રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 8 : પુર્વ કચ્છના વડા મથક અને ઐત્હાસિક શહેર અંજારમાં વિજતંત્રની બેદરકારી ભરી
નીતિના કારણે શહેર વિજસમસ્યાના અજગરી ભરડામાં સપડાયું છે. વીજ પુરવઠાની સતત બગડતી સ્થિતિના
મુદે શહેરીજનોમાં ભારે અસંતોષ અને આક્રોશ ભભુકી
ઉઠયો છે. ં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોના દૈનિક જીવન, વેપાર-ધંધા તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર
અસર પડી રહી છે. વીજ વિભાગના અમુક અધિકારીઓની અણઆવડત, બેદરકારી
અને નબળા આયોજનના કારણે અંજાર શહેર જાણે વીજ સંકટના બાનમાં આવી ગયું હોવાની સ્થિતિ સર્જાઈ છે. - અતિ સામાન્ય વરસાદમાં 11 ફીડરો ઠપ્પ : માત્ર બે
દિવસ અગાઉ પડેલા અતિ સામાન્ય વરસાદમાં જ અંજારના 11 ફીડરો બંધ થઈ જતા શહેરના મોટા ભાગના વિસ્તારોમાં લાંબા સમય સુધી
વીજ પુરવઠો ખોરવાઈ ઠપ્પ થયો હતો. આજે ફરી
ત્રણ ફીડર દેવ ફીડર, મિથિલા ફીડર
અને પાર્થ ફીડર બંધ થતાં અડધાથી વધુ અંજાર શહેર અંધકારમાં ગરકાવ થઈ ગયું હતું. હજુ
તો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આગામી ભારે
વરસાદ દરમિયાન શું સ્થિતિ સર્જાશે તે અંગે લોકોમાં ચિંતા વ્યાપી છે. આજે નયા
અંજાર, ગંગા નાકા, દબડા, યમુનાપાર્ક સોસાયટી, રામકૃષ્ણ મહાવીરનગર, વિજયનગર, ચિત્રકૂટ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં વીજ
પુરવઠો ખોરવાયો હતો. શહેરના મુખ્ય બજારમાં પણ વીજળી ગુલ થવાની સમસ્યા જાણે કાયમી બની
ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાતા વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
હતો. - ફરીયાદ માટેના ફોનનો કોઈ પ્રતિસાદ
નહી : સ્થાનિકોએ ફરિયાદ નોંધાવવા માટે કરવામાં આવતા ફોનનો યોગ્ય
પ્રતિસાદ મળતો ન હોવાનું અને અનેક વખત ફોન પણ ઉપાડવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો
હતો. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ અમુક
અધિકારીઓનું ધ્યાન સમસ્યાના નિવારણ કરતાં માત્ર અયોગ્ય ઉઘરાણા જેવી કામગીરીમાં વધુ
કેન્દ્રિત હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. સાથે જ વિભાગમાં જવાબદારી નક્કી કરવાની
વ્યવસ્થા નબળી હોવાના કારણે અધિકારીઓ પર અસરકારક અંકુશ ન હોવાનું પણ નાગરિકો જણાવી
રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી નથી. અધિકારીઓને
જાળવી રાખવા માટે રાજકીય પ્રભાવનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. આ બાબતે
પારદર્શક તપાસ કરવામાં આવે તેવી માંગ પણ લોકો
કરી રહ્યા છે. - અંડરગ્રાઉન્ડ કેબલીંગની કામગીરીની
ગુણવતા સામે સવાલ : ઉલ્લેખનીય છે કે માત્ર એક વર્ષ અગાઉ વીડી માર્ગ પર નવી કોર્ટ નજીક માતબર ખર્ચે નાખવામાં
આવેલો અંડરગ્રાઉન્ડ કેબલ ક્ષતિગ્રસ્ત બન્યો હતો. સાથો સાથ સ્પેર કેબલ પણ નિષ્ફળ જતાં સમગ્ર કામગીરીની ગુણવત્તા
સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જાહેર નાણાંના ઉપયોગ છતાં આટલા ટૂંકા સમયમાં આવી સ્થિતિ
સર્જાતા જવાબદારી કોની તે અંગે લોકો સ્પષ્ટ જવાબ માંગે છે. - વેપારીઓની રજુઆત બાદ પણ કોઈ
કાર્યવાહી નહી : તાજેતરના દિવસોમાં શહેરની અનેક ડી.પી.માં
પ્રચંડ ધડાકા, શોર્ટ સર્કિટ અને આગ જેવી
ઘટનાઓ બનતાં સ્થાનિકોમાં ભયનો માહોલ અને વિભાગ સામે અસંતોષ ફેલાયો છે. વીજ માળખાની
જાળવણી અને જાહેર સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. થોડા દિવસો અગાઉ પણ
વીજ વિભાગની નબળી કામગીરીથી કંટાળેલા અંજારના વેપારીઓએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન
બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાના કાયમી ઉકેલ તરફ કોઈ અસરકારક પગલાં લેવાયા
ન હોવાનો વેપારીઓ અને નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે. - વીજ માળખાની ઉચ્ચ સ્તરીય તકનીકી
તપાસ કરાય : સમગ્ર વીજ વ્યવસ્થાની તાત્કાલિક ઉચ્ચસ્તરીય
તકનીકી તપાસ કરવામાં આવે, બેદરકાર અધિકારીઓ
સામે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ચોમાસા દરમિયાન શહેરને સતત
અને સુરક્ષિત વીજ પુરવઠો મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી
માંગ જાગૃતો કરી રહ્યા છે. જો કોઈ નિવેડો
નહી આવે તો વધતો જનઆક્રોશ આગામી સમયમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતા નકારી
શકાય તેમ ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.