ગાંધીધામ, તા. 31 : આગામી સમયમાં ચોમાસાંને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ
સહિતનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા
અને તાલુકા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા વ્યાપક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી
છે. પીવાનું પાણી શુદ્ધ અને સુરક્ષિત રહે તે
માટે આરોગ્ય વિભાગની કુલ 78 ટીમ દ્વારા
ક્લોરીનેશન ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. દરરોજ 400થી વધુ ક્લોરીન ટેસ્ટ કરવામાં
આવે છે. ટેસ્ટિંગ દરમિયાન જ્યાં ક્લોરીનનું પ્રમાણ ઓછું હોય અથવા પાણીની પાઇપલાઇનમાં
લીકેજ જણાય, ત્યાં ગાંધીધામ મહાનગરપાલિકાને
તાત્કાલિક જાણ કરવામાં આવે છે, જેથી ઝડપથી જરૂરી રિપારિંગ અને
સુધારાની કામગીરી થઈ શકે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા, ખુલ્લા
અને વાસી ખોરાક ટાળવા, ખોરાક ઢાંકીને રાખવા તેમજ વ્યક્તિગત અને
આસપાસની સ્વચ્છતા જાળવવવા અનુરોધ કરાયો હતો. મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે આરોગ્ય
વિભાગની ટીમો દ્વારા ગૃહ મુલાકાત લઈ પાણીનાં પાત્રોમાં એબેટ નાખવાની કામગીરી કરવામાં
આવે છે. સાથે જ નાગરિકોને પાણીનાં તમામ પાત્રો ઢાંકીને રાખવા, દર અઠવાડિયે પાણીનાં પાત્રો ખાલી કરીને સાફ કરવા તેમજ ઘરની આસપાસ વરસાદી પાણી
ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરાઈ રહી
છે. જેટિંગ મશીન દ્વારા વરસાદી પાણી વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
અંતરજાળ-1, વિનાયક નગર, જગદંબા સોસાયટી, સેન્ટ
પોલ વિસ્તાર, મહાવીરનગર, રાજનગર,
મોમાઈનગર, રબારીવાસ, પોદાર
સ્કૂલ વિસ્તાર તથા કિડાણા-1 સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓમાં મચ્છરના
ઉપદ્રવને નિયંત્રિત કરવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ અંતરજાળ-1, અંતરજાળ-2 અને કિડાણા-1 વિસ્તારમાં આવેલા પીવાનાં પાણીના ટાંકાઓમાં
ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.