• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

નવા અંદાજમાં રજૂ થયેલાં ભજનોએ સર્જ્યો ભક્તિમય માહોલ

ભુજ, તા. 28 : કચ્છીયત ફાઉન્ડેશન અને તકધૂમ મ્યુઝિક દ્વારા મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે ભજન જેમિંગનું આયોજન કરાયું હતું. બહોળા પ્રમાણમાં ઉપસ્થિત કલા રસિકો ભજનની મોજ માણી ભક્તિમય માહોલમાં તરબોળ થયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ  પ્રાગટયથી કરવામાં આવી, જેમાં કચ્છ યુનિ.ના કુલપતિ મોહનભાઇ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવે, ધારાસભ્ય કેશુભાઇ પટેલ જાણીતા સંગીતકાર કીર્તિ વરસાણી, રમતગમત અધિકારી દેવાંશી ગઢવી, સીએ રમેશ પિંડોળિયા, કલ્પેશ ગોસ્વામી, પારૂલબેન કારા, ગાયક કેદાર ઉપાધ્યાય તથા ડો. હિનાબેન ગંગર જોડાયા હતા. જાણીતા મ્યુઝિક કમ્પોઝર ડાયરેક્ટર તથા કચ્છીયત ફાઉન્ડેશનના અને તકધૂમ મ્યુઝિકના કો-ફાઉન્ડર કીર્તિ વરસાણી દર વખતે એક નવા અંદાજમાં સંગીત પ્રસ્તુત કરે છે. ધ ઓરિજિનલ ભજન જેમિંગ ઇવેન્ટમાં ખ્યાતનામ ગુજરાતી કલાકાર `તું મારો દરિયો' ફેમ કેદાર ઉપાધ્યાય, અનિરુદ્ધ આહીર, નંદલાલ છાંગા, પૂનમબેન ગઢવી, ભૂમિકા જોશી (સુરત), ઇન્દુ ઠાકુર (દિલ્હી), દીપેન હંસોરા તથા સુમન પટેલે પોતાના સૂરોના સથવારે ભક્તિભય વાતાવરણ ઊભું કર્યું હતું. શ્રી વરસાણીએ પોતાની આગવી શૈલીમાં ભજનને પ્રસ્તુત કર્યાં હતાં. સાઉન્ડ બોલ થેરાપી વડે ઉપસ્થિતોનું મેડિટેશન કરાવવામાં આવ્યું હતું. ત્રણ પેઢી જે કાર્યક્રમમાં જોડાઇને ઝૂમી શકે એવી ઇવેન્ટ ભુજમાં કચ્છીયત ફાઉન્ડેશન અને તકધૂમ મ્યુઝિક સમયાંતરે લઇ આવે છે. ઇવેન્ટમાં નારાયણ સ્વામીનાં ભજનો, કાગવાણી, ગંગાસતીના ભજનો, શિવ તાંડવ, પ્રાચીન ગુજરાતી ભજનો તથા અર્વાચીન ભજનોને કુશળ સાજિંદાઓના સંગાથે નવી શૈલીમાં રજૂ કરાયા હતા. કપિલ ગોસ્વામીએ  સંચાલન કર્યું હતું. કીર્તિ વરસાણી, સંધ્યા વરસાણી, ડો. હિના ગંગર, ડો. નિનાદ ગોર, જિમ્મી ગોસ્વામી, વિધિ ગોર, રીમા સાકરિયા પઢારિયા, ઝરણા પંડયા, વૈશાલી જેઠી તથા ડો. રુચિ ગોરે જહેમત ઉઠાવી હતી. જય રાઠોડે મ્યુઝિક આસિસ્ટન્ટ તરીકે વ્યવસ્થા સંભાળી હતી. 

Panchang

dd