• મંગળવાર, 25 જૂન, 2024

માંડવી સુધરાઇની મુલાકાતનો કપિરાજનો જાણે નિત્ય ક્રમ

માંડવી, તા. 18 (દેવેન્દ્ર વ્યાસ દ્વારા) : અહીં સાગર અને સરિતા સંગમની મોહક હવાના હેવાયા થઇને શહેરમાં દોઢેક વર્ષથી ઠરીઠામ થયેલા કપિરાજે દિનચર્યાનાં ભાગરૂપે નગર સેવાસદનની ચહલ-પહલ ઉપર નજર નાખવા, રાખવા વિવિધ વિભાગના બારણે આંટા મારતાં શહેરના વક્રદ્રષ્ટાઓએ વ્યંગ છોડયું હતું. શહેર-તાલુકા કક્ષાની વિવિધ કચેરી કાર્યરત હોવા છતાં કોણ જાણે કેમ વાનરદેવ સુધરાઇ?સંકુલ આસપાસ પડયા-પાથર્યા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાના કપરા કાળ પછી ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી આવી ચડેલ આ કપિરાજ કેટલોક સમય હવા બદલ કરવા ગયા પછી ફરી પરત આવી ગયા છે. મોટાભાગે તળાવ ગેટ, ટોપણસરની પાળ, વડલાના વિસામા વિસ્તારથી નગરપાલિકા પરિસરના પગથિયાં ચડીને કચેરી કામગીરીનું જાણે નિરીક્ષણ?કરવા આવતા હોવાથી શહેરમાં ચર્ચાનો મુદ્દો બનાવાતા રહ્યા છે. કેટલાકે અતૃપ્ત રાજકીય આત્મા તરીકે મજાક કરી હતી. પાલિકાના જયેશભાઇ ભેડા, ભૂપેન્દ્ર સલાટ વગેરેએ કહ્યું કે, સમયપત્રક નક્કી નહીં, પરંતુ મોટાભાગે કચેરીએ આંટો મારવા, આરામ ફરમાવવાને તેણે નિત્ય ક્રમ બનાવ્યો છે. કોઇ વાનરવેડા નહીં, શાંત પ્રકૃતિ. કોઇ ખાવાનું આપે તોય ભલે, ન આપે તોય ભયો ભયો ! પગથિયાં, લોબી જ નહીં, અંદર કચેરી વિભાગોમાંય આંટો મારવાનો ઉપક્રમ ! કામના દિવસો ના હોય તો આ તરફ?આવવાની રજા પાડે !

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang