ભુજ, તા. 2 : શહેરની હાથીસ્થાન શાળાથી લઈને
ડાંડા બજાર સુધી આવેલા રાજગોર સમાજના વસ્તીવાળા રહેણાકના ઘરમાલિકો ગામતળ છોડીને આર.ટી.ઓ.
રિલો. ખાતે નવી બનેલી વસાહતમાં સ્થળાંતર થયા પછી એ ફળિયાંમાં રહેણાકનાં મકાન કરતાં
દેવસ્થાનકો વધુ જોવાં મળી રહ્યાં છે. ધરતીકંપ પહેલાં વિઠ્ઠા, માલાણી, શેરી નં. 1, દલાલ, મનઈ, પીપળા અને મઢી ફળિયાં
સહિતના વિસ્તારમાં રાજગોર સમાજની વસ્તી જોવા મળતી હતી અને મઢી ફળિયાંમાં સમાજની અલગ-અલગ
નુખના દેવી-દેવતાઓનાં મંદિરો આવેલાં હતાં, જે મંદિરો અત્યારે
પણ ફળિયાંમાં નવા બહેલા જોવા મળે છે, પણ વસ્તી અન્ય જગ્યાએ વસવાટ
શરૂ કરી દેતાં માત્ર સવાર-સાંજ મંદિરોમાં ઈલેક્ટ્રિક આરતીના અવાજ સંભળાય છે. નવરાત્રિ
કે દિવાળી જેવા તહેવારોએ લોકો દેવ-દેવીનાં સ્થાનકે દર્શન કરવા અચૂક આવે છે. રાજગોર
સમાજ અને ભુજના વતની પરિવારના લગ્નોત્સવ પ્રસંગે વરરાજા ફળિયાંમાં આવેલા ખેતરપાળ દાદાનાં
દર્શન કરીને પછી જાનના રૂપે આગળ પરણવા નીકળે છે. તે પરંપરા કાયમ છે. માતાજીનાં મંદિરોમાં
દર માસે ચંદ્રદર્શન માટે શીશ ઝુકાવવા આવે છે. મનઈ ફળિયાંમાં ઐતિહાસિક રામેશ્વર શિવાલય,
દામોદરરાય અને માલાણી ફળિયાંમાં આવેલા રામેશ્વર શિવાલય ખાતે શ્રાવણ માસ
દરમિયાન શિવભક્તોની વિશેષ હાજરી જોવા મળે છે. મઢી ફળિયું મંદિરોનું ફળિયું બની રહ્યું
છે. બાકીના ઘરોમાં દેવાસ્થાનકોના પૂજારી રહે છે. કચ્છમાં પરિવર્તનના દોરથી ફળિયાં સંસ્કૃતિ
લુપ્ત થતી જોવા મળે છે.