ભુજ, તા. 18 : કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં સોમવારે નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે પદભાર સંભાળી નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવા સાથે સહિયારા પ્રયાસો થકી કચ્છના વિકાસનો કોલ આપ્યો હતો. ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના સમિતિ ખંડમાં સભ્યો, પક્ષના વિવિધ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોની વિશાળ સંખ્યામાં નવનિયુક્ત પ્રમુખ જનકસિંહ જાડેજાને આવકાર અપાયો હતો. મંચસ્થ પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ સરકારની વિવિધ યોજનાની અમલવારીમાં નવનિયુક્ત ટીમને કાર્યરત રહેવાની શીખ આપી શુભેચ્છા પાઠવી હતી. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે કચ્છને કોંગ્રેસ મુક્ત કરવા બદલ કચ્છ ભાજપની ટીમને અભિનંદન આપ્યા હતા. પૂર્વ પ્રમુખ પારૂલબેન કારાએ યોગ્ય વ્યક્તિને જિલ્લાનું દાયિત્વ સોંપવા બદલ પાર્ટીનો આભાર માની ખૂટતા વિકાસકાર્યોમાં સહયોગની ખાતરી આપી હતી. ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીએ કચ્છના વધુમાં વધુ વિકાસકામો કરવાની ખાતરી આપી હતી જ્યારે નવનિયુક્ત પ્રમુખ જનકસિંહે પક્ષે સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છેવાડાના લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડી કચ્છનો વધુમાં વધુ વિકાસ કરવાનો કોલ આપ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદે ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠન મળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કચ્છના પૂર્ણ વિકાસના સ્વપ્નને પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. આ તકે પ્રમુખ તેમજ મંચસ્થો દ્વારા અનાથાશ્રમની બાલિકાઓને કપડાં તથા કીટ, જિલ્લા પંચાયતના સફાઇ કામદારોનું સન્માન, ગંગાસ્વરૂપ બહેનોને રાશનકીટ અને આયુષ્માનભવ યોજના હેઠળ લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરાયા હતા. બાદમાં પ્રમુખની ચેમ્બરમાં મહેશ્વરી સમાજના ધર્મગુરુ અને રાજતિલાટ ધર્મદાદા માતંગદેવના હસ્તે તિલક અને કચ્છી પાઘડી પહેરાવાઇ હતી, તો પાંકડસર જાગીરના મહંત કૃષ્ણાનંદ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા જ્યારે અવિનાશ શાત્રીજીએ શાત્રોક્ત વિધિ કરાવી હતી. આ પ્રસંગે રાપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખ જીવા શેઠ, ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કે.ડી.સી.સી. ચેરમેન દેવરાજ ગઢવી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, ભુજ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિનોદ વરસાણી સહિતના મંચસ્થ રહ્યા હતા. નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, જિલ્લા ઉપપ્રમુખ રાહુલ ગોર, મહિલા મોરચા અધ્યક્ષ ગોદાવરીબેન ઠક્કર, કચ્છ મહિલા રાજપૂત ક્ષત્રિય પ્રમુખ ચેતનાબા જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ભુજ તાલુકા સંગઠનના પ્રમુખ ભીમજી જોધાણી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન ઘેલાભાઇ આહીર સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો નવનિયુક્ત પ્રમુખને સન્માનવા જિલ્લાભરમાંથી પક્ષના હોદ્દેદારો, કાર્યકરો, શુભેચ્છકો ઉમટી પડયા હતા. દરમ્યાન, કચ્છ જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ જનકસિંહ જાડેજાએ માતાનામઢે માથું ટેકવ્યું હતું. દેશદેવી મા આશાપુરાનાં દર્શન બાદ જિલ્લા પંચાયત પ્રમુખનું માતાનામઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશ જોષી, વિકાસભાઇ રાજગોર (ભચાઉ), નરેન્દ્રસિંહ જાડેજા (કોટડી મહાદેવપુરી), વલીમામદ જત, પુજુભા જાડેજા, લાલુભા સોઢા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.