• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વરસાદ ખેંચાતાં કચ્છમાં ઘાસનો પ્રશ્ન ગંભીર બન્યો

ભુજ, તા. 8 : આમ ભલે આષાઢી બીજને હવે એક સપ્તાહ બાકી છે, પરંતુ અધિકમાસ પ્રમાણે તો ચોમાસાને કચ્છમાં મોડું થઈ જતાં વરસાદ ખેંચાવાની અસર હવે જોવા મળી રહી છે. ભલે હજુ રોજગારીની ફરિયાદ નથી, પરંતુ કચ્છનાં પશુધન માટે ચરિયાણનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. ઘાસચારાના અભાવે ખાસ કરીને બન્ની - પચ્છમ, લખપત, અબડાસા જેવા પશુઓની મોટી વસ્તીવાળા વિસ્તારોમાં ચોપગાના જઠરાગ્નિ ઠારવા માલધારીઓને નાકે દમ આવી જાય છે. કેમ કે, કચ્છમાં ઘાસચારો ઉપલબ્ધ નહીં બનતાં મેંઘા ભાવે જિલ્લા બહારથી  ઘાસની ગાંસડીઓ મગાવવાનો વખત આવ્યો છે. તેની વચ્ચે નાની બન્ની વિસ્તારમાં ત્રણ ભેંસના ભુખમરાનાં કારણે મોત થયાં હોવાના સમાચારે ચિંતા ઊભી કરી નાખી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં 10 લાખથી વધારે પશુધનની સંખ્યા છે તેમાં સૌથી વધારે માલધારી વસ્તીવાળા બન્ની, નાની બન્ની-પચ્છમ વિસ્તારમાં ચોપગા જ રોજગારી માટેનું સાધન છે અને આવા સંજોગોમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે મોટી તાકાત બનેલા બન્ની-પચ્છમમાં પશુઓને બચાવવાનો મરાલધારીઓના માથે બોજ આવી પડયો છે.  - સીમાડો ખાલી : જે રીતે પશુપાલનવાળા ગામોમાંથી મળતી ફરિયાદો પ્રમાણે સીમાડામાં ઘાસ ખલાસ થઈ જતાં પશુઓને ભુખ્યા પરત આવવું પડે છે, માટે બહારથી ચોખાની ગાંસડી મગાવવામાં આવે છે. અત્યારે રસ્તાઓ પરથી ઘાસની નાની ગાંસડીઓ ભરેલી ટ્રકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. - નાની ગાંસડીઓ : મળેલી માહિતી પ્રમાણે બહારથી ચોખાની પરારની આવતી નાની-25 કિલોની ગાંસડી મોંઘી હોવાથી કચ્છમાં પહોંચે છે ત્યારે ઘાસનો ભાવ રૂા.20થી 25માં પહોંચે છે, આવા સંજોગોમાં ચોપાને બચાવવાની મોટી મુસીબત સર્જાઈ છે. - બન્નીમાં બે લાખ : બન્નીના 49 ગામો ઉપરાંત પચ્છમ વિસ્તારમાં અંદાજે બે લાખ પશુઓ છે. ગાયો અને ભેંસને ઘાસ માટે રખડવું પડે છે કેમ કે, સીમમાં ક્યાંય ઘાસ નથી. માલધારીઓ કહે છે ભેંસ જેવા મોટા પશુની જરૂરિયાત વધારે હોવાથી મોંઘા ઘાસ પરવડે તેમ નથી. - લખપતમાં એક લાખ : લખપત જેવા દૂરના તાલુકા તો દુ:ખી છે કેમ કે, ત્યાં સુધી ઘસા પહોંચતાં પહોંચતાં માણસના રોટલાથી પણ ભાવ મોંઘા થઇ જાય છે. હદ તો ત્યાં થઇ જાય છે કે, અહીં નાનાં ગામોમાં પશુઓ માટે બહારથી આવતી ગાંસડીઓને જમીનમાં રાખી શકાતી નથી કેમ કે, ભુખ્યા અન્ય પશુઓ ખાઇ જાય છે એટલે ઘાસને છાપરાં પર સાંચવી-છુચાવીને રાખવાનો વખત આવે છે. - સ્થિતિ ગંભીર બને છે : વરસાદ ખેંચાયો છે ને હજુ તો શરૂઆતના દિવસો છે, તેવામાં ઘાસ-પણીની અછતની ફરિયાદો ઊઠવા માંડી છે, તો આવનારા દિવસો ગંભીર બની શકે તેવી રાવ ઊઠી હતી. - કલેક્ટર શું કહે છે : આ મુદ્દે કલેક્ટર અનિલ રાણાવસિયાને પૂછ્યું તો તલમાં ભેંસોનાં મોતથી તેઓ ચોંકી ઊઠયા હતા અને કહ્યું કે, અમે ધારાસભ્યો, પશુપાલન અધિકારી, તમામ પ્રાંતની સાથે ચર્ચા કરી છે. ઘાસની ક્યાં કેટલી જરૂરિયાત છે તે જાણીને રાહત કમિશનરને દરખાસ્ત મોકલવામાં આવી છે. પોતે આ વિષયમાં ગંભીર છે ને તપાસ કરાવી રહ્યા છે. 

Panchang

dd