ભુજ, તા. 22 : કચ્છમાં રેલવેના માળખાંકીય
વિકાસ અને નવી રેલવે સુવિધાઓ સહિતને માટે આગામી વર્ષો મહત્ત્વના રહેવાના છે તેવું ભુજ-દિલ્હી
રેલવે ટ્રેનને પ્રસ્થાન કરાવવા માટે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ રેલવેના
જનરલ મેનેજર રામાશ્રેય પાંડેયએ પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. કચ્છમાં
ભાવિ રેલવે પ્રકલ્પો અને યોજના પર પ્રકાશ પાડતાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે કહ્યું
હતું કે, ભુજ-આદિપુર વચ્ચે ડબલ રેલવે ટ્રેક માટે મોજણી કાર્ય હાથ ધરી દેવાયું છે. નજીકના
સમયમાં આ રેલવે ટ્રેક પરથી પરિવહન વધુ ઝડપી અને સરળ બનશે. - સપ્ટેમ્બરમાં મળશે આધુનિક
સ્ટેશન : જનરલ મેનેજર શ્રી પાંડેય અને ડિવિઝનલ
રેલવે મેનેજર વેદપ્રકાશે કહ્યું કે, 201 કરોડના ખર્ચે એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન ભુજ ખાતે નિર્માણ કરાયું
છે. આ રેલવે સ્ટેશનનું નિર્માણકાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ઓગસ્ટના અંત સુધી
કામગીરી સંપન્ન થયા બાદ સપ્ટેમ્બરમાં આ રેલવે સ્ટેશનની ભેટ ભુજને મળવાની છે. ભુજ ઉપરાંત
ભચાઉ, ગાંધીધામ અને સામખિયાળીમાં પણ રેલવે સ્ટેશનાં નવનિર્માણ કાર્ય ચાલી રહ્યાં છે.
- વંદે ભારત ટ્રેન માટે રાહ
જોવી પડશે : ભુજ સ્ટેશનનાં નવનિર્માણ બાદ રેલવે સેવાનો
વિસ્તાર થવાનો છે. અનેક નવી ટ્રેનો ભુજને મળવાની છે. જો કે, વંદેભારત જેવી પ્રીમિયમ
ટ્રેન માટે કચ્છને હજુ રાહ જોવી પડશે. નવું રેલવે સ્ટેશન કાર્યરત થયા બાદ વંદેભારત
જેવી પ્રીમિયમ ટ્રેનો ચાલુ કરવાની શક્યતાઓ ચકાસવામાં આવશે. - હરિદ્વારની સીધી ટ્રેન સેવા
માટે વલણ સકારાત્મક : જનરલ મેનેજરને પૂછવામાં આવ્યું કે, ભુજથી
હરિદ્વારની સીધી ટ્રેન સેવા માટે લાંબા સમયથી માગણી થઈ રહી છે જેના પ્રત્યુત્તરમાં
જનરલ મેનેજરે કહ્યું હતું કે, હરિદ્વારની સિધી ટ્રેન સેવા માટે રેલવેમંત્રીનું વલણ
સકારાત્મક છે. રેલવે બોર્ડમા આ બાબતે વધુ એકવાર
દરખાસ્ત મોકલી ટ્રેનસેવા શરૂ કરવા માટેના સક્રિય પ્રયાસો કરાશે. - ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર
ટ્રેન દોડવામાં સમય લાગશે : ભુજ-નલિયા
રેલવે ટ્રેક પર માલગાડી દોડી રહી છે. આ રેલવે લાઈનને વાયોર સુધી લંબાવવાનું આયોજન છે.
જો કે, ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર ટ્રેનો દોડવા માટે હજુ રાહ જોવી પડશે. હાલ આ માટેની
પ્રક્રિયાઓ ચાલી રહી છે. - કચ્છ-ગુજરાત
માટે 17000 કરોડના રેલ પ્રોજેક્ટ : ચાલુ વર્ષે ભારત સરકારના રેલવે મંત્રાલય
દ્વારા કચ્છ-ગુજરાત માટે 17,000 કરોડના રેલ પ્રોજેક્ટ મંજૂર કરાયા છે તેવું કહેતાં જનરલ મેનેજરે રેલવે આધુનિક ઊંચાઈએ
પહોંચે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી અવિરત કાર્ય કરવામાં આવી રહ્યું છે.