ભુજ, તા. 2 : ભાજપ દ્વારા ચાલી રહેલા ડો.
શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ જયંતી પખવાડિયાના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આજે
મુંદરા બારોઈ રોડ પર સ્થિત લક્ષ્મી હોલ ખાતે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા
હેઠળ જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. શ્યામાપ્રસાદજીના આ રાષ્ટ્ર પ્રત્યેના
અદકેરાં સમર્પણ અને બલિદાનને યાદ કરવા માટે સળંગ પંદર દિવસ સુધી તેમની સ્મૃતિ અને ચરિત્ર
ઉજાગર કરતા અનેક કાર્યક્રમો હાથ ધરાશે.સંમેલનમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ ડો. શ્યામાપ્રસાદ
મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારોને જનજન સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી.પ્રારંભે
દેવજીભાઈએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ જણાવ્યું કે,
શ્યામાપ્રસાદજીએ રાષ્ટ્રની એકતા અને ગૌરવ માટે જીવન સમર્પિત કરીને `એક દેશમાં બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં ચાલે' એવું પ્રખર રાષ્ટ્રવાદી સૂત્ર આપ્યું હતું. કાશ્મીરના સંપૂર્ણ એકીકરણ અને અખંડિતતા
માટેના એમના સ્પષ્ટ અને સટિક વિચારો અને આખરે પ્રાણોની આહુતિ સુધીના એમના જીવન બલિદાનને
આ દેશ ક્યારેય ભૂલી નહીં શકે. પ્રદેશ ભાજપ
મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ તરીકે ડો. મુખર્જીના રાજકીય,
શૈક્ષણિક અને રાષ્ટ્રીય યોગદાનનું વિશ્લેષણ કરતાં જણાવ્યું કે,
ડો. મુખર્જીએ રાષ્ટ્રવાદના મજબૂત પાયાને સ્થાપિત કરીને દેશના રાજકીય
જીવનને નવી દિશા આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ખાસ ઉપસ્થિત પૂર્વ પ્રદેશ
પ્રમુખ તથા પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે, ડો.
શ્યામાપ્રસાદ મુખર્જી રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, સંઘર્ષ અને અખંડ ભારતના સંકલ્પનું જીવંત પ્રતીક છે. તેમણે કાર્યકર્તાઓને ડો.
મુખર્જીના જીવનમૂલ્યોને આત્મસાત કરીને સંગઠન અને રાષ્ટ્રસેવાનાં કાર્યોમાં વધુ સક્રિય
બનવા આહ્વાન કર્યું હતું. આ સંમેલનમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા પ્રભાબેન હુણ,
ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ
ધવલભાઇ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, જિલ્લા
પંચાયત પૂર્વ પ્રમુખો જનકાસિંહ જાડેજા, પારૂલબેન કારા,
પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત
ઉપપ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, ગાંધીધામ મેયર દિવ્યાબેન નાથાણી
વિ. ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા શહેર ભાજપ અધ્યક્ષ અરાવિંદભાઈ પટેલ તેમજ મુંદરા તાલુકા
ભાજપ અધ્યક્ષ શક્તાસિંહ જાડેજાની રાહબરી હેઠળ બંને મંડલોની ટીમે જહેમત ઉઠાવી હતી. આજના
કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવનાર મોમાયાભાઈ ગઢવીએ સાથોસાથ સમગ્ર કાર્યક્રમનું
સંચાલન પણ કર્યું હતું, જ્યારે આભારવિધિ મુંદરા શહેર ભાજપ પ્રમુખ
અરાવિંદભાઈ પટેલે કરી હતી. આ સંમેલન કાર્યક્રમના સહઈન્ચાર્જ તરીકે વસંતભાઈ કોડરાણી,
બાલકૃષ્ણભાઈ મોતા અને ધીરેનભાઈ લાલને જવાબદારી નિભાવી હોવાનું કચ્છ જિલ્લા
ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી અને જિલ્લા ભાજપ મીડિયા વિભાગના રાહુલભાઈ જાનીની
સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.