાવડ છે. અંદાજે ત્રણેક  ઈંચથી વધુ વરસાદ થયાનું અનુમાન વ્યક્ત કરાયું હતું.  ખાવડામાં આજે વરસાદે ગિયર બદલતાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસાવી ઠેર-ઠેર પાણી-પાણી કરી નાખ્યું હતું. - માનકૂવામાં ધીમીધારે : માનકૂવા વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂત અને માલધારીમાં આનંદની લાગણી ફેલાયાનું પ્રમોદસિંહ જાડેજાના અહેવાલમાં જણાવાયું હતું. માનકૂવા, સામત્રા, ચાડવા રખાલ, બળદિયા, સુખપર, ફોટડી, કોડકી, મખણા, પીરવાડી, વટાછડ, કમાગુના, મેડીસર વિસ્તારમાં સચરાચર વરસાદ પડયાના વાવડ છે. એકથી દોઢ ઈંચ વરસાદ ધીમી ધારે પડતાં જમીનને ફાયદો થયો છે. - પાણીના નિકાલ માટે ડ્રેનેજ ચેમ્બરના ઢાંકણા ન ખોલવા તાકીદ : ભુજ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી પાણીના તાત્કાલિક નિકાલના ભાગરૂપે લોકો ગટરના ઢાંકણા ખોલી કે તોડી નાખતા હોઈ આજુબાજુનો કચરો પણ ચેમ્બરમાં જતાં ડ્રેનેજ લાઈન બ્લોક થવાની શક્યતા રહે છે. ઢાંકણા ખુલ્લા રાખી દેતા હોવાથી અકસ્માત થવાનો ભય રહે છે. જાહેર જનતાએ ગટરના ઢાંકણા ખોલી કે તોડી નાખવા નહીં અને આવું કરતા જો કોઈ નગરપાલિકાને ધ્યાને આવશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવું નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.  

Panchang

dd