• શુક્રવાર, 03 જુલાઈ, 2026

વીજ ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવો

ભુજ, તા. 2  : વિદ્યુત ઉપકરણોની બાબતમાં ક્યાંક સામાન્ય અજ્ઞાનતા હોવાનાં કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. ભારે વીજ પ્રવાહ પસાર થતો હોય કે સામાન્ય વીજળીનાં સાધનો હોય અકસ્માત ન સર્જાય તેવા પ્રયાસ કરી સલામતીનું પૂરતું ધ્યાન રાખવા ખુદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા જાગૃતિ લાવવાનો ભુજમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં એક રેલીના માધ્યમથી નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો હતો કે, જ્યાં વીજ કરંટ પસાર થાય છે તેવા સાધનો અંગે જાણકારી સાથે સ્પર્શ કરવો જોઈએ તેવું જણાવાયું હતું. પીજીવીસીએલ દ્વારા ઊજવાઈ રહેલા સલામતી સપ્તાહ નિમિત્તે ભુજ સર્કલ કચેરી દ્વારા વીજ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ સવારે પીજીવીસીએલ સર્કલ કચેરી, ભુજ ખાતેથી અધીક્ષક ઇજનેર જે. સી. ગોસ્વામીની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો. રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓએ  ભાગ લીધો હતો. રેલી દરમિયાન `સલામતી રાખો-જીવન બચાવો', `વીજ ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવો', `વીજ અકસ્માતો અટકાવીએ, સલામતી અપનાવીએ` જેવી બાબતો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, નાગરિકોને વીજ સલામતી સંબંધિત સલામતી સૂચનાઓ ધરાવતા પેમ્ફલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા વીજ ઉપકરણોનો સુરક્ષિત ઉપયોગ, વીજ લાઇનોથી સલામત અંતર જાળવવું, બાળકોને વીજ જોખમોથી દૂર રાખવા અને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વીજ અકસ્માતો નિવારવા, વીજ સલામતીના નિયમોનું પાલન કરવા તથા સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવવાનો હતો  તેવું અધીક્ષક ઈજનેરે જણાવ્યું હતું. 

Panchang

dd