ભુજ, તા. 22 : કચ્છથી દેશની રાષ્ટ્રીય રાજધાનીનું
રેલ જોડાણ વધુ સુલભ બન્યું છે. ભુજથી દિલ્હીને જોડતી ત્રીજી અને પહેલી દૈનિક ટ્રેન
સેવાને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી પ્રસ્થાન
કરાવ્યું હતું. ભુજ સ્ટેશને આયોજિત કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ
છાંગા, સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડેય, ડી.આર.એમ.
વેદપ્રકાશ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતે લીલીઝંડી બતાવી ટ્રેનને
દિલ્હી જવા માટે રવાના કરી હતી. ભુજ રેલવે સ્ટેશનના ચોથા નંબરનાં પ્લેટફોર્મ ખાતે આયોજિત
લોકાર્પણ કાર્યક્રમમાં જ્યારે ટ્રેન રવાના થઇ ત્યારે સ્થાનિક કલાકારોએ નૃત્યનાં માધ્યમથી
ઉત્સવ જેવો માહોલ સર્જ્યો હતો. ઉપસ્થિત લોકોને વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યના મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દદ્રમાં જ્યારથી વડાપ્રધાનપદે નરેન્દ્રભાઇ મોદી આરૂઢ થયા ત્યારથી
ગુજરાતમાં રેલવેનો માળખાંકીય વિકાસ વેગવંતો બન્યો છે. ચાલુ વર્ષે 17000 કરોડના રેલવેનાં કામો કચ્છ-ગુજરાતમાં
હાથ ધરાવાનાં છે ત્યારે આગામી સમયમાં ગુજરાતના લોકોને આધુનિક કક્ષાની માળખાંગત સુવિધા
ઉપલબ્ધ થવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની પહેલી બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ
હાઇસ્પીડ રેલનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતે આ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ
દ્વારા આધુનિક રેલવે ક્રાંતિમાં લીડ લીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 2014 પછી રાજ્યમાં 2900 કિલોમીટર નવા ટ્રેકનું નિર્માણ
થયું છે. આ ઉપરાંત રાજ્યમાં 1 લાખ 28 હજાર કરોડના વિવિધ રેલવે
પ્રોજેક્ટ કાર્યરત છે. ભૂપેન્દ્રભાઇએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનના નેતૃત્વ
અને રેલવેમંત્રીના માર્ગદર્શનમાં આઝાદીનો આ અમૃતકાળ રેલવેને નવી ગતિ આપનારો અને વિકસિત
ભારતના નિર્માણનો કાળ બનશે. શ્રી પટેલે ગુજરાતની જનતા વતીથી આ રેલ સુવિધાની ભેટ આપવા
બદલ વડાપ્રધાન અને રેલવેમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો. - ભુજ સ્ટેશને આયોજિત કાર્યક્રમમાં
સંબોધન કરતાં સાંસદ : વિનોદ ચાવડાએ
કહ્યું કે, ભુજથી દિલ્હીની આ ટ્રેન મારફત ઝાલોર, પાલી, અજમેર, જયપુર ઉપરાંત રાજસ્થાન-હરિયાણાના
25 સ્ટેશનનું જોડાણ મળવાનું
છે. આ દૈનિક ટ્રેન સેવાથી કચ્છના પ્રવાસન, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ક્ષેત્રના વિકાસને
વેગ આપશે. ઉત્તર ભારત જતા લોકો માટે પણ ટ્રેન ઉપયોગી સાબિત થશે. સાંસદે કચ્છને આ રેલ
સુવિધા આપવા બદલ આભાર માનવા સાથે આગામી સમયમાં જ્યારે ભુજના અત્યાધુનિક રેલવે સ્ટેશનનું
લોકાર્પણ થવાનું છે ત્યારે રેલવેમંત્રી વર્ચ્યુઅલી નહીં પણ જાતે ભુજ આવીને લોકાર્પણ
કરે એ માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ કચ્છને આ રેલવેની
ભેટ મળી તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઝાલોર ખાતે સાંસદ લુબારામ ચૌધરી સહિતના
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસવડા
વિકાસ સુંડા, જિ. ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ,
મહામંત્રી હિતેશ ખંડોર, ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડ, નગરપાલિકા ઉપપ્રમુખ
બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી રિતેન ગોર, રેલવે
વિસ્તરણ સમિતિના પ્રબોધ મુનવર, એ. વાય. આકબાની સહિત હાજર રહ્યા હતા. કચ્છના રેલવે પ્રવાસી
સંગઠન દ્વારા જનરલ મેનેજર સમક્ષ ભુજથી હરિદ્વાર-અયોધ્યાને જોડતી રેલવેસેવા શરૂ કરવા
સહિતના કચ્છના રેલવે સંલગ્ન મહત્ત્વના પ્રશ્નોની રજૂઆત કરી હતી.