ભુજ, તા. 22 : દેવભૂમિ હરિદ્વાર સ્થિત અખિલ
વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ગાયત્રી તીર્થ
શાંતિકુંજ ખાતે તાજેતરમાં `ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા' અંતર્ગત રાજ્ય સ્તરીય પ્રાવીણ્ય
છાત્ર પ્રતિભા પરિષ્કાર શિબિર તથા પુરસ્કાર વિતરણ સમારોહનું રાષ્ટ્રીય આયોજન કરવામાં
આવ્યું હતું. દેશભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંસ્કારમય,
પ્રેરણાદાયી અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં યોજાયો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં
સમગ્ર દેશમાંથી અંદાજે 35 લાખ વિદ્યાર્થીએ
ભાગ લીધો હતો. ગુજરાતમાંથી આશરે સવા છ લાખ વિદ્યાર્થી પરીક્ષામાં જોડાયા હતા. રાજ્યસ્તરે
જાહેર થયેલી મેરિટ યાદીમાં કુલ 30 વિદ્યાર્થીને
સ્થાન મળ્યું હતું, જેમાંથી કચ્છની ત્રણ વિદ્યાર્થિની પ્રથમ અને એકે તૃતીય સ્થાન મેળવી
જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કચ્છમાંથી રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાસિત થયેલી
વિદ્યાર્થિનીઓમાં ધ્યાની અલ્પેશભાઈ જાની, વંશી નીતિનભાઈ ભાનુશાલી તેમજ કોલેજ કક્ષાએ
તર્જની વ્યાસે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ગાયત્રી પ્રજાપતિએ તૃતીય સ્થાન
પ્રાપ્ત કરી કચ્છનું નામ રોશન કર્યું હતું. નિરોણા હાઈસ્કૂલની વિદ્યાર્થિની વંશી ભાનુશાલી
વતી તેમના શિક્ષક તેમજ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, નખત્રાણા તાલુકા સંયોજક અલ્પેશભાઈ
જાનીએ મોમેન્ટો અને પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન `અધ્યાપક હૈ યુગ નિર્માતા, છાત્ર રાષ્ટ્ર
કે ભાગ્ય વિધાતા' જેવા પ્રેરણાદાયી સંદેશ સાથે દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના વાઈસ
ચાન્સેલર ડો. ચિન્મય પંડ્યાજીએ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મિકતા
અને રાષ્ટ્રીય ચેતનાથી જોડાવા પ્રેરિત કર્યા હતા.આ પ્રસંગે રાજ્ય સ્તરે પ્રાવીણ્ય પ્રાપ્ત
વિદ્યાર્થીઓને યોગેન્દ્રગીરી (શાંતિકુંજ વ્યવસ્થાપક)ના હસ્તે સન્માનિત કરાયા હતા. ખાસ
કરીને કચ્છની ધ્યાનીએ દેવભૂમિ હરિદ્વારમાં યોજાયેલી ત્રિ-દિવસીય પ્રતિભા પરિષ્કાર શિબિરમાં
ભાગ લઈ કચ્છ તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. તેમની સાથે માતા-પિતા અલ્પેશભાઈ અને
નૂતનબેન જાની પણ ઉપસ્થિત રહ્યા હતા.શિબિર દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે
ગૌરવભાવ, આધ્યાત્મિક ચેતના, નૈતિક મૂલ્યો, સદભાવ અને રાષ્ટ્રપ્રેમ વિકસે તે માટે વિવિધ
માર્ગદર્શન સત્રો, પ્રેરણાત્મક પ્રવચનો તેમજ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ ત્રિદિવસીય શિબિર અને ભારતીય
સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છના વિદ્યાર્થીઓની વધતી ભાગીદારી અને સફળતા પાછળ જિલ્લા
સંયોજક વિષ્ણુભાઈ જોશીનું મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન રહ્યું હતું.