ભુજ, તા.22 : જીતો ભુજ ચેપ્ટર દ્વારા આવતીકાલે નેશનલ જોબ ફેર-3.0ના આયોજનની સાથે જ જિલ્લાના
યુવકો માટે ઘરઆંગણે જ તેમની કાર્યક્ષમતા મુજબની રોજગારીની તકો ખૂલશે. મોનાર્ચ નેટવર્ક
કેપિટલના સહયોગથી અને કચ્છમિત્રના મીડિયા પાર્ટનર સહકારથી આવતીકાલે સવાર 11 વાગ્યાથી અહીંના વીબીસી નૂતત
સેવા સંકૂલના પ્રથમ માળ ખાતે રોજગાર મેળો શરૂ થશે જે સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે.
આ દરમ્યાન માત્ર નોંધણી કરાવનારા ઉમેદવારો જ નહીં, રજિસ્ટ્રેશન ન કરાવી શકનારા ઉમેદવારોને
પણ કંપની સાથે ઈન્ટરવ્યૂ કરી નોકરી મેળવવાની તક મળશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે સવારે યોજાનારા જોબફેરના ઉદઘાટન સમારંભમાં મુખ્ય મહેમાનપદે
ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, જીતો-ભુજના પ્રમુખ પંકજભાઈ મહેતા, સાત સંઘ જૈન
સમાજના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી, કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડ અને કચ્છમિત્રના મેનેજર
મુકેશભાઈ ધોળકિયા રહેશે. સમગ્ર દેશમાં જીતો 180 સ્થળે જોબફેર યોજી રહ્યું છે જેમાં ભુજ ખાતે આવતીકાલે યોજાનારા
જોબફેરમાં અદાણી ગ્રુપ, એગ્રોસેલ, વીનસ પાઈપ
એન્ડ ટયૂબ્સ, ચાણક્ય એકેડેમી, લીના બિલ્ડર્સ,
અમૃતલાલ દેસાઈ કંપની (એડકો), નંબર પ્રા.લિ., ટાઈમ્સ સ્કવેર, કે.ડી. મોટર્સ,
અર્હમ વેરહાઉસિંગ એલએલપી, ગોકુલ એગ્રો રિસોર્સિસ લિ., શાહ ટાયર્સ, તાતા એઆઈએ લાઈફ ઈન્શ્યોરન્સ
અને શુભ નિવેશ એસોસીએટ્સ સહિત પચ્ચીસથી વધુ
નામાંકિત કંપનીના પ્રતિનિધિઓ જિલ્લાના યોગ્ય યુવાનને સ્થળ પર ઈન્ટરવ્યૂની પ્રક્રિયા
પૂર્ણ કરીને રોજગાર પ્રદાન કરશે. કચ્છી યુવાઓને ઘરઆંગણે જ નોકરીની તક મળે એવા હેતુ
સાથે જીતો ભુજ ચેપ્ટરના આ આયોજનને જિલ્લામાંથી જબ્બર પ્રતિસાદ સાંપડયો હતો અને અનેક
યુવાનોએ નિ:શુલ્ક નોંધણી કરાવી હતી તેમ છતાં અનેક યુવાઓ નોંધણી કરાવવામાંથી વંચિત રહી
ગયા હતા. એક પણ યુવક તકથી વંચિત ન રહે તે માટે
આયોજકોએ આવતીકાલના જોબફેરમાં નોંધણી કરાવનારાઓની સાથે રજિસ્ટ્રેશન ન કરાવનારા યુવા
યુવતીઓને પણ હાજર રહી જોબફેરનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ટીમ જીતો ભુજના ચીફ સેક્રેટરી
બ્રિજ શાહ, કન્વીનર (જોબ્સ) અંકિત દેસાઈ અને સહ કન્વીનર (જોબ્સ) તાપસ શાહ સહિત આયોજનને
સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.