રાપર, તા. 22 : જૂન-2011થી રાપરમાં હરિયાળાં શૈક્ષણિક
સંકુલમાં શરૂ થયેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ માટે કાયમી જમીનનો પ્રશ્ન લાંબા
સમયથી અટવાયેલો હતો. તાજેતરમાં ગતિવિધિ શરૂ થયા બાદ હરિયાળાં સંકુલ ખાતે કોલેજને જમીન
મંજૂર કરવામાં આવી છે. આ મુદ્દો ઉકેલાતાં વિદ્યાર્થીઓને
ઘરઆંગણે કોલેજની સુવિધા યથાવત્ રહેશે. આ અંગે
મળતી વિગતો મુજબ વર્ષ-2015થી કોલેજનાં મકાન, હોસ્ટેલ,
સ્ટાફ ક્વાર્ટર, ઓફિસર્સ ક્વાર્ટર અને પ્લે ગ્રાઉન્ડ તથા પાર્કિંગ માટે જમીનની માગણી
કરવામાં આવી હતી. અગાઉ ગાંધીનગર કક્ષાએ રજૂઆતો કરવામાં આવતાં કોલેજ માટે છેક 25 કિમી દૂર ચિત્રોડ ખાતે જમીન
મંજૂર કરવામાં આવી હતી જે કોલેજ મેનેજમેન્ટ દ્વારા સ્વીકારવામાં આવી ન હતી. ત્યારબાદ
રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને આ અંગે રજૂઆત કરવામાં આવતાં તેમણે તત્કાલિન કલેક્ટર આનંદ પટેલને રૂબરૂ મળીને આ અંગે રજૂઆત કરતાં
કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ અંગે સૂચના આપી
હતી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હરિયાળાં શૈક્ષણિક સંકુલમાં આવેલી બિનવપરાશી 40 ખંડવાળી હોસ્ટેલ, 12 સ્ટાફ ક્વાર્ટર, બે ઓફિસર્સ ક્વાર્ટર, મુખ્ય દરવાજાથી કોલેજ
સુધીનું-ગેટની જમણી તરફનું મેદાન સહિતની કોલેજ દ્વારા માગવામાં આવેલી જમીનને કોલેજ
માટે આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ હસ્તાંતરણપત્ર
ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કોલેજના ઇન્ચાર્જ પ્રાચાર્ય પ્રો. પાર્વતીબેન
આહીરને આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી એક નાનાં એવાં બિલ્ડિંગમાં ચાલતી
આ કોલેજને જમીન મળતાં તેમાં હોસ્ટેલ, ક્વાર્ટર્સ, પ્લે ગ્રાઉન્ડ વગેરેની સુવિધા ઉપલબ્ધ
થતાં રાપરનો શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ થશે. આ કામ માટે રાપર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ
બળવંતભાઈ ઠક્કર ધારાસભ્ય અને કોલેજ મેનેજમેન્ટ વચ્ચે સેતુરૂપ બન્યા હતા. આ પ્રસંગે
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય રાજુભા જાડેજા,
ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી. રામજિયાણી,
નગરપાલિકા પ્રમુખ ચાંદ ઠક્કર, મદુભા વાઘેલા, અજિતસિંહ જાડેજા, વિનુભાઈ થાનકી વગેરે
ઉપસ્થિત રહ્યા હતા.