• મંગળવાર, 23 જુલાઈ, 2024

ભુજમાં રખડતાં ઢોર, ચારા મુદ્દે નિયમો-દંડ જાહેર

ભુજ, તા. 19 : શહેરમાં રખડતા ઢોર અને જાહેરમાં વેચાતા ચારા અંગે દંડ સહિતની જોગવાઈ ભુજ સુધરાઈ દ્વારા નક્કી કરાઈ છે જેનો અમલ કરવા તાકીદ પણ કરાઈ હતી. જો કે, અગાઉ રખડતા ઢોર અને જાહેરમાં વેચાતા ચારા બાબતે કલેકટર દ્વારા પણ અનેકવાર જાહેરનામાં બહાર પડાયા છે, પણ તેને જરા સરખી પણ દાદ નથી મળી. હવે ગાંધીનગરથી આવેલા પરિપત્ર બાદ ભુજ સુધરાઈ તેનો અમલ કરાવી શકશે કે લોલંલોલ જ ચાલ્યા રાખશે તેવી લોકચર્ચા જાગી છે. સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના પરિપત્રને પગલે શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા ભુજ નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ બહાર પડાઈ હતી. જેમાં પશુ માલિકોએ પશુ રાખવા માટે પરમિટ તેમજ પશુના દુધ તથા વ્યવસાય કરવા પણ લાયસન્સ લેવું પડશે જે માટે નગરપાલિકાનો સંપર્ક કરવો પડશે. આ માટે પશુ દીઠ ફી નક્કી કરાઈ છે. શહેર બહારથી ઢોર લાવનારે પશુ આરએફઆઈડી ચીપ અને ટેગ લગાડવા પડશે. રખડતા ઢોરને કારણે જાન-માલનું નુકસાન થશે તો ઢોર માલિક સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાશે. નગરપાલિકા દ્વારા પકડાયેલા ઢોર માટે પણ દંડની રકમ જાહેર કરાઈ હતી તેમજ જો ત્રણથી વધુ વખત ઢોર પકડાશે તો તેને કાયમી ધોરણે જપ્ત કરાશે અને માલિકનું લાયસન્સ-પરમિટ રદ્દ કરાશે. આ ઉપરાંત જાહેર માર્ગ પર ઢોર બાંધી નહીં શકાય તેમજ રસ્તા તેમજ ફૂટપાથ પર શેડ બાંધી પશુઓ રખાયા હશે તો આવા દબાણો સુધરાઈ દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં રખડતા ઢોરો તેમજ જાહેરમાં વેચાતા ચારા મુદ્દે અનેકવાર જાહેરનામા બહાર પડાયા છે પણ તેને કોઈ ગણકારતું નથી જેથી ભુજ નગરપાલિકા આ નોટિસ બાદ કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌ શહેરીજનોની મીટ મંડાઈ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang