• શનિવાર, 27 જુલાઈ, 2024

સુથરીમાં સ્વ. બળવંતરાયના સ્મારકની દુર્દશા જેમની તેમ

ભુજ, તા. 19 : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતાની આજે પુણ્યતિથિ નિમિત્તે સ્વ. બળવંતરાય મહેતાના સુથરી પાસે આવેલા રાજ્ય કક્ષાના શહીદ સ્મારકમાં યોજાયેલા કાર્યક્રમમાં બળવંતરાય સાથે જ શહીદ થયેલા કો-પાઈલટની પુત્રીએ સ્મારકની સતત થતી ઉપેક્ષાને લઇને બળાપો વ્યકત કર્યો હતો. સુથરીમાં પુણ્યતિથિના કાર્યક્રમ બાદ કચ્છમિત્ર સાથે મુલાકાત વેળાએ પ્રેસી ડિ'કોસ્ટાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની હવાઇ હુમલામાં બળવંતરાયની સાથે સાત લોકો શહીદ થયા હતા, જેમાં તેમના પિતા એ.એમ. ડિ'કોસ્ટાનો પણ સમાવેશ થાય છે. બે વર્ષ પૂર્વે જ વાયુસેનાની મદદથી પોતે પોતાના પિતાના સ્મારકે પહોંચી હતી, ત્યારથી આ સ્મારકની દુર્દશાને લઇને વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સક્ષમ અધિકારીઓ સમક્ષ પત્રવ્યવહાર કરી વિગતે જણાવ્યું હતું. આ પ્રશ્નને લઇને સોશિયલ મીડિયાનો પણ અગાઉ સહારો લીધો હતો. સ્મારકની જર્જરિત હાલતને લઇને રજૂઆતો બાદ વાતો થઇ પણ હજુ સુધી કોઇ નક્કર કામગીરી ન દેખાતી હોવાનો બળાપો પ્રેસી ડિ'કોસ્ટાએ વ્યકત કર્યો હતો. આ સ્મારકની છત પરથી બે વર્ષથી પોપડાં?ખરી રહ્યાં છે. ગેટ ખાસ્તા હાલતમાં છે અને સમાધિનીય દયનીય હાલત છે. ટાઇલ્સો તૂટેલી છે. બોર્ડના ઠેકાણા નથી, ત્યારે આ સ્મારકની દુરસ્તી કરાય તેમજ તૂટેલાં વિમાન જેવું મોડેલ રૂપ અન્ય વિમાન અહીં ગોઠવાય. અહીં બાજુમાં રમણીય સમુદ્રકાંઠો હોવાથી આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી તેનો પ્રચાર-પ્રસાર કરાય જેથી ચહલ-પહલ વધવાથી આ સ્થળ?ગાજતું બને અને સમયાંતરે તેની દેખભાળ થતી રહે તેવું પ્રેસી ડિ'કોસ્ટાએ સૂચન કર્યું છે. અત્રે નોંધનીય છે કે, એકાદ વર્ષ પૂર્વે સુથરીના સરપંચ અબ્દુલ રહીમ અબ્દુલ્લા મંધરાએ જિલ્લા કલેક્ટરને  આવેદનપત્ર પાઠવી આ દરિયાકિનારાને પ્રવાસનધામ તરીકે વિકસાવવા અને સ્મારક સ્થળે પ્રાથમિક સુવિધાઓ પાણી, વિજળીકરણ, રોડ-રસ્તાની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું. ચાલુ  વર્ષ દરમ્યાન જે-તે અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ વિગતોએ મેળવી હતી. નોંધનીય છે કે, પ્રવાસન વિકાસના એક ચરણના ભાગરૂપે દરિયાઇ પ્રવાસન સર્કિટ બનાવવાનું આયોજન ઘડાયું તેમાં સુથરીનો પણ સમાવેશ કરાયો છે. આમ આવનારા દિવસોમાં સુથરીના સ્મારકને લઇને કંઇ નક્કર કાર્યવાહી દેખાય તે માટે વહીવટી તંત્ર કમર કસે તે જરૂરી બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang