ભુજ, તા. 22 : અંદાજે એક મહિના અગાઉ સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીઓનાં પરિણામ આવ્યા બાદ સત્તાપક્ષ
દ્વારા મનોમંથન બાદ ગત મંગળવારે કચ્છની પાંચ નગરપાલિકાના નવા સુકાનીઓની વરણી કરાયા
બાદ આજે શુક્રવારે જિલ્લાની નવ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,
શાસક પક્ષના નેતા અને દંડક સહિતના નવા સૂત્રધારોની વરણી માટે ભાજપ દ્વારા મેન્ડેટ અપાતાં
જે-તે તાલુકા પંચાયતમાં આ નવા સૂત્રધારોએ ફોર્મ રજૂ કર્યાં હતાં. - ભુજ તાલુકા પંચાયત : ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુખપર-1 બેઠકના વિજેતા ઉમેદવાર લક્ષ્મીબેન રામજી
ખેતાણી, ઉપપ્રમુખ પદે ડગાળા બેઠકના રાધાબેન ભગુભાઈ વરચંદ, કારોબારી ચેરમેન તરીકે માધાપર
જૂનાવાસ-2ના કુલદીપસિંહ દાદુભા ચૌહાણ, જ્યારે શાસક
પક્ષના નેતા પદે માધાપર-1ના ભરત
જેઠાલાલ રાઠોડ તેમજ દંડક તરીકે દેશલપરના મોંઘીબેન જેસા રબારીની વરણી કરવામાં આવી હતી.
- અંજાર તાલુકા પંચાયત : અંજાર તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે
પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વીરા બેઠક પર બિનહરીફ થયેલા
સંદીપભાઈ ચાવડાની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે સત્તાપર બેઠકના ભાવનાબેન
ગોપાલભાઈ વીરા, કારોબારી ચેરમેન દીપકાસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ
રબારી તેમજ દંડક તરીકે નૌત્તમભાઈ ચૌહાણની પસંદગી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ખાતે
નિરીક્ષક તરીકે જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર, મોમાયાભા ગઢવી, અંજાર તાલુકા
ભાજપના પ્રમુખ બી.એન. આહીર, મહામંત્રી કાનજીભાઈ શેઠ, રૂપાભાઇ રબારી સહિતના ઉપસ્થિત
રહ્યા હતા. - માંડવી તાલુકા પંચાયત : આ બંદરીય
તાલુકા પંચાયત માટે તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 20ના જનરલ બોર્ડમાં 16 બેઠક અંકે કરીને ભાજપાએ ત્રાજવું
નમાવી લીધું હોવા છતાં ચાર બેઠક જીતેલો કોંગ્રેસ પક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે
હરીફાઇમાં ઊતરતાં આવતીકાલે ચૂંટણી અનિવાર્ય બની છે. આ દરમ્યાન 80 ટકા મજબૂતાઇ સાથે વિજયી ભારતીય
જનતા પક્ષે પ્રમુખપદ માટે રેખાબેન પરેશ છાભૈયા અને ઉપાધ્યક્ષ તરીકે વિરમભાઇ લાખુભાઇ
ગઢવીનાં નામોનાં ફોર્મ રજૂ કરાયાં હતાં. તદુપરાંત કેસરિયા પક્ષે કારોબારી સમિતિ, સત્તાપક્ષના
નેતા અને દંડકના નામો પણ પાધરાં કર્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી વતી મહિલા અનામત રેખાબેન
પરેશભાઇ છાભૈયા (બિદડા-1) સામે વિપક્ષ
કોંગ્રેસે મિત્તલબેન યુવરાજસિંહ જાડેજા (તલવાણા)ને હરીફાઇમાં ઉતાર્યા છે. ઉપપ્રમુખ
સ્થાન માટે ભાજપાએ ઘોષિત કરેલ વિરમભાઇ લાખુભાઇ ગઢવી (કાઠડા) સામે વિપક્ષના ખેરાજભાઇ
નાગાજણ રાગ (ગઢવી) (નાના ભાડિયા) મેદાને જંગમાં જાણવા મળ્યા હતા. વિવિધ પ્રમુખ, ઉપપ્રમુખનાં
નામોનું ચિત્ર સ્પષ્ટ કરવાની સાથે ભાજપાએ કારોબારી સમિતિના ચેરમેન તરીકે બળવંતસિંહ
ટપુભા જાડેજા (મોટી મઉં), સત્તાપક્ષના નેતા તરીકે કીર્તિકુમાર ભાઇલાલ ગોર (બાગ) અને
દંડક પદે અંકિતગિરિ રાજેશગિરિ ગોસ્વામી (ગઢશીશા-1)નાં નામો પણ જાહેર કર્યાં હોવાની જાણકારી મળી છે. ફોર્મ ભરતી
વેળાએ ભાજપના જિલ્લા અગ્રણીઓ પ્રભારી રવીન્દ્રભાઇ એ. ત્રવાડી અને પ્રફુલ્લસિંહ જાડેજા,
તા. ભાજપ પ્રમુખ સામંતભાઇ ગઢવી, તા. ભાજપના મહામંત્રીઓ લક્ષ્મીશંકરભાઇ જોશી, મહેન્દ્રભાઇ
રામાણી, બિદડા જિ.પં. સદસ્ય વાલજીભાઇ સંઘાર, મહેન્દ્રભાઇ મહેશ્વરી, જ્યારે કોંગ્રેસ
પક્ષે તાલુકા કોંગેસ પ્રમુખ વલ્લભભાઇ વેલાણી, હરિસિંહ જાડેજા, મીત પ્રકાશ ગઢવી, અનિલભાઇ
મોતા વગેરે જોડાયા હતા. 20ના જનરલ
બોર્ડમાં તલવાણા, ભાડિયા, શેરડી અને ગોધરા તા.પં.ની બેઠકો ઉપર `પંજો' ઉપર રહ્યો હતો. - મુંદરા તાલુકા પંચાયત : મુંદરા તાલુકા પંચાયતમાં તાલુકા ભાજપ
પ્રમુખ શક્તાસિંહ જાડેજા, ભુજથી આવેલા જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, માંડવીના
અમૂલ દેઢિયા તેમજ ભાજપના માણેક ગઢવી, ગાંગાભાઈ ચાવડા સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં
પ્રમુખ પદે રામાણિયાના સંતોકબા જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે કાંડાગરાના હમીર પચાણ રબારીએ
ફાર્મ ભર્યું હતું. મુંદરા તાલુકા પંચાયતના
ટીડીઓ અનિલભાઈ ત્રિવેદી અને તાલુકા વિસ્તરણ અધિકારી નીલકંઠભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા
હતા. - નખત્રાણામાં ભાજપ-કોંગ્રેસના
પ્રમુખ-ઉપપ્રમુખ માટે દાવા : નખત્રાણા તાલુકા પંચાયતમાં 18 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં
11 બેઠક ભાજપ અને સાત પર કોંગ્રેસે
વિજય મેળવ્યો છે, ત્યારે આજે આ તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપ અને કોંગ્રેસ
દ્વારા ફોર્મ રજૂ કરાયાં હતાં. જો કે, બહુમતી ધરાવતા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે કોટડા
(રોહા) બેઠકના બક્ષીપંચના મહિલા ઉમેદવાર ભારતીબેન ગોસ્વામી, તો ઉપપ્રમુખ માટે તલ બેઠકના
જ્યોતિબા રણજિતસિંહ સોઢાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. આ તકે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજા, નગરપતિ વસંત વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, પૂર્વ પ્રભારી વાલજીભાઈ
ટાપરિયા, પ્રભારી પરેશ ભાનુશાલી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે પ્રતિપક્ષ
કોંગ્રેસે પ્રમુખ તરીકે કોટડા (જ.)ના કાજલબેન કૃષ્ણદાન ગઢવી અને ઉપપ્રમુખ પદે નેત્રા
બેઠકના ઓસમાણખાન સુમરાએ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક ગઢવીને ફોર્મ રજૂ કર્યાં હતાં.
તેમની સાથે અશ્વિનભાઈ રૂપારેલ, રમેશદાન ગઢવી, શાંતિલાલ નાયાણી સહિતના અગ્રણીઓ હાજર
રહ્યા હતા. - લખપત તા.પં.માં પ્રમુખ-ઉપપ્રમુખ
માટે ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં : લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક મળ્યા પછી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ
આજે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ
દ્વારા પ્રભારી રાજેશભાઈ પલણ અને ભીમજીભાઈ જોધાણીની ઉપસ્થિતિમાં તા.પં.ના પ્રમુખ માટે
લાખાપર બેઠકના ગંગાબેન મનજી બલિયા અને ઉપપ્રમુખ તરીકે બરંદા બેઠકના હુસેન સુલેમાન પઢિયારનાં
ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. લઘુમતી અગ્રણી હાજી સુલેમાન પઢિયાર, તા. પં.ના પૂર્વ ઉપપ્રમુખ
વિક્રમસિંહ સોઢા, જશુભા જાડેજા, તા.પં.ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. તા. વિ. અધિકારી
(ઈન્ચાર્જ) દલપતસિંહ રાણાએ ફોર્મ સ્વીકાર્યાં હતાં. કોંગ્રેસ પક્ષે બહુમતી નથી, પણ
બિનહરીફ ન આપવા નક્કી થતાં પ્રમુખ માટે પાનધ્રો બેઠકના ગૌરીબેન કરમણભાઈ ફફલ અને ઉપપ્રમુખ
તરીકે શકીનાબેન કરમખાન જતે ઉમેદવારીપત્ર ભર્યું છે. કોંગ્રેસના અગ્રણી પી.સી. ગઢવીએ
કહ્યું હતું કે, તા. પં. હોદ્દા નિયુક્તિમાં ભાજપ પક્ષે ભારે નારાજગી છે, જેનો ફાયદો
કોંગ્રેસને મળી શકશે. - અબડાસા
તા.પં.માં ભાજપનો ભગવો લહેરાશે : અબડાસા તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે ફોર્મ રજૂ કરવાની અંતિમ
ઘડીએ એક વાગ્યા બાદ ભાજપ દ્વારા દાવેદારી નોંધાવાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રાસિંહ
કે. જાડેજા, ઉપપ્રમુખ માટે વિનોદ દરજી, કારોબારી ચેરમેન માટે પ્રવીણભાઈ ભાનુશાલી, શાસક
પક્ષના નેતા માટે રાજેશ્રીબેન ગઢવી, દંડક પદ માટે રીટાબેન તરુણગર ગોસ્વામીએ ટીડીઓ સમક્ષ
ફોર્મ રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા ભાજપ તરફથી અબડાસા સહપ્રભારી માજી ધારાસભ્ય
રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણભાઈ મોતા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજા, જિલ્લા
પંચાયત સભ્યો સુરા કામા રબારી, મહાવીરાસિંહ જાડેજા, રાજુભા સોઢા, મહામંત્રી ગોપાલભાઈ
ગઢવી, વિનયભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પક્ષ પાસે પૂરતું
સંખ્યાબળ ન હોવા છતાં પણ કોંગ્રેસના ઉમેદવારે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવી
હતી. નરેડી સીટ પરથી ચૂંટાયેલા વિક્રમાસિંહ સોઢાએ પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે સુથરી
સીટ પરથી ચૂંટાયેલા અલી અકબર સંગારે પણ ટીડીઓ સમક્ષ ફોર્મ રજૂ કર્યું હતું. જો કે,
કોંગ્રેસ પાસે હાલ ચૂંટેલા સાત સભ્ય છે અને ભાજપ પક્ષમાં પાસે 11 સભ્ય ચૂંટાયેલા છે. બહુમતી
ભાજપ પાસે છે, એટલે પ્રમુખ અને ઉપપ્રમુખ અને અન્ય પણ કારોબારી ચેરમેન તેમજ સહિતના હોદ્દાઓ
ભાજપના જ બનશે તે નક્કી છે. કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવા છતાં આ દાવેદારી એક દિવસ
માટે ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં તર્ક-વિતર્ક વહેતા થયા છે. - રાપર તાલુકા પંચાયત : રાપર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રામવાવની
ઓબીસી બેઠક પરથી ચૂંટાયેલા રાજેશભાઈ ખેંગારભાઈ ઢીલા, ઉપપ્રમુખ તરીકે પલાંસવા બેઠકના
ભરતભાઈ બાબુભાઈ સોલંકી, કારોબારી ચેરમેન તરીકે રવ મોટી બેઠકના શક્તાસિંહ દશુભા જાડેજા,
સત્તાપક્ષના નેતા તરીકે પ્રાગપર બેઠક પરથી ચૂંટાયેલા ખીમાભાઈ વાઘાભાઈ વાવિયા અને દંડક
તરીકે ચિત્રોડ બેઠકના ભાવનાબેન ધારાભાઈ ભરવાડનાં નામની જાહેરાત કરી પક્ષ દ્વારા તેમને
મેન્ડેટ આપી ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની
ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ટેકેદારો, ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત અને
તાલુકા પંચાયતના સભ્યોની હાજરીમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને રાપરના પ્રભારી વિકાસભાઈ
રાજગોરે ઉપરોક્ત નામોની જાહેરાત કરી હતી.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,
જિલ્લા ભાજપના મંત્રી ઉમેશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, મહામંત્રી મદુભા
વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - ભચાઉ તાલુકા પંચાયત : ભચાઉ તાલુકા
પંચાયતની મળેલી સામાન્ય સભામાં ચૂંટાયેલા પાંચ સભ્યોએ અલગ અલગ હોદાઓ માટે ફોર્મ ભર્યા
હતા. ભચાઉ તાલુકા પંચાયતની ચુંટાયેલા 19 સભ્યોની મળેલી બેઠકમાં લાકડિયા બેઠક ઉપરથી ચૂંટાયેલા રાજીબેન
કરસનભાઈ વવિયાએ પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું હતું. જ્યારે ચોબારી બેઠકના સીતાબેન રણછોડ
ઢીલાએ ઉપપ્રમુખ તરીકે, કારોબારી ચેરમેન તરીકે ભરૂડિયા બેઠકથી ચૂંટાયેલા ઉપેન્દ્રાસિંહ
જસુભા જાડેજા, મનફરા અને બેઠકો પરથી ચૂંટાયેલા ભરતભાઈ વિભભાઈ કોલીએ શાસક પક્ષના નેતા
તરીકે તેમજ દંડક તરીકે લક્ષ્મણ વાલજીભાઈ રબારીને પક્ષ તરફથી ફોર્મ ભરવાની વ્હિપ મળતાં
તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરાયા હતા. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અશોકભાઈ હાથી,
મિતેષ ગોસ્વામી, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ
જાડેજા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, નરેન્દ્રાસિંહ જાડેજા, અરજણભાઇ
રબારી વગેરે હાજર રહ્યા હતા.